SURAT

અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ સુરત એરપોર્ટ માટે PMOમાંથી આ ફરમાન આવ્યું, તંત્રમાં દોડધામ

સુરત : અમદાવાદની વિમાની હોનારતને પગલે સુરત એરપોર્ટને લગતાં 7 પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો અમદાવાદથી મોટી દુર્ઘટના સુરતમાં બનશે એવી વિગતવાર ઉલ્લેખ સાથેની રજૂઆત ઈમેલ મારફત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરવામાં આવ્યા પછી તાબડતોડ જિલ્લા કલેકટરે સોમવારે સાંજે 5 વાગ્યે સ્ટેક હોલ્ડરોની મિટિંગ બોલાવી હતી. જોકે, બાદમાં આ મીટિંગ આગામી સપ્તાહે યોજવાનો પણ નિર્ણય કરાયો હતો પરંતુ એરપોર્ટને નડતાં બાંધકામોના મામલે સરકારી તંત્ર દોડતું જરૂર થઈ ગયું છે.

  • પીએમઓમાંથી ફરમાન આવતાં એરપોર્ટને નડતા બાંધકામો માટે તંત્રમાં દોડાદોડી!
  • કલેકટરે તાકીદે સોમવારે સંબંધિત તમામ સરકારી તંત્રના અધિકારીઓની બેઠક બોલાવી
  • જોકે, બાદમાં બેઠક આગામી સપ્તાહે યોજવાનો નિર્ણય કરાયો પણ અધિકારીઓ ગંભીર જરૂર બન્યા
  • સુરત એરપોર્ટ એકશન કમિટી દ્વારા વડાપ્રધાનને 7 મુદ્દા સાથે વિમાની હોનારતની સંભાવના જણાવતાં જ કલેકટરે તાબડતોડ મીટિંગ બોલાવી અને બાદમાં રદ્દ પણ કરી

સુરત એરપોર્ટથી એર ઓપરેશન દરમિયાન 7 મુદ્દા આધારિત વિમાન દુર્ઘટનાની સંભાવનાને વડાપ્રધાન કાર્યાલયે ગંભીરતાથી લીધું હતું. સુરત એરપોર્ટના રનવે વિસ્તરણ, રનવેને નડતરરૂપ બાંધકામો,રનવે નીચેથી પસાર થતી પાલિકાની ડ્રેનેજ લાઈન,રનવે નજીકની ONGC ની પાઈપલાઈન,CAT 1 ILS લાઇટ સુવિધાનો અભાવ, બર્ડ હિટ માટે જવાબદાર ગેરકાયદે ઝીંગા તળાવો,અને ડુમસ 04 રનવેને નડતરરૂપ બાંધકામોનો પ્રશ્ન ઉકેલવા વડાપ્રધાન સીધી દખલ કરે એવી માંગ કરવામાં આવી હતી.

ફ્રિકવન્ટ ફ્લાયર્સ અને સુરતના પ્રબુદ્ધ નાગરિકોના સંગઠન સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ સંજય ઇઝાવાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈમેલ મોકલી ચેતવણી ઉચ્ચારી હતી કે, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં અકસ્માતને નોતરું આપવા જેવા 7 પ્રશ્નોના ઉકેલ માટે જો વડાપ્રધાન કાર્યાલય સીધી દખલ નહીં આપે તો એરઈન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ સાથે જે દુર્ઘટના બની એનાથી ભયંકર ગંભીર દુર્ઘટના સુરતમાં બની શકે છે.

ગ્રુપ આ બાબતો અંગે વર્ષ 2012- 13 થી આ મુદ્દે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને રજૂઆત કરતું આવ્યું છે.ફરી એકવાર આ મુદ્દાઓ તરફ ધ્યાન દોરી રહ્યાં છીએ.

કલેકટરની વ્યસ્તતાને પગલે મીટિંગ પોસ્ટપોન કરાઈ
સુરત: સુરત એરપોર્ટ પર વિમાનને નડતા બાંધકામો સંદર્ભે કલેકટરે ટૂંકી નોટીસમાં બોલાવેલી મીટિંગ બાદમાં રદ કરી દઈ આગામી સપ્તાહે એરપોર્ટ પર જ યોજવાનો નિર્ણય કર્યો હતો. કલેકટર બીજા કામમાં વ્યસ્ત હોવાથી આ મીટિંગ રદ કરવાનું કારણ અપાયું હતું.

જોકે, ટુંકી નોટિસમાં યોજાયેલી આ મીટિંગ માટે જિલ્લા વિકાસ અધિકારી સુરત, ડાયરેક્ટર-સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, નાયબ મ્યુનિસિપલ કમિશનર અઠવાઝોન, એસ.એમ.સી, નાયબ કલેક્ટ-સુરત સીટી પ્રાંત દક્ષિણ (મજુરા), જિ. સુરત, રિજિયોનલ મેનેજર, જી.પી.સી.બી. સુરત, મેનેજર, ઓ.એન.જી.સી. હજીરા, સુરત, મામલતદાર મજુરા અને સુરત એરપોર્ટ એકશન કમિટીના પ્રમુખ સંજય ઇઝાવા સહિતના તમામ સમસસર પહોંચી ગયા હતા પરંતુ બાદમાં કલેકટર બીજી મિટિંગમાં આ સમયે વ્યસ્ત હોવાથી નિવાસી કલેકટરે આગામી સપ્તાહે સુરત એરપોર્ટ પર આ મિટિંગ યોજવાનું જણાવ્યું હતું. જુદા જુદા વિભાગના અધિકારીઓને ચેક 04.45 કલાકે મિટિંગ રદ કરવામાં આવી હોવાની જાણ કરવામાં આવી હતી. જેને પગલે આ અધિકારીઓ પણ અટવાયા હતા.

સુરત એરપોર્ટ એકશન કમિટીના પ્રમુખ સંજય ઇઝાવાએ એવિયેશન સેક્રેટરી, AAI ચેરમેન, પેટ્રોલિયમ સેક્રેટરી, ગુજરાતના ચીફ સેક્રેટરી, કલેકટર, મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી સુરતમાં વિમાન દુર્ઘટના થવાની આશંકા વ્યક્ત કરી હતી, એ પછી બધા સરકારી તંત્રો હરકતમાં આવ્યા હતાં. સુરત એરપોર્ટ એકશન કમિટીના પ્રમુખ સંજય ઇઝાવા એ જણાવ્યું હતું કે, સાંજની આ મિટિંગ અંગે મને ઈમેલ, વ્હોટસએપ અને ફોન કોલ દ્વારા જાણ કરવામાં આવી હતી. બધા જ પક્ષકારો આ મિટિંગ માટે સમયસર પહોંચી ગયા હતા.

અમને જણાવવામાં આવ્યું હતું કે, કલેકટર બીજી મિટિંગમાં વ્યસ્ત છે એટલે આ મિટિંગ હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાથે રાખી આગામી સપ્તાહે સુરત એરપોર્ટ પર રાખવામાં આવશે. એરપોર્ટને નડતાં બાંધકામો માટે જિલ્લા કલેક્ટર દ્વારા ટૂંકી નોટીસમાં સ્ટેક હોલ્ડરોને બોલાવવામાં આવતા તમામ મિટિંગ માટે સમયસર પહોંચી ગયા હતા. જોકે, બાદમાં કલેકટરે ટૂંકા સમયગાળામાં બોલાવેલી બેઠક છેલ્લી ઘડીએ રદ કરાઇ હતી.

અચાનક રદ થયેલી સ્ટેક હોલ્ડરોની બેઠક નેક્સ્ટ વીક ફરી યોજાશે કે ઠંડુ પાણી રેડી દેવાશે??
સુરત એરપોર્ટને લગતાં 7 પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો અમદાવાદથી મોટી દુર્ઘટના સુરતમાં બનશે,એવી વિગતવાર મુદ્દાસરની માહિતી વડાપ્રધાન કાર્યાલય, એવિયેશન સેક્રેટરી,AAI ચેરમેન,પેટ્રોલિયમ સેક્રેટરી,ગુજરાતના ચીફ સેક્રેટરીકલેકટર,મ્યુનિસિપલ કમિશનરને મોકલવામાં આવી હતી.એ પત્રમાં સુરતમાં વિમાન દુર્ઘટના થવાની આશંકા વ્યક્ત કરી હતી,એ પછી બધા સરકારી તંત્રો હરકતમાં આવ્યા હતાં.

આજે કલેકટરે બોલાવેલી બેઠકમાં તમામ વિભાગના અધિકારીઓ અને ફરિયાદી સંજય ઇઝાવા હાજર હતા.પણ અચાનક બેઠક શરૂ થાય એના પંદર મિનિટ પેહલા બેઠક રદ કરી આગામી સપ્તાહે બોલાવવા અને દરેકને આ 7 મુદ્દાઓ અંગે લેખિત નોંધ તૈયાર કરી આવવા જાણ કરવામાં આવી હતી.

ચર્ચા એવી છે કે, આ બેઠકને લઈ કો’ક ચૂંટાયેલા પ્રતિનિધિ નારાજ થયા હોય શકે છે,એને લીધે આગામી સપ્તાહે આ બેઠક એરપોર્ટ પર યોજવાની વાત કરી બેઠક ટાળી દેવાઈ હતી. ત્યારે અચાનક રદ થયેલી સ્ટેક હોલ્ડરોની બેઠક નેક્સ્ટ વીક ફરી યોજાશે કે ઠંડુ પાણી રેડી દેવાશે.એને લઇ તારે તરેહની ચર્ચાઓ થઈ રહી છે.

Most Popular

To Top