Business

બજેટમાં કેપિટલ ગેઈન ટેક્સમાં વધારાની જાહેરાત બાદ આજે બીજા દિવસે પણ શેરબજાર તૂટ્યું

મુંબઈઃ બજેટ બાદ બુધવારે શેરબજારે ધીમી શરૂઆત કરી હતી. સેન્સેક્સ 100 પોઈન્ટ્સથી વધુ ગગડ્યો હતો જ્યારે નિફ્ટીમાં 30 પોઈન્ટથી વધુ ઘટાડે ટ્રેડિંગ શરૂ થયું હતું. આ અગાઉ મંગળવારે સંસદમાં મોદી 3.0નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના કાર્યકાળનું સતત સાતમું બજેટ રજૂ કરતી વખતે ઘણી જાહેરાતો કરી અને તેની સીધી અસર શેરબજાર પર પણ જોવા મળી હતી.

બુધવારે પણ બજારમાં દબાણ જોવા મળી રહ્યું છે. બપોરે 12:30 કલાકે સેન્સેક્સ 650 પોઈન્ટથી વધુ ગગડ્યો હતો. સેન્સેક્સ 79,750 પોઈન્ટ સુધી તુટ્યો હતો. જ્યારે નિફ્ટી 170 પોઈન્ટ ઘટીને 24300ની નજીક પહોંચી ગયો હતો. ખરેખર કેપિટલ ગેઈન ટેક્સ વધારવાના નિર્ણયને કારણે બજારનો મૂડ બગડ્યો છે. બજેટના દિવસે બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈનો સેન્સેક્સ 1200 પોઈન્ટ ઘટ્યો હતો, જ્યારે એનએસઈનો નિફ્ટી 500 પોઈન્ટ લપસી ગયો હતો. જોકે, ટ્રેડિંગના અંત સુધીમાં બંનેમાં તીવ્ર રિકવરી જોવા મળી હતી.

સેન્સેક્સ ક્યારેક રેડમાં તો ક્યારેક ગ્રીન ઝોનમાં
શેરબજારમાં ગઇકાલે પણ ભારે ઉથલપાથલ જોવા મળી હતી અને આજે પણ બજારમાં ઉતારચઢાવ જોવા મળી રહ્યાં છે. આજે બુધવારે શેરબજારના બંને સૂચકાંકો લાલ નિશાન પર ખુલ્યા હતા. BSE સેન્સેક્સ 80,343.28 ના સ્તરે ખૂલ્યો હતો, જે તેના અગાઉના 80429.04 ના બંધની તુલનામાં થોડો ઘટાડો થયો હતો.

જ્યારે NSE નિફ્ટી તેના અગાઉના બંધ 24,479ની સરખામણીએ નજીવો નીચો 24,444 પર ખુલ્યો હતો. જો કે બુધવારે પણ સેન્સેક્સ-નિફ્ટીની મુવમેન્ટ બદલાતી જોવા મળી રહી છે. થોડીવારમાં તેઓ ગ્રીન ઝોનમાં વેપાર કરતા જોવા મળે છે અને બીજી જ ક્ષણે તેઓ ફરીથી લાલ નિશાનમાં વેપાર કરતા જોવા મળે છે.

બજાર પર કેપિટલ ગેઈન ટેક્સમાં વધારાની અસર ઓછી થાય તેવું દેખાઈ રહ્યું નથી. સવારે 10.48 વાગ્યા સુધી સેન્સેક્સ 200 પોઈન્ટ ઘટીને 80,250 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 45 પોઈન્ટ ઘટીને 24,435 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

ગઈકાલે સેન્સેક્સમાં 1200 પોઈન્ટનો ઘટાડો નોંધાયો
બજેટના દિવસે મંગળવારે શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. બજેટની રજૂઆત પહેલા, મંગળવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો 30 શેરનો સેન્સેક્સ ઘટાડા સાથે ખુલ્યો હતો. સેન્સેક્સ લગભગ 200 પોઈન્ટ ઘટીને 80,408.90 ના સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું અને જ્યારે નાણામંત્રીએ સંસદમાં તેમનું બજેટ ભાષણ શરૂ કર્યું, ત્યારે પ્રારંભિક ઘટાડો ઉછાળામાં ફેરવાતો દેખાતો હતો, પરંતુ તે લાંબો સમય ચાલ્યો નહીં .

એક સમય એવો આવ્યો જ્યારે નાણાપ્રધાને કેપિટલ ગેઈન ટેક્સમાં વધારો કરવાની જાહેરાત કરી ત્યારે માર્કેટ ક્રેશ થઈ ગયું હતું. સરકારે લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારીને 12.5 ટકા કર્યો છે, જ્યારે ટૂંકા ગાળામાં કેટલીક સંપત્તિઓ પર આ ટેક્સ વધારીને 20 ટકા કરવામાં આવ્યો છે. આ જાહેરાત બાદ તરત જ શેરબજારે તેનો ટ્રેન્ડ બદલ્યો અને સેન્સેક્સ 1200 પોઈન્ટ ઘટીને 79,224.32ના સ્તરે પહોંચી ગયો. સેન્સેક્સની જેમ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ (નિફ્ટી-50) પણ કેપિટલ ગેઈન ટેક્સ અંગેની જાહેરાત બાદ અચાનક 500 પોઈન્ટ્સ તૂટ્યો હતો.

Most Popular

To Top