કોલકાતા રેપ મર્ડર કેસના વિરોધમાં હડતાળ પર બેઠેલા જુનિયર ડોક્ટરોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ નરેન્દ્ર મોદીને ચાર પાનાનો પત્ર લખ્યો છે. આ પત્રમાં ડોક્ટરોએ આરજી કર હોસ્પિટલની મડાગાંઠમાં હસ્તક્ષેપની અપીલ કરી છે.
પશ્ચિમ બંગાળ જુનિયર ડોક્ટર્સ ફ્રન્ટ દ્વારા લખાયેલા ચાર પાનાના આ પત્રની નકલ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાને પણ મોકલવામાં આવી છે. હોસ્પિટલના સેમિનાર રૂમમાંથી જુનિયર ડોક્ટરનો મૃતદેહ મળી આવતા 9 ઓગસ્ટના રોજ જુનિયર ડોક્ટરોએ તેમની હડતાળ શરૂ કરી હતી. ત્યારથી જુનિયર ડોક્ટરોએ કામ કરવાનું બંધ કરી દીધું છે.
રાષ્ટ્રપતિ મુર્મુને લખેલા પત્રમાં ડોક્ટરોએ કહ્યું કે દેશના વડા હોવાના નાતે અમે આ મુદ્દાઓ તમારી સમક્ષ નમ્રતાપૂર્વક મૂકીએ છીએ, જેથી અમારા સાથીદારને ન્યાય મળી શકે જેની સાથે ખૂબ જ ઘૃણાસ્પદ અપરાધ કરવામાં આવ્યો હતો પશ્ચિમ બંગાળ આરોગ્ય વિભાગ હેઠળના વ્યવસાયિકો કોઈપણ ભય અને આશંકા વિના જનતા પ્રત્યેની તેમની ફરજો નિભાવવામાં સક્ષમ બની શકીએ.
તેમણે લખ્યું, આ મુશ્કેલ સમયમાં તમારો હસ્તક્ષેપ અમારા બધા માટે પ્રકાશના કિરણ સમાન હશે, જે અમને અમારી આસપાસના અંધકારમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવશે. આંદોલનકારી ડોકટરોમાંના એક અનિકેત મહતોએ જણાવ્યું હતું કે પત્રનો ડ્રાફ્ટ આ મહિનાની શરૂઆતમાં તૈયાર કરવામાં આવ્યો હતો અને તે ગુરુવારે રાત્રે મોકલવામાં આવ્યો હતો.
મમતા સાથે ડોક્ટરોની વાતચીત નિષ્ફળ ગઈ
આ પહેલા ગુરુવારે મમતા બેનર્જી સરકારે ડોક્ટરો સાથે મીટિંગ બોલાવી હતી. મમતા બેનર્જી બે કલાક સુધી સચિવાલયમાં રાહ જોતા રહ્યા પરંતુ ડોક્ટર આવ્યા ન હતા. આ પછી, મમતા બેનર્જીએ બંગાળની જનતાની માફી માંગી અને રાજીનામું આપવાની ઓફર પણ કરી. મીટિંગના લાઇવ સ્ટ્રીમિંગના અભાવને લઈને મમતા બેનર્જી અને ડોકટરો વચ્ચેની વાતચીત બની શકી ન હતી. સરકાર મીટિંગના લાઇવ સ્ટ્રીમિંગની તરફેણમાં ન હતી, જ્યારે ડોકટરો આ માંગ પર અડગ હતા.