નવસારી : ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ગત રોજ નવસારી શહેર સહીત આજુબાજુના વિસ્તારો સહીત ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જોકે સવારે પુરના પાણી ઓસરી જતા નવસારી જિલ્લા તંત્રએ પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં સાફ-સફાઇ માટે સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓની મદદ લીધી હતી. તેમજ જિલ્લા આરોગ્ય વિભાગે ઠેર-ઠેર દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. સાથે જ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોની ચકાસણી કરી હતી. જલાલપોર તાલુકાના પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં દવા છંટકાવ અને આરોગ્ય ચકાસણી ધરાઇ હતી.
નવસારી ગ્રામ્ય વિસ્તાર અને જલાલપોર તાલુકાના અમુક ગામોમાં પુરની સ્થિતિનું નિર્માણ થતા 3700 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
જોકે આજે વહેલી સવારથી પૂર્ણા નદીના જળ સ્તરમાં ઘટાડો થતા પુરના પાણી ઓસરી ગયા હતા. જેન પગલે તંત્રની મુખ્ય પ્રાથમિકતા સફાઈ તથા આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરી હતી. જેના ભાગરૂપે નવસારી જિલ્લામાં રીજ્યોનલ મ્યુનિસિપલ કમિશ્નર, સુરત મહાનગરપાલિકા તથા નગરપાલિકાના 396 સફાઈ કર્મચારીઓ, 5 જે.સી.બી. તથા 30 જેટલા વ્હીકલ્સ અસરગ્રસ્ત વિસ્તારોમાં સાફ-સફાઈની કામગીરીમાં જોડાયા હતા. નાગરિકોના આરોગ્યની તકેદારીના ભાગરૂપે 98 નાની-મોટી ટીમો તથા 17 મોબાઈલ હેલ્થ યુનિટ અસરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્યલક્ષી કામગીરીમાં જોડાયા હતા. નવસારી-વિજલપોર નગરપાલિકા અને સુરત મહાનગરપાલિકાની સંયુક્ત ટીમોના સફાઈ કર્મચારીઓએ સાફ-સફાઈની કામગીરી હાથ ધરી રોગચાળો ન ફેલાય તે માટે દવાઓનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો હતો.
તંત્રની ભૂલને કારણે નવસારીમાં પૂરના પાણીએ નુકશાની સર્જાઈ હોવાની ચર્ચા
ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે પૂર્ણા નદીના જળ સ્તરમાં ધરખમ વધારો થતા નવસારી શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ જિલ્લા તંત્ર જ્યાં સુધી પૂર બાબતે જાણ કરે ત્યાં સુધી તો પૂરના પાણી શહેરમાં ફરી વળ્યા હતા. જેના કારણે લોકોએ સામાન ખસેડ્યા વિના જ ઘરમાંથી નીકળી સુરક્ષિત સ્થળે જવું પડ્યું હતું. જોકે શહેરમાંથી પૂરના પાણી ઓસર્યા બાદ લોકોએ ઘરમાં જઈને જોયું તો ઘરવખરી બગડી જતા નુકશાન થયું હતું. જેથી પૂરના પાણીએ લોકોને રાતા પાણીએ રડાવ્યા હતા. ત્યારે નવસારી જિલ્લા તંત્રની ભૂલને કારણે લોકોને વધુ નુકશાની થઇ હોવાની ચર્ચા શહેરમાં ચાલી હતી.
નવસારી-સુપા પુલ પૂરના પાણીને કારણે ધોવાતા બંધ
ગતરોજ પૂર્ણા નદીના જળ સ્તરમાં વધારો થતા નવસારી-બારડોલી રોડ પર સુપા ગામ પાસે આવેલો પુલ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. જેથી તંત્રએ પુલ બંધ કરી દીધો હતો. જોકે આજે સવારે પૂરના પાણી ઓસરી ગયા હતા. ત્યારે સુપા પુલ ધોવાઈ ગયો હતો. જિલ્લા તંત્રએ પૂરના પાણીમાં તણાઈને આવેલા ઝાડી-ઝાંખરા અને લાકડા પુલની રેલિંગમાં અટવાઈ ગયા હતા. તેમજ પ્રોટેક્શન રેલિંગ પણ તૂટી ગઈ હતી. સાથે જ પુલ પરનો રસ્તો ધોવાઈ જતા સળિયા દેખાવા લાગ્યા હતા. જેથી તંત્રએ સુપા ગામ પાસેનો પુલ બંધ કરી મરામત હાથ ધરી હતી. જેના પગલે નવસારીથી બારડોલી અને બારડોલીથી નવસારી આવતા તરફ જતા વાહન ચાલકોએ અન્ય વિસ્તારમાંથી જવું પડ્યું હતું.
દરિયામાં કરંટ, બોરસી-માછીવાડના ગામજનો ચિંતામાં
નવસારી : નવસારી જિલ્લામાં 2 દિવસથી વરસાદ બંધ છે. તેમજ નદીઓના જળ સ્તરમાં ઘટાડો થયો છે. જેથી પૂરના પાણી પણ ઓસરી ગયા છે. તે છતાં પણ જલાલપોર તાલુકાના બોરસી-માછીવાડ ગામ પાસેના દરિયામાં વધુ કરંટ જોવા મળ્યો હતો. જેના પગલે દરિયો ગાંડોતુર બની જતા દરિયો ગામની પ્રોટેક્શન વોલ સુધી પહોચી ગયું છે. જેથી બોરસી-માછીવાડ ગામના લોકો ચિંતામાં મુકાયા હતા.
નવસારી રાયચંદ રોડ પરથી 6 અને બંદર રોડ પરથી બેને રેસ્ક્યુ કરાયા
પૂર્ણા નદીના પૂરના પાણી રાયચંદ રોડ અને બંદર રોડ પર ભરાયા હતા. જોકે સાંજે રાયચંદ રોડ પર જર્જરિત મકાનમાં ફસાયેલા એક પરિવારના 6 સભ્યોને એન.ડી.આર.એફ. ની ટીમે સુરક્ષિત બહાર કાઢી બચાવી લીધા હતા. તેમજ મોડી રાત્રે બંદર રોડ પર 9 ફૂટ જેટલા પાણી ભરાયા હતા. જેથી બંદર રોડના 2 લોકો અભરાઈ પર ચઢી બેઠા હતા. જેઓને નવસારી જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ બોટમાં જઈ તેઓને સુરક્ષિત બહાર કાઢી બચાવી લીધા હતા.