સુરત: દક્ષિણ ગુજરાત વીજ કંપનીની માલિકીના લાખો રૂપિયાના માલને કડોદરાના સ્ટોરમાંથી બારોબાર બજારમાં વેચી દેવાના કૌભાંડમાં નવો ખુલાસો થયો છે. કડોદરા સ્ટોરના જવાબદાર અધિકારીઓ દ્વારા કંપનીના ઈ-ઉર્જાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
- ઈ-ઉર્જાના ગેટપાસ બનાવ્યા વગર કડોદરાના સ્ટોરમાંથી લાખોનો માલ બહાર મોકલાયો
- દક્ષિણ ગુજરાત વીજ કંપનીની માલિકીનો લાખોનો માલ બારોબાર બજારમાં વેચી દેવાયાની આશંકા
- વીજકંપનીના અધિકારીઓની તપાસમાં મોટો ખુલાસો, મુખ્યમંત્રી સુધી ફરિયાદ પહોંચે તેવી ચર્ચા
પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષિણ ગુજરાત વીજકંપનીના ગોડાઉન કે સ્ટોરમાંથી કોઈ પણ પ્રકારના માલ સામાનને બહાર લઈ જવો હોય તો ઈ-ઉર્જા ગેટપાસ એટલે કે ઓનલાઈન ગેટ પાસ બનાવવાનો નિયમ છે. પરંતુ કડોદરા સ્ટોરના કૌભાંડમાં મેન્યુઅલ ગેટ પાસ બનાવી લાખો રૂપિયાના કોપર વાયર, ગર્ડર વિગેરે કિંમતી માલસામાન સ્ટોરની બહાર મોકલવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.
સ્ટોરના ઈન્ચાર્જ જુનિયર ઈજનેર અને ટેકનિકલ હેડ કાર્યપાલક ઈજનેરની જવાબદારી બને છે. તો શું માલસામાન બહાર ગયો તેની તેમને ખબર જ ન પડી. અહીં પ્રશ્ન એ પણ ઉભો થાય છે કે વિભાગીય કચેરીના સ્ટોરમાંથી માલસામાન મેન્યુઅલ ગેટપાસથી બહાર જાય તો તે ટેકનિકલ હેડની જાણકારી વિના જઈ શકે નહીં. જો તેઓ જાણતા હતા તો ચૂપ કેમ રહ્યાં?
આ મામલામાં ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી રહ્યાં છે પરંતુ હજુ સુધી કોઈની સામે શિક્ષાત્મક કાર્યવાહી થઈ નથી તે પણ અચરજ ઊભું કરે છે. મુખ્યમંત્રી ભ્રષ્ટ અધિકારીઓ સામે આકરું વલણ દાખવી રહ્યાં છે ત્યારે ઉર્જા વિભાગમાં ચાલતી ગેરરીતિ સામે આકરાં થશે તે જોવું રહ્યું!
વાપીમાં તાત્કાલિક કર્મચારીને સસ્પેન્ડ કરાયો તો કડોદરામાં કેમ નહીં?
કડોદરા સ્ટોરમાંથી મેન્યુઅલ ગેટપાસથી લાખોનો માલ બારોબાર બજારમાં વેચી મારવામાં આવ્યો હોવાના કૌભાંડમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સુરતના અધિકારીઓ તપાસ કરી રહ્યાં છે. હજુ કોઈની સામે શિક્ષાત્મક કાર્યવાહી થઈ નથી. બીજી તરફ વાપી ડીજીવીસીએલના સ્ટોરમાં પણ આવો જ બનાવ બન્યો હતો. વીસ દિવસ પહેલાં વાપીના સ્ટોરમાંથી ગેટ પાસ વિના ટ્રાન્સફોર્મર બહાર કાઢવામાં આવ્યું હતું. તે કેસમાં વર્ગ 4ના કર્મચારીને ફરજ મોકૂફ કરી તાત્કાલિક તેની સામે ફરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવી હતી. તો કડોદરાના કૌભાંડમાં કેમ અધિકારીઓ ઢીલા પડી રહ્યાં છે?