લોકસભાની ચૂંટણીમાં મોટો ફટકો ખાધા બાદ ભાજપને મધ્યમવર્ગ ધ્યાનમાં આવ્યો છે. મોંઘવારીને કારણે જ મધ્યમવર્ગ ભાજપથી વિમુખ થઈ રહ્યો હોવાનું લાગતા ભાજપની કેન્દ્ર સરકારે તાજેતરમાં જ બજેટમાં 12 લાખની આવક પરથી ઈન્કમટેક્સ નાબુદ કર્યો છે. હવે મધ્યમવર્ગની વહારે રિઝર્વ બેન્ક પણ આવી છે. પાંચ વર્ષ બાદ રિઝર્વ બેંકએ વ્યાજદરમાં 0.25 ટકાનો ઘટાડો કરતાં મધ્યમવર્ગને મોટી રાહત થવાની સંભાવના છે. વ્યાજનો દર ઘટતાં જ મધ્યમવર્ગને હવે લોન સસ્તી મળશે. હાલમાં જેમણે લોન લીધી છે તેમનું વ્યાજ ઘટશે.
છેલ્લા બે વર્ષથી રેપોરેટ 6.50 ટકા પર સ્થિર હતો. જેમાં રિઝર્વ બેંક દ્વારા ઘટાડો કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાના નેતૃત્વમાં મળેલી નાણાકીય સમિતીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે હવે રેપોરેટ ઘટીને 6.25 થયો છે. છેલ્લા પાંચ વર્ષથી રેપોરેટ સતત વધતો જ રહ્યો હતો. છેલ્લે 2023માં ફેબ્રુઆરી માસમાં રેપોરેટમાં વધારો કરવામાં આવ્યો હતો. બે વર્ષ સુધી રેપોરેટ વધ્યો નથી અને હવે તે ઘટી રહ્યો છે. જેને પગલે મધ્યમવર્ગ માટે લોનની ઈએમઆઈ પણ ઘટશે.
ગત બુધવારે તા.5મી ફેબ્રુઆરીના રોજ નાણાકીય સમિતીની બેઠક શરૂ થઈ હતી. જેમાં ત્રીજા દિવસે 7મી તારીખે રેપોરેટ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિશ્વમાં ફુગાવામાં ઘટાડો થવાનું અટકી ગયું છે અને આખું વિશ્વમાં હાલમાં આર્થિક સ્થિતી મામલે મુશ્કેલી અનુભવી રહ્યું છે. છતાં પણ રિઝર્વ બેંક દ્વારા રેપોરેટ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાથી તેને રાજકીય રીતે પણ જોવામાં આવી રહ્યું છે.
હાલમાં આખા વિશ્વનું અર્થતંત્ર પડકારોનો સામનો કરી રહ્યું છે. જોકે, ફેડરલ રિઝર્વ બેંક દ્વારા આ સ્થિતિ છતાં પણ રેપોરેટમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાથી રિઝર્વ બેંક પણ તેના પગલે ચાલી હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલમાં આખા વિશ્વમાં રાજકીય તણાવ વધી રહ્યો છે. સાથે સાથે ભારતીય રૂપિયો પણ હાલમાં દબાણ હેઠળ છે. જોકે, મધ્યમવર્ગને રિઝવવા માટે આ રેપોરેટમાં ઘટાડો થયો હોવાનું પણ જાણકારો માની રહ્યા છે. 2025ના નાણાકીય વર્ષમાં વાસ્તવિક જીડીપીની વૃદ્ધિ 6.5 ટકા રહેવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. જે ગયા વર્ષ કરતાં વધુ છે.
એવું માનવામાં આવે છે કે આગામી વર્ષોમાં જીડીપી સુધરશે. હાલમાં ઉત્પાદન ક્ષેત્રમાં વધારો થયો છે. ખાણકામ ક્ષેત્રમાં પણ સુધારો થયો છે. છેલ્લા ક્વાર્ટરમાં પીએમઆઈ સેવામાં પણ ઘટાડો થવાની સંભાવના છે. સાથે સાથે ગ્રામીણ વિસ્તારોમાં વધી રહેલી માંગને કારણે પણ અર્થવ્યવસ્થામાં સુધારો જોવા મળશે. હાલમાં ફુગાવો 4.7 ટકા રહે તેવી સંભાવના છે. ભવિષ્યમાં ફુગાવાનો દર ઘટશે તેવી શક્યતા જોવાઈ રહી છે. અગાઉ કોરોનાની મહામારી દરમિયાન રિઝર્વ બેંક દ્વારા મે 2020માં રેપોરેટ ઘટાડીને 4 ટકા કરવામાં આવ્યો હતો પરંતુ બાદમાં રેપોરેટ ઘટાડાયો નથી.
બાદમાં રશિયા અને યુક્રેનના યુદ્ધને કાણે રિઝર્વ બેંક દ્વારા રેપોરેટમાં વધારો કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું અને છેક ફેબ્રુઆરી,2023 સુધી રેપોરેટ વધતો રહ્યો હતો. જે રીતે બજેટમાં મધ્યમવર્ગને લાભ અને હવે રેપોરેટમાં ઘટાડાને કારણે કેન્દ્ર સરકાર મધ્યમવર્ગ તરફ વળી હોવાનું મનાઈ રહ્યું છે. ભારતમાં મધ્યમવર્ગ મોટા પ્રમાણમાં છે અને તે ભાજપની વોટબેંક રહી છે. જો મધ્યમવર્ગ ભાજપથી મોઢું ફેરવી લે તો ભાજપ માટે સત્તા ટકાવવી અઘરી બને તેમ છે. આગામી દિવસોમાં મધ્યમવર્ગ માટે વધુ રાહતો જાહેર થાય તેવી સંભાવના છે. ભાજપ માટે દરેક રીતે મધ્યમવર્ગને ખુશ કરવો જરૂરી છે. જો ભાજપ તેમ નહીં કરી શકે તો અત્યાર સુધી તેણે ચડેલી સત્તાની સીડી ગમે ત્યારે તેને નીચે ઉતારી દે તે વાત ચોક્કસ છે.
