બજેટમાં મધ્યમવર્ગને લાભ થયો નથી અને હવે આરબીઆઈએ પણ રેપોરેટ યથાવત રાખતાં લોકોના લોનના હપ્તા ઘટશે નહીં. જે રીતે બજેટ રજૂ થયું અને ફુલગુલાબી બજેટના આંકડાઓ રજૂ થયાં તે જોતાં એવું મનાતું હતું કે, કદાચ આરબીઆઈ દ્વારા પણ જીડીપીનો વધારો જોતાં રેપોરેટમાં રાહત આપવામાં આવે પરંતુ તેવું થયું નથી. જેને પગલે મધ્યમવર્ગ નિરાશ થયો છે. ભારતમાં મધ્યમવર્ગ મોટાભાગે લોન પર જ ચાલે છે. હાઉસિંગ લોનથી માંડીને એજ્યુકેશન લોન લઈને મધ્યમવર્ગ દ્વારા તેના હપ્તાની જ આખી જિંદગી જોગવાઈ કરવામાં આવે છે. અગાઉ આરબીઆઈએ ધીરેધીરે રેપોરેટમાં મોટો વધારો કરી નાખ્યો હતો. જેને કારણે લોનના હપ્તામાં મોટો વધારો થઈ ગયો હતો. જેનો વધારો થયો નહોતો તેની લોનની રકમ વધી ગઈ હતી. મધ્યમવર્ગ એજ આશામાં હતો કે ક્યારે રેપોરેટ ફરી અગાઉની જેમ ઘટે.
ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતી દ્વારા દર બે મહિને બેઠકો કરવામાં આવે છે. છેલ્લે ડિસેમ્બર, 2025માં આ બેઠક કરવામાં આવી હતી અને હાલમાં ફરી બેઠક મળી હતી. ત્રણ દિવસ બેઠક ચાલ્યા બાદ આરબીઆઈ દ્વારા રેપોરેટની જાહેરાત કરવામાં આવે છે. હાલમાં પણ રેપોરેટ માટેની બેઠક ત્રણ દિવસ ચાલી હતી અને શુક્રવારે આરબીઆઈ દ્વારા સર્વાનુમતે રેપોરેટ અંગે નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં રેપોરેટ 5.25 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે ફુગાવો નિયંત્રણમાં છે અને ભારતીય અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં છે. તેમણે સમજાવ્યું કે દેશમાં વૃદ્ધિ મજબૂત છે, જ્યારે ફુગાવો પણ નિયંત્રણમાં છે. આને ધ્યાનમાં રાખીને, આરબીઆઈએ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી અને નાણાકીય નીતિ સમિતિનું વલણ તટસ્થ રાખવામાં આવ્યું છે.
આ ચાલુ નાણાકીય વર્ષ 2026 ની પ્રથમ નાણાકીય નીતિ બેઠક હતી. હવે નવી બેઠક એપ્રિલ માસમાં યોજાશે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને ટેરિફ યુદ્ધો વચ્ચે આર્થિક વિકાસને ટેકો આપવા માટે આરબીઆઈ સતત રેપો રેટમાં ઘટાડો કરી રહ્યું હતું. જોકે, અમેરિકા સાથે ટ્રેડ ડીલ થયા બાદ આરબીઆઈએ રેપોરેટ ઘટાડવાનું મુનાસીબ માન્યું નથી. આરબીઆઈએ રેપોરેટ નહીં ઘટાડવા માટે બજેટનો સહારો લીધો પરંતુ વાસ્તવિકતા એ છે કે બજેટમાં મધ્યમવર્ગ માટે કશું જ નથી.
બજેટમાં એવું પરોક્ષ રીતે પણ નથી કે જેનાથી મધ્યમવર્ગને રાહત થાય. આ સંજોગોમાં આરબીઆઈ દ્વારા રેપોરેટ નહીં ઘટાડવાનું વલણ સમજી શકાય તેવું નથી. રેપોરેટ ઘટે તો લોનના વ્યાજ અને હપ્તા ઘટે અને જો તેમ થાય તો મધ્યમવર્ગ પાસે નાણાં બચે. પરંતુ આરબીઆઈ તેવું ઈચ્છતું નથી તેવું તેની જાહેરાતો પરથી સાબિત થાય છે. આરબીઆઈએ જો રેપોરેટ ઘટાડ્યો હોત તો કેન્દ્ર સરકારનું બજેટ મધ્યમવર્ગ માટે ફાયદાકાર છે તેવો દાવો ખોટો સાબિત થયો હોત.
આરબીઆઈ દ્વારા રેપોરેટની સાથે એસડીએફ (સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી) અને એમએસએફ (માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી)નો દર અનુક્રમે 5 અને 5.50 ટકાનો યથાવત રાખવામાં આવ્યો છે. ગત વર્ષે 2025માં આરબીઆઈએ ચાર વખત રેપોરેટ ઘટાડ્યો હતો. જોકે, 2026માં આરબીઆઈએ પહેલી જ મીટિંગમાં એવા સંકેત આપી દીધા છે કે રેપોરેટ ઘટશે નહીં. હવે એપ્રિલ માસમાં મળનારી મીટિંગમાં આરબીઆઈ દ્વારા રેપોરેટ ઘટે છે કે નહીં તે મહત્વનું છે. એ કમનસીબી છે કે ભારતમાં મધ્યમવર્ગનો હાથ પકડનારૂં કોઈ નથી. આરબીઆઈ પણ અનુમાનો પર ચાલે છે તે નક્કી છે.