નવી દિલ્હીઃ સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક-યોલે માર્શલ લો લાદવાના તેમના પ્રયાસ બદલ જાહેરમાં માફી માંગી છે. તેમણે નેશનલ ટેલિવિઝન પર પ્રસારિત તેમના ભાષણમાં માથું ઝુકાવીને પોતાની ભૂલ સ્વીકારી. આ માફી એ દિવસે આવી છે જ્યારે તેમની સંભવિત મહાભિયોગ પ્રક્રિયા પર મતદાન થવાનું છે.
યૂને કહ્યું કે તેણે તેના નિર્ણય માટે કાનૂની અને રાજકીય જવાબદારી ટાળવાનો કોઈ પ્રયાસ કર્યો નથી અને આ નિર્ણય તેની અત્યંત નિરાશાના લીધે આવ્યો હતો. ત્યાર બાદ શાસક પક્ષના નેતા હાન ડોંગ-હુને કહ્યું કે યુન હવે જાહેર ફરજો બજાવવાની સ્થિતિમાં નથી અને તેમનું રાજીનામું હવે અનિવાર્ય છે.
રાષ્ટ્રપતિને પદ પરથી હટાવવા જરૂરી છે!
હાને શુક્રવારે કહ્યું હતું કે યૂન દેશ માટે ખતરો છે અને તેમને પદ પરથી હટાવવાની જરૂર છે. યુન પર રાજીનામું આપવાનું દબાણ વધી રહ્યું છે, જોકે તેમની પીપલ્સ પાવર પાર્ટી (પીપીપી) ના સભ્યોએ હજુ પણ તેમના મહાભિયોગનો વિરોધ કર્યો હતો. વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીના મહાભિયોગ પ્રસ્તાવ પર શનિવારે એટલે કે આજે મતદાન થશે.
રાષ્ટ્રપતિએ અચાનક માર્શલ લોની જાહેરાત કરી હતી
રાષ્ટ્રપતિ યૂને મંગળવારે રાત્રે દેશમાં માર્શલ લૉ જાહેર કર્યો હતો અને સેનાને વધારાની સત્તાઓ આપી હતી જેથી તે ‘રાજ્ય વિરોધી દળો’ અને રાજકીય વિરોધીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી શકે. પીપીપીના કેટલાક સભ્યોએ 2016માં તત્કાલિન પ્રમુખ પાર્ક ગ્યુન-હાયના મહાભિયોગ જેવી સ્થિતિને ટાળવા માટે યુનને મતદાન પહેલાં રાજીનામું આપવાની સલાહ આપી હતી.
પાર્કનો મહાભિયોગ ભ્રષ્ટાચાર કૌભાંડ દરમિયાન જાહેર વિરોધને પગલે થયો, જે આખરે પક્ષની હાર તરફ દોરી ગયો. આ વિરોધ પ્રદર્શનોની યાદ અપાવે છે, શુક્રવારે રાત્રે હજારો લોકો યુનના મહાભિયોગની માંગ કરવા સંસદની બહાર એકઠા થયા હતા. મતદાન પહેલા વધુ પ્રદર્શનની અપેક્ષા છે.