જમ્મુ અને કાશ્મીરમાં બંધારણની કલમ 370 મુજબ બહારની વ્યક્તિઓ જમીનની ખરીદી કરી શકતી નહોતી. જેને કારણે કેન્દ્રની ભાજપ સરકારે આ કલમ નાબુદ કરી દીધી. જોકે, આ કલમ નાબુદ કરવા છતાં પણ જમ્મુ અને કાશ્મીરમાં જમીન ખરીદવા માટે રાજ્ય બહારની વ્યક્તિઓએ એટલો ઉત્સાહ બતાવ્યો નથી. 370 કલમ નાબુદ કર્યા બાદ છ વર્ષમાં જમ્મુ અને કાશ્મીરમાં માત્ર 631 લોકોએ જ જમીનની ખરીદી કરી છે. જેને પગલે કેન્દ્રની ભાજપ સરકારે જે હેતુથી કલમ 370 નાબુદ કરી હતી તે હેતુ બર આવ્યો નથી. તાજેતરમાં જમ્મુ-કાશ્મીરની વિધાનસભામાં સ્થાનિક ધારાસભ્ય શેખ અહેસાન દ્વારા પુછવામાં આવેલા સરકારી પ્રશ્નમાં ત્યાંની સરકાર દ્વારા આ વિગતો આપવામાં આવી હતી. જે જમીન બિન-સ્થાનિકો દ્નારા લેવામાં આવી તેની કિંમત માત્ર 130 કરોડ જ થતી હતી.
એટલે કે જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠન બાદ છ વર્ષમાં માત્ર 130 કરોડની જમીન જ બહારની વ્યક્તિઓએ જમ્મુ-કાશ્મીરમાં ખરીદી હતી.જે જમીનની ખરીદી કરવામાં આવી તે તમામ જમ્મુ વિસ્તારમાં જ થઈ છે. જ્યારે કાશ્મીરમાં માત્ર ઔદ્યોગિક હેતુ માટે જ જમીનની ખરીદાઈ છે. જમ્મુ-કાશ્મીરમાંથી ઓગષ્ટ, 2019માં કલમ 370 નાબુદ કરવામાં આવી હતી. સત્તાવાર માહિતી પ્રમાણે જમ્મુ વિસ્તારમાં 378 બિન-સ્થાનિકો દ્વારા 212 કનાલ, 13 મરલા અને 128 ચો.ફુટ મળીને આશરે 90 કરોડની જમીનની ખરીદી કરવામાં આવી છે. જ્યારે કાશ્મીરમાં 173 કનાલ અને 7 મરલા જમીનની ખરીદી કરવામાં આવી છે. જેની કિંમત 39 કરોડ છે.
કલમ 370 નાબુદ કરવામાં આવ્યા બાદ ત્રણ વર્ષમાં એટલે કે 2020, 2021 અને 2022માં 185 જેટલા બિન-સ્થાનિકો દ્વારા જમીનની ખરીદી કરાઈ હતી. તેમાં પણ 2020માં તો એક જ વ્યક્તિએ જમીન ખરીદી હતી. જ્યારે 2021માં 57 અને 2022માં 127 વ્યક્તિઓએ જમીન ખરીદી હતી. કલમ 370 નાબુદ કર્યા બાદ શરૂઆતના ત્રણ વર્ષમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ સહિત કુલ 1559 કંપનીઓએ જમ્મુ-કાશ્મીરમાં રોકાણ કર્યું હતું. જોકે, તેમાંથી મોટાભાગની કંપનીઓએ કાશ્મીરમાં ઔદ્યોગિક હેતુ માટે જમીનની ખરીદી કરી હતી.
જોવા જેવી વાત એ છે કે, ભાજપ દ્વારા આઝાદી બાદથી સતત એ વાતને મુદ્દો બનાવવામાં આવ્યો હતો કે જમ્મુ-કાશ્મીરમાં બહારની વ્યક્તિઓ જમીન ખરીદી શકતી નથી તે ખોટું છે. જેમ અન્ય રાજ્યોમાં બહારના રાજ્યોના વ્યક્તિઓ જમીન ખરીદી શકે તેવી જ રીતે જમ્મુ-કાશ્મીરમાં પણ બહારની વ્યક્તિ જમીન ખરીદી શકતી હોવી જોઈએ. ભાજપે પોતાના ચૂંટણી પ્રચારમાં પણ આને મુદ્દો બનાવ્યો હતો. ભાજપને તેનો રાજકીય લાભ પણ મળ્યો હતો પરંતુ કલમ 370 નાબુદ કર્યા બાદ પણ બહારની જુજ વ્યક્તિઓ દ્વારા જ જમ્મુ-કાશ્મીરમાં જમીનની ખરીદી કરવામાં આવી તે કલમ 370ને નાબુદ કર્યા બાદ એક નિષ્ફળતા સમાન લાગી રહી છે. કલમ 370 નાબુદ કર્યા બાદ ખરેખર કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં બહારની વ્યક્તિઓ જમીન ખરીદે અને વધુને વધુ કંપનીઓ રોજગાર સ્થાપીને જમ્મુ-કાશ્મીરમાં રોજગારી આપે તે જરૂરી છે. જો ભાજપની કેન્દ્ર સરકાર આગામી વર્ષોમાં તેમ નહીં કરી શકે તો કલમ 370 નાબુદીનો હેતુ નહીં સરે તે નક્કી છે.