ભારતે સમુદ્રમાં પોતાની શક્તિ વધારવાની ચીનની યોજનાઓને નિષ્ફળ બનાવવા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી લીધી છે. આજે સોમવારે ભારત અને ફ્રાન્સ વચ્ચે એક મોટો સંરક્ષણ કરાર થયો છે. બંને દેશોએ 26 રાફેલ મરીન એરક્રાફ્ટના સોદા પર હસ્તાક્ષર કર્યા છે.
ભારત તરફથી સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે આ કરાર પર સહી કરી હતી. સોદા હેઠળ ભારત ફ્રાન્સ પાસેથી 22 સિંગલ સીટર એરક્રાફ્ટ અને 4 ડબર સીટર એરક્રાફ્ટ ખરીદશે.
આ યુદ્ધ વિમાનની ખાસિયત એ છે કે તે પરમાણુ બોમ્બ ફાયર કરવાની ક્ષમતા ધરાવે છે. અહેવાલો અનુસાર ફ્રાન્સ સાથેની આ ડીલ લગભગ 63 હજાર કરોડ રૂપિયામાં થઈ છે. આ અત્યાર સુધી બંને દેશો વચ્ચેની સૌથી મોટી ડીલ છે.
આ અગાઉ 22 એપ્રિલના પહેલગામમાં આતંકી હુમલાના બીજા દિવસે તા. 23 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી સુરક્ષા પરની કેબિનેટ સમિતિની બેઠકમાં વિમાનની ખરીદીને મંજૂરી અપાઈ હતી.
તમને જણાવી દઈએ કે ભારતના યુદ્ધ જહાજોને તાત્કાલિક નવા ફાઇટર જેટની જરૂર છે. જાળવણી સંબંધિત સમસ્યાઓના કારણે મિગ-29 ફાઇટર જેટ હવે પહેલાની જેમ કાર્યરત નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાફેલ વિમાનો INS વિક્રાંત પર તૈનાત કરી શકાય છે. આ રાફેલ સોદામાં શસ્ત્રો, સાધનો, સ્પેરપાર્ટ્સ અને ક્રૂ તાલીમ અને લોજિસ્ટિકલ સપોર્ટનો પણ સમાવેશ કરાયો છે.
રાજનાથ સિંહની અધ્યક્ષતાવાળી સંરક્ષણ સંપાદન પરિષદે નૌકાદળના પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો અને 26 રાફેલ એમ ફાઇટર જેટ ખરીદવા માટે સંમતિ આપી હતી. આ વિમાનોને યુદ્ધ જહાજો પર તૈનાત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. ફ્રેન્ચ સેના પહેલાથી જ તેનો ઉપયોગ કરી રહી છે.
ભારત પાસે પહેલાથી જ 36 રાફેલ જેટ છે. 2016 માં જ આ વિમાનો માટે ફ્રેન્ચ કંપની સાથે સોદો થયો હતો. નવા સોદા પછી ભારતમાં રાફેલની સંખ્યા વધીને 62 થઈ જશે.
યુદ્ધવિમાન ક્યારે આવશે ભારત?
મળતી માહિતી અનુસાર આ વિમાનોની ડિલિવરી 2028-29 માં શરૂ થશે અને બધાં વિમાન 2031-32 સુધીમાં ભારત પહોંચી જશે. તેને ભારત INS વિક્રાંત પર રાફેલ મરીન વિમાન તહેનાત કરશે. વિમાન ઉત્પાદક કંપની દસોલ્ટ એવિએશને ભારતની જરૂરિયાતો અનુસાર આ વિમાનોમાં ઘણા ફેરફારો કર્યા છે. તેમાં એન્ટિ-શિપ સ્ટ્રાઈક, પરમાણુ શસ્ત્રો લોન્ચ કરવાની ક્ષમતા અને 10 કલાક સુધી ફ્લાઇટ રેકોર્ડિંગ જેવી સુવિધાઓ સામેલ છે. આ ઉપરાંત, કંપની ભારતને હથિયાર પ્રણાલી, સ્પેરપાર્ટ્સ અને વિમાન માટે જરૂરી સાધનો પણ પૂરાં પાડશે.