Columns

નાલંદા યુનિવર્સિટીના જીર્ણોદ્ધાર પછી ભારત શું ફરીથી વિશ્વગુરુ બની શકશે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મગધની પ્રાચીન રાજધાની રાજગૃહીમાં નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. આ દ્વારા વડા પ્રધાન મોદી આપણા પ્રાચીન વારસાને પુનઃજીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. નાલંદા યુનિવર્સિટીનો ભલે જીર્ણોદ્ધાર થયો, પણ તેટલા માત્રથી ભારત ફરીથી વિશ્વગુરુ બની જશે તેવું માની લેવું જોઈએ નહીં. ભારતની યુનિવર્સિટીઓમાં આજે જે શિક્ષણ આપવામાં આવે છે તે શુદ્ધ ભારતીય પરંપરા મુજબનું શિક્ષણ નથી પણ મેકોલે પદ્ધતિનું શિક્ષણ છે, જેણે ભારતને માનસિક, રાજકીય અને આર્થિક રીતે ગુલામ બનાવ્યું છે. જો નવી નાલંદા યુનિવર્સિટીમાં પણ મેકોલેનું શિક્ષણ આપવામાં આવશે તો તે ગુલામો જ પેદા કરશે.

નાલંદા યુનિવર્સિટીનું નવું કેમ્પસ નાલંદાના પ્રાચીન અવશેષોની નજીક છે. બિહારનું નાલંદા એક સમયે વિશ્વનું સૌથી મોટું શૈક્ષણિક કેન્દ્ર હતું અને હવે ૮૧૫ વર્ષની લાંબી રાહ જોયા બાદ તે ફરીથી તેના જૂના સ્વરૂપમાં પાછું આવી રહ્યું છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.એપીજે અબ્દુલ કલામનું સ્વપ્ન નાલંદા યુનિવર્સિટીને ફરીથી શરૂ કરવાનું હતું. તે સપનું હવે સાકાર થઈ રહ્યું છે. નાલંદા યુનિવર્સિટી માત્ર ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે અમૂલ્ય વારસો છે. નાલંદા યુનિવર્સિટી એ પ્રાચીન ભારતનું મુખ્ય અને ઐતિહાસિક શૈક્ષણિક કેન્દ્ર હતું. નાલંદા વિશ્વવિદ્યાલય વિશ્વની સર્વપ્રથમ રેસિડેન્શિયલ યુનિવર્સિટી માનવામાં આવે છે, જ્યાં દેશવિદેશનાં દસ હજાર વિદ્યાર્થીઓ અને ૨,૭૦૦ શિક્ષકો એક જ કેમ્પસમાં રહેતાં હતાં અને ભણતાં હતાં.

નાલંદા યુનિવર્સિટીની સ્થાપના ઇ.સ. ૪૫૦ માં ગુપ્ત સમ્રાટ કુમારગુપ્ત પ્રથમ દ્વારા કરવામાં આવી હતી. પાછળથી તેને હર્ષવર્ધન અને પાલ શાસકોનું સમર્થન પણ મળ્યું. આ યુનિવર્સિટીની ભવ્યતાનો અંદાજ એ હકીકત પરથી લગાવો કે તેમાં ૩૦૦ રૂમો, સાત મોટા ઓરડા અને અભ્યાસ માટે ૯ માળની વિશાળ લાઇબ્રેરી હતી, જેમાં ૩ લાખથી વધુ પુસ્તકો હતાં. નાલંદા યુનિવર્સિટીમાં સાહિત્ય, જ્યોતિષ, મનોવિજ્ઞાન,  કાયદો,  ખગોળશાસ્ત્ર,  વિજ્ઞાન, યુદ્ધકળા, ઇતિહાસ, ગણિત, વાસ્તુશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, આયુર્વેદ વગેરે વિષયો ભણાવવામાં આવતા હતા. આ યુનિવર્સિટીમાં માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ કોરિયા, જાપાન, ચીન, તિબેટ, ઈન્ડોનેશિયા, ઈરાન, ગ્રીસ, મંગોલિયા વગેરે દેશોમાંથી પણ વિદ્યાર્થીઓ ભણવા માટે આવતાં હતાં. વિદ્યાર્થીઓની પસંદગી તેમની યોગ્યતાના આધારે કરવામાં આવી હતી અને તેમના માટે શિક્ષણ, રહેઠાણ અને ભોજન મફત હતું. નાલંદામાં દર ત્રણ વિદ્યાર્થી દીઠ એક શિક્ષકનો રેશિયો હતો. કડક પ્રવેશ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીને જ પ્રવેશ આપવામાં આવતો હતો.

રસપ્રદ વાત એ છે કે, ગુપ્ત વંશના શાસકો જેમણે નાલંદા યુનિવર્સિટીની સ્થાપના કરી હતી તેઓ ધર્મપ્રેમી હિંદુઓ હતા, પરંતુ તેઓ બૌદ્ધ ધર્મ, તેના બૌદ્ધિકવાદ અને દાર્શનિક લખાણો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા. ગુપ્ત વંશના સમય દરમિયાન ઉદાર, સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓનો વિકાસ થયો અને નાલંદા યુનિવર્સિટીના બહુવિધ શૈક્ષણિક અભ્યાસક્રમનો મુખ્ય ભાગ બન્યો, જેણે વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચ શિક્ષણ સાથે બૌદ્ધ ધર્મના બૌદ્ધિક જ્ઞાનનું મિશ્રણ કર્યું.

પ્રકૃતિ આધારિત પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ વિશે ઘણું બધું નાલંદા યુનિવર્સિટીમાં શીખવવામાં આવતું હતું. અહીંનાં વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વના અન્ય ભાગોમાં પણ આયુર્વેદનો ફેલાવો થયો હતો. નાલંદા યુનિવર્સિટીનું કેમ્પસ એકદમ ખુલ્લું હતું અને પ્રાર્થના ખંડ અને વ્યાખ્યાન હોલથી ઘેરાયેલું હતું, પરંતુ બહારથી તે એક કિલ્લા જેવું હતું. પાછળથી આ ડિઝાઇન અન્ય બૌદ્ધ સંસ્થાઓએ પણ અપનાવી હતી. અહીં વપરાતી પ્લાસ્ટરની ટેકનિકે  થાઇલેન્ડના આર્કિટેક્ચરને પ્રભાવિત કર્યું અને નાલંદામાં શીખવવામાં આવતું મેટલ આર્ટ તિબેટ અને મલયા દ્વીપકલ્પ સુધી પહોંચી. કદાચ નાલંદા વિશ્વવિદ્યાલયનો સૌથી મહત્ત્વપૂર્ણ અને લાંબા સમય સુધી ચાલતો વારસો ગણિત અને ખગોળશાસ્ત્રમાં તેની સિદ્ધિઓ હતી.

એવું માનવામાં આવે છે કે છઠ્ઠી સદીમાં ભારતીય ગણિતના પિતા તરીકે ઓળખાતા આર્યભટ્ટે કુલપતિના રૂપમાં આ યુનિવર્સિટીનું નેતૃત્વ કર્યું હતું. શૂન્યને સંખ્યા તરીકે ઓળખનાર આર્યભટ્ટ પ્રથમ વ્યક્તિ હતા. તેમણે ગણતરીઓને સરળ બનાવી અને બીજગણિત અને કેલ્ક્યુલસ જેવી વધુ જટિલ સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરી. શૂન્ય વિના આપણી પાસે કોમ્પ્યુટર પણ ન હોત. આર્યભટ્ટના યોગદાનને રેખાંકિત કરતા પ્રોફેસર મિત્રા કહે છે કે તેમણે ચોરસ અને સમઘનની શ્રેણી સંબંધિત મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતો આપ્યા. તેમણે ભૂમિતિ અને ત્રિકોણમિતિનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કર્યો. ખગોળશાસ્ત્રમાં પણ તેમનું યોગદાન મહત્ત્વનું હતું. આર્યભટ્ટ એવા પ્રથમ વ્યક્તિ હતા જેમણે કહ્યું કે ચંદ્રનો પોતાનો કોઈ પ્રકાશ નથી. તેમના કાર્યે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર અરબી દ્વીપકલ્પમાં ગણિત અને ખગોળશાસ્ત્રના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.

બૌદ્ધ ધર્મના ઉપદેશો અને ફિલસૂફીનો પ્રચાર કરવા માટે યુનિવર્સિટી નિયમિતપણે તેના શ્રેષ્ઠ વિદ્વાનો અને શિક્ષકોને ચીન, કોરિયા, જાપાન, ઇન્ડોનેશિયા અને શ્રીલંકા જેવા દેશોમાં મોકલતી હતી. હર્ષવર્ધન, ધર્મપાલ, વસુબંધુ, ધર્મકીર્તિ, નાગાર્જુન જેવા અનેક મહાન વિદ્વાનોએ આ નાલંદા વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ મેળવ્યું હતું. ખોદકામ દરમિયાન, નાલંદા યુનિવર્સિટીના અવશેષો દોઢ લાખ ચોરસ ફૂટમાં મળી આવ્યા છે, જે તેના વિશાળ અને વિસ્તૃત કેમ્પસના માત્ર દસ ટકા ગણાય છે. વર્ષ ૧૧૯૩માં બખ્તિયાર ખિલજીના આક્રમણ બાદ નાલંદા યુનિવર્સિટીનો નાશ કરવામાં આવ્યો હતો. અહીં યુનિવર્સિટીની લાઇબ્રેરીને આગ લગાડવામાં આવી હતી, જેમાં લાઇબ્રેરીનાં પુસ્તકો ૬ મહિના સુધી સળગતાં રહ્યાં હતાં. નાલંદાના પુસ્તકાલયમાં ૯૦ લાખથી વધુ તાડપત્રો પર લખાયેલી હસ્તપ્રતો બૌદ્ધ જ્ઞાનનો વિશ્વનો સૌથી સમૃદ્ધ ભંડાર હતો. બખ્તિયાર ખિલજીના સૈનિકોએ પ્રાચીન જ્ઞાનના ભંડાર સમાન ગ્રંથોને બાળીને તેનાથી રસોઈ પકાવી હતી.

વિદ્વાનો કહે છે કે જે હુમલામાં નાલંદા યુનિવર્સિટીનો નાશ થયો હતો તે આ યુનિવર્સિટી પરનો પહેલો હુમલો નહોતો. તે પહેલાં પાંચમી સદીમાં મિહિરકુલના નેતૃત્વમાં હુણો દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. આઠમી સદીમાં બીજી વખત બંગાળના ગૌર રાજાના હુમલાને કારણે તેને ગંભીર નુકસાન થયું હતું. ૧૧૯૦ ના દાયકામાં તુર્ક લશ્કરી જનરલ બખ્તિયાર ખિલજીની આગેવાની હેઠળના આક્રમણકારોના જૂથે યુનિવર્સિટીનો નાશ કર્યો. ઉત્તર અને પૂર્વીય ભારતના વિજય દરમિયાન ખિલજી બૌદ્ધ જ્ઞાનના આ કેન્દ્રનો નાશ કરવા માગતો હતો. કેટલાક વિદ્વાનો કહે છે કે નાલંદાનો નાશ થયો હતો કારણ કે ખિલજી અને તેના સૈનિકોને લાગ્યું કે તેના ઉપદેશો ઇસ્લામ સાથે સ્પર્ધા કરે છે. આ હુમલા પાછળ ભારતમાં બૌદ્ધ ધર્મનો ઉદય એક પ્રેરક બળ હોઈ શકે છે.

નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરતાં વડા પ્રધાન મોદીએ કહ્યું કે નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરવું એ મારું સૌભાગ્ય છે. નાલંદા યુનિવર્સિટીને મુસ્લિમ આક્રમણકારો દ્વારા બાળી નાખવામાં આવી હતી, પરંતુ જ્ઞાનને આગથી નાશ કરી શકાતું નથી. નાલંદા યુનિવર્સિટીનું આ નવું કેમ્પસ ભારતની નવી સંભાવનાઓને વિશ્વ સમક્ષ રજૂ કરશે. નાલંદા બતાવશે કે કેવી રીતે રાષ્ટ્ર ઇતિહાસને પુનર્જીવિત કરીને વધુ સારા ભવિષ્યનો પાયો નાખશે. બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમારે કહ્યું કે  તત્કાલીન રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે ૨૦૦૬માં નાલંદા યુનિવર્સિટીની પુનઃસ્થાપનાની વાત કરી હતી. ત્યારથી નાલંદા યુનિવર્સિટીની સ્થાપના કરવા બિહાર સરકારે પોતે પહેલ કરી અને ૪૫૫ એકર જમીન સંપાદિત કરી હતી. તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આવ્યા હતા અને તેમણે નાલંદા યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top