સુરત: છેલ્લાં ઘણા દિવસથી સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલના નિયમનું વાહનચાલકો દ્વારા જે શિસ્તથી પાલન કરવામાં આવી રહ્યું છે તે જોતાં હવે પોલીસ પ્રશાસને ટ્રાફિકના તમામ નિયમોનું સારી રીતે પાલન થાય તે માટે કમર કસી છે. ટ્રાફિક સિગ્નલ બાદ હવે પોલીસ રોંગસાઈડ વાહન ચલાનારાઓ સામે સખ્તાઈથી કાર્યવાહી કરવા માટે સ્પેશ્યિલ ડ્રાઈવ શરૂ કરવા જઈ રહી છે.
- બે વર્ષમાં 5000 જેટલા લોકોએ 50 થી 100 વખત ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો
- રોંગ સાઇડ અને મોબાઇલ પર ફોન પર વાત કરવાવાળા 1700 લોકોના લાયસન્સ રદ કરાશે
- 50થી 100 જેટલી વખત ટ્રાફિકના કાયદાનો ભંગ કરનારાઓ અંદાજે 4931 જેટલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે
- જયારે 21 થી 50 વખત 18257 લોકોએ ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો હતો
- પાંચ થી દસ વખત 1.45 લાખ લોકોએ ટ્રાફિકના નિયમનો ભંગ કરવામાં આવ્યો છે
સિગ્નલના નિયમના પાલન બાદ હવે સુરત શહેર પોલીસ રોંગ સાઈડ વાહન હંકારનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનું આયોજન કરી રહી છે. આ માટે સુરત પોલીસ સ્પેશ્યિલ રોંગ સાઈડ ડ્રાઈવ શરૂ કરશે. જે કોઈ વાહન ચાલકો હવે રોંગ સાઈડ પર વાહન ચલાવતા પકડાશે તેના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
5000 સુરતીઓના લાયસન્સ રદ કરવા ગૃહમંત્રીનો આદેશ
શહેર પોલીસ અને મહાપાલિકા દ્વારા જે ટ્રાફિક નિયમનની ભગીરથ કામગીરી શરૂ કરવામા આવી છે. રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કંટ્રોલરૂમમાં જાતે જઇને આ સિસ્ટમ શુક્રવારે નિહાળી હતી. વધારે ટ્રાફિક રહેતો હોય તેવા વરાછા, રિંગ રોડ કાપડ બજાર માટે સાત અલગ અલગ સમય નિર્ધારીત કરવામાં આવ્યા છે. તેવી જ રીતે શાળાઓ અને તેની આસપાસના વિસ્તારોમાં શાળાને સમયને ધ્યાનમં રાખીને સર્વે કરવામાં આવ્યો છે અને તે પ્રમાણ ટ્રાફિક સિગ્નલનાં ટાઇમિંગની ગોઠવણ કરવામાં આવી છે.
શુક્રવારે આ સમગ્ર સિસ્ટમને નિહાળવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવી જાતે પોલીસ કંટ્રોલરૂમમાં પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ધારાસભ્ય અને સંસદ સભ્ય તથા રાજય સરકારની ગ્રાન્ટનો ઉપયોગ કરી સુરતમાં વધુ નવા સીસીટીવી કેમેરા નાંખવામાં આવશે. આ ટ્રાફિક નિયમનને કારણે ગયા વર્ષ આ મહિનાની સરખામણીએ 11 લોકોના ઓછા જીવ ગયા છે. ગંભીર અકસ્માતની સંખ્યામાં પણ 20નો ઘટાડો થયો છે.
શહેરી લોકોની ધીરજ અને પોલીસની કામગરીને હર્ષ સંઘવીએ બિરદાવી હતી. દરમિયાન શહેરમાં પાંચ કરતા વધારે વખત દોઢ લાખ લોકોએ ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો છે. આ લોકો કયાતો રોંગ સાઇડ પર આવતા હતાં કયા તો મોબાઇલ ફોન પર વાત કરતા હતા. મોટા ભાગે સ્પીડ બાઇકના કેસમાં પચાસ કરતા વધારે ચલણો હોવાનુ નોંધવામાં આવ્યુ છે.
ટ્રાફિકના નિયમોનું ભંગ કરનારાના લાયસન્સ રદ કરાશે: હર્ષ સંઘવી
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે કહ્યું કે, ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા સામે હવે સખ્તાઈથી પગલાં લેવામાં આવશે. લાયસન્સ રદ કરાશે. સંઘવીએ અપીલ કરી કે પોલીસ સખ્તાઈ કરે તો કરવા દેજો, રાહત માટે મને ફોન કરતા નહીં.