National

PSLVની સતત નિષ્ફળતા બાદ ISRO સક્રિય, નિવૃત્ત વૈજ્ઞાનિકોની નિષ્ણાત સમિતિ બનાવાઈ

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) ના વિશ્વસનીય લોન્ચ વાહન પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હિકલ (PSLV) ની તાજેતરની સતત નિષ્ફળતાઓએ વૈજ્ઞાનિક વર્તુળો અને સરકારમાં ચિંતા ઊભી કરી છે. લગભગ 32 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે PSLVના સતત બે મિશન નિષ્ફળ રહ્યા છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈ ISROએ આંતરિક સમિતિ સાથે નિવૃત્ત વૈજ્ઞાનિકોની એક રાષ્ટ્રીય સ્તરની નિષ્ણાત સમિતિ રચી છે. સમિતિમાં ISROના ભૂતપૂર્વ અધ્યક્ષ એસ. સોમનાથ અને વડાપ્રધાનના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજય રાઘવનનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેઓ PSLV નિષ્ફળતાના દરેક ટેકનિકલ અને સંગઠનાત્મક પાસાની તબક્કાવાર સમીક્ષા કરશે.

ગયા વર્ષે, 18 મે, 2025ના રોજ, PSLV C-61 એ EOS-09 ઉપગ્રહ લોન્ચ કર્યો હતો, પરંતુ રોકેટ લોન્ચ થયાના લગભગ 6 મિનિટ અને 20 સેકન્ડ પછી તેના માર્ગ પરથી ભટકી ગયો હતો. ત્યારબાદ, 12 જાન્યુઆરી, 2026ના રોજ, PSLV C-62 એ જ રીતે તેના નિર્ધારિત માર્ગથી ભટકી ગયો હતો, જેના કારણે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) ના EOS N-1 (અન્વેશ) સહિત 15 ઉપગ્રહો ભ્રમણકક્ષામાં પહોંચતા અટકી ગયા હતા. ઉચ્ચ સ્તરના સૂત્રોના જણાવ્યા અનુસાર, સમિતિ એપ્રિલ પહેલાં ISRO અધ્યક્ષ વી. નારાયણનને અહેવાલ સોંપશે. ટેકનિકલ ખામીઓ ઉપરાંત, ઉત્પાદન, ખરીદી, એસેમ્બલી પ્રક્રિયા અને જવાબદારીની વ્યવસ્થાની પણ તપાસ થશે. ખાનગી કંપનીઓની વધતી ભાગીદારીને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ સપ્લાય ચેઇનની સમીક્ષા કરવામાં આવશે. એસ. સોમનાથને ખાસ કરીને તેમના વિશાળ અનુભવને કારણે જવાબદારી સોંપાઈ છે. તેઓ જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ માર્ક III (GSLV Mk-3) પ્રોજેક્ટના નેતૃત્વ માટે જાણીતા છે, જેને એક સમય “નોટી બોય” કહેવાતું હતું, પરંતુ આજે તે ISROનું વિશ્વસનીય રોકેટ બની ગયું છે. ISROએ સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યના લોન્ચ નિષ્ફળતા વિશ્લેષણ પૂર્ણ થયા બાદ જ નક્કી કરવામાં આવશે, જેના કારણે થોડો વિલંબ અનિવાર્ય છે. PSLV પર વિશ્વાસ પુનઃસ્થાપિત કરવું હવે ISRO માટે પ્રાથમિકતા બની ગયું છે.

Most Popular

To Top