Gujarat

મંદિર, મસ્જિદ, સ્કૂલ, મોલ કે માર્કેટ કોઈને છોડવામાં નહીં આવે, ફાયર NOC ન હોય તો ગુનો દાખલ કરાશે

  • રાજકોટ આગ દુર્ઘટના બાદ ગુજરાત સરકારનો આદેશ
  • ફાયર એનઓસી નહીં હોય તેની સામે ગુનો નોંધો

અમદાવાદ: રાજકોટ અગ્નિકાંડમાં 28 નિર્દોષ લોકોના મોત થયા બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે. આ દુર્ઘટના રાજ્ય સરકારના માથા પર કલંક સમાન છે. આ કલંકને દૂર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે આખાય રાજ્યમાં ફાયર સેફ્ટીના નિયમોના કડક પાલન માટેના આદેશ આપ્યા છે.

માર્કેટ, દુકાન, હોસ્પિટલ, હોટલ, થિયેટર, સ્કૂલ કે મંદિર તમામ જાહેર સ્થળો પર ફાયરનું એનઓસી નહીં હોય એટલે કે ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન થયું હોય તે બધા જ સ્થળ પરના સંચાલકો સામે ગુનો દાખલ કરવાના આદેશ રાજ્ય સરકારે આપ્યા છે.

રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટરોને આ આદેશનું પાલન કરાવવા માટે કડક તાકીદ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરો દ્વારા જે તે જિલ્લાના પોલીસ વડાઓને રાજ્ય સરકારના આદેશની જાણ કરી દેવામાં આવી છે. પોલીસ ગુના નોંધશે, બીજી તરફ મામલતદારોને પણ યોગ્ય કાર્યવાહી થઈ રહી છે કે નહીં તેનું ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે.

મંદિર, મસ્જિદમાં પણ તપાસ કરાશે
રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને સૂચના આપી છે કે, રાજકોટ જેવી દુર્ઘટનાનું રાજ્યમાં પુનરાવર્તન નહીં થાય તેની તકેદારી રાખવી પડશે. રાજ્યમાં તમામ શહેરના મંદિર, મસ્જિદ, સ્કૂલ, કોલેજ, મોલ, થિયેટર, ફૂડ માર્કેટ, વસ્તી ગીચતા ધરાવતા માર્કેટ, ગેમ ઝોન સહિત તમામ જાહેર સ્થળો પર તપાસ કરવા આદેશ અપાયા છે. આદેશ મુજબ જે તે સ્થળે સ્થાનિક મામલતદાર, નાયબ મામતલદાર અને પોલીસે સંયુક્ત રીતે તપાસ કરવાની રહેશે.

સુરતમાં કલેક્ટરની અધ્યક્ષતામાં ટીમની રચના કરાઈ
સુરત જિલ્લા કલેક્ટર કચેરીમાં પાલિકા કમિશનર, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓની આજે એક બેઠક યોજાઈ હતી. કલેક્ટર દ્વારા તમામ પાસેથી માહિતીઓ મંગાવવામાં આવી છે. જ્યાં એનઓસી ન હોય ત્યાં તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે, બેઠકમાં એક ટીમની રચના કરવામાં આવી છે. તમામ વિભાગોમાં પોલીસ, જીઆઈડીસી, એજ્યુકેશન, ડીજીવીસીએલ સહિતનાની ટીમ એકમેકના સંપર્કમાં રહીને કામ કરી રહી છે. જે હોસ્પિટલ, માર્કેટ પ્લેસ, ગેમિંગ ઝોન સહિતની જગ્યાએ પગલાં લઈને ચેકીંગ કરી રહી છે.

પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે કહ્યું કે, મિટીંગમાં સરકારની સૂચના પ્રમાણે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં બધા વિભાગો મળીને જેટલી પણ એનઓસી હોય છે. તે પ્રમાણે ચકાસણી આ ટીમ સાથે રહીને કરશે. પબ્લિક સેફ્ટીને લઈને તમામ કામગીરી કરવામાં આવશે.

Most Popular

To Top