વડોદરા: ક્રિકેટ હબ વડોદરાના પૂર્વ ક્રિકેટર સેસિલ વિલિયમ્સનું બુધવારની રાત્રે 9.30 કલાકે નિધન થયું છે. તેમણે ચાર દિવસ પહેલા કોરોનાની રસી લીધી હતી. તે બાદથી તેમની તબિયત સતત બગડવા લાગી હોવાનું તેમના પુત્ર કોનોર વિલિયમ્સે ટેલિફોનિક વાતમાં જણાવ્યું હતું.
વડોદરાના 1970ના દાયકાના જાણીતા ક્રિકેટર સેસિલ વિલિયમ્સનું 78 વર્ષની વયે નિધન થયું છે. તેમના પુત્ર કોનોર વિલિયમ્સે ટેલિફોનિક વાતમાં જણાવ્યું હતું કે તેમના પિતાએ ચાર દિવસ પહેલા કોરોનાની રસી લીધી હતી. તેમને ડાયાબિટિશની બીમારી હતી. રસી લીધા બાદ તેમની તબિયત લથડવા માંડી હતી.
જમવા-ચા-નાસ્તામાં તેમની રૂચી ઘટવા લાગી હતી. તેમની તબિયત વધુ નાદુરસ્ત બનતા મમ્મીએ તેમને દવાખાને લઇ જવા તૈયાર થવાનું કહેતા તેઓ કપડાં બદલી તૈયાર થયા હતા. પરંતુ તબિયત વધારે બગડતા તેઓ પલંગમાં ફસડાઇ પડ્યા હતા. તેમનું મૃત્યુ થયું હતું.
સેસિલ વિલિયમ્સ 1961 થી 1978 દરમિયાન ક્રિકેટ રમ્યા હતા તેમણે પ્રથમ કક્ષાની 61 મેચમાં 2000 રન કર્યા હતા 129 વિકેટો પણ લીધી હતી ક્રિકેટમાંથી નિવૃત થયા બાદ તેમણે બીસીએમાં કોચ પસંદગીકાર ટીમ મેનેજર બીસીએની મેનેજિંગ કમિટીના સભ્ય સહિત વિવિધ પદ પર રહી તેમના અનુભવનો લાભ બરોડાના ક્રિકેટરોને આપ્યો હતો.
તેમની કામગીરીની પ્રશંસા કરતા બીસીએ પ્રમુખ પ્રણવ અમીને જણાવ્યું હતું કે બરોડા ક્રિકેટને તેમની મોટી ખોટ પડશે. બીસીએના સીઇઓ સિશિર હટંગડીએ જણાવ્યું હતું કે સેસિલ વિલિયમ્સ ખૂબ સારા સ્વભાવના બતા અમારા પેઢીના ક્રિકેટરો માટે માર્ગદર્શન હતા. તેઓ હંમેશા માર્ગદર્શન આપતા હતા. ક્રિકેટર તરીકે મે તેમની ઘણીવાર સલાહ લીધી હતી એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
બીસીએના પ્રવક્તા સત્યજીત ગાયકવાડે પણ તેમની કામગીરીની પ્રસંશા કરી તેમને શ્રધ્ધાંજલી આપી હતી તેમના સમકાલિન ક્રિકેટો મહેંદી શેખે પણ તેમને શ્રધ્ધાંજલી આપી હતી. બીસીએમાં અનેક હોદ્દા પર રહી ચૂકેલ સ્નેહલ પરીખ, અતુલ બેદાડે અને રવિ દેશમુખ સહિતના ક્રિકેટરોએ સેસિલ વિલિયમ્સને યાદ કરીને ભૂતકાળના તેમના સ્મરણો યાદ કરી હદયપૂર્વકની શ્રધ્ધાંજલી આપી હતી. બીસીએના મંત્રી અજીત લેલેએ પણ શ્રધ્ધાંજલી આપી હતી.