Sports

પાકિસ્તાન સામે જીત બાદ કોચ ગૌતમ ગંભીરે પહેલગામ હુમલા પર કરી મોટી વાત

સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે રવિવારે (14 સપ્ટેમ્બર) એશિયા કપ 2025માં પાકિસ્તાન સામે 7 વિકેટથી જોરદાર વિજય મેળવ્યો હતો. ભારતીય ટીમને જીતવા માટે 129 રનનો સામાન્ય લક્ષ્યાંક મળ્યો હતો, જે તેણે 4 ઓવર અને 1 બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો.

પાકિસ્તાન પર વિજય મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે તેના ખેલાડીઓની પ્રશંસા કરી હતી. જોકે, ગંભીરે સ્પષ્ટપણે કહ્યું હતું કે ટુર્નામેન્ટની અન્ય ટીમો સાથે ભારતીય ટીમની તુલના કરવાની કોઈ જરૂર નથી. ભારત-પાકિસ્તાન મેચ પહેલાનું વાતાવરણ તણાવથી ભરેલું હતું. એપ્રિલ 2025 માં પહેલગામ આતંકવાદી હુમલામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા, જેનાથી સમગ્ર દેશ દુઃખી થયો. આ પછી મે મહિનામાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર ચલાવીને આતંકવાદીઓનો સફાયો કર્યો. ગંભીરે પહેલગામ હુમલાના પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ભારતીય સેનાને સલામ કરી.

ગૌતમ ગંભીરે ટુર્નામેન્ટના સત્તાવાર પ્રસારણકર્તા સોની સ્પોર્ટ્સ નેટવર્કને જણાવ્યું હતું કે, “આ એક સારી જીત છે, પરંતુ હજુ ઘણું ક્રિકેટ બાકી છે. સૌથી મહત્વની વાત એ હતી કે એક ટીમ તરીકે અમે પહેલગામ હુમલાના પીડિતોના પરિવારો સાથે હોવાનું દર્શાવવા માંગતા હતા. ઉપરાંત ઓપરેશન સિંદૂરમાં સફળતા પ્રાપ્ત કરનાર ભારતીય સેનાનો પણ આભાર માનું છું. મને નિષ્ઠાપૂર્વક આશા છે કે અમે દેશને ગૌરવ અપાવતા રહીશું.”

ગૌતમ ગંભીર માને છે કે યોગ્ય ટીમ કોમ્બિનેશનના કારણે આ જીત થઈ. ગંભીરના મતે બોલરોએ શરૂઆતથી જ પાકિસ્તાન પર દબાણ બનાવ્યું અને પછી બેટ્સમેનોએ કામ સરળ બનાવી દીધું. ગંભીરે કહ્યું, ‘તમે આનાથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખી શકો નહીં. વિરોધી ટીમને 127 રન પર રોકવી સરળ નથી. ત્રણ સ્પિનરો અને બુમરાહએ જે રીતે બોલિંગ કરી તે પછી બેટ્સમેન પર વધુ દબાણ નહોતું. શરૂઆત પણ શાનદાર હતી અને ખેલાડીઓ સતત યોગ્ય દિશામાં કામ કરી રહ્યા છે.’

ગૌતમ ગંભીરે સ્વીકાર્યું કે તેણે પણ ઉતાર-ચઢાવ જોયા છે પરંતુ ભારપૂર્વક જણાવ્યું કે પ્રામાણિકતા જ તેના માટે વાસ્તવિક શક્તિ છે. ગંભીર કહે છે, ‘કોચિંગમાં સારા અને ખરાબ દિવસો આવે છે. મહત્વની વાત એ છે કે તમે ડ્રેસિંગ રૂમમાં પ્રામાણિકપણે કામ કરો. પ્રામાણિક લોકો સાથે રહેવું મહત્વપૂર્ણ છે. ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા માટે પ્રામાણિકતા ખૂબ જ મહત્વપૂર્ણ છે, પછી ભલે તે ડ્રેસિંગ રૂમમાં હોય, મેદાન પર હોય કે કોમેન્ટરી બોક્સમાં.’

ભવિષ્ય તરફ નજર કરતાં ગૌતમ ગંભીરે કહ્યું કે તે આ ટુર્નામેન્ટમાં અન્ય ટીમો સાથે સરખામણી કરવામાં માનતો નથી અને તેનું ધ્યાન ફક્ત ભારતીય ટીમના યુવા ખેલાડીઓને યોગ્ય દિશામાં લઈ જવા પર છે. ગંભીર કહે છે, ‘તમે સફરજન અને નારંગીની તુલના કરી શકો નહીં. દરેક ટીમ અલગ હોય છે. આપણે ફક્ત આપણા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફમાં વિશ્વાસ રાખવો પડશે. પરિણામો આવતા રહેશે.’

Most Popular

To Top