ડોનાલ્ડ ટ્રમ્પ એમના તરંગી અને તુણ્ડમિજાજી સ્વભાવ માટે જાણીતા છે. તેમનો વિશ્વાસ કરી શકાય એમ નથી. એ કોઈને પ્રેમ કરે તો એટલો બધો કરે છે કે, સામું માણસ ગૂંગળાઈને મરી જાય અને કોઈકની સાથે વાંકું પડે તો સતત એવા જનોઈવઢ ઘા માર્યા કરે છે કે, એક ઘાએ બે કટકા થઈ જાય. પ્રમુખપદ તરીકેના કાર્યકાળના પહેલા ચાર વર્ષ દરમિયાન ટ્રમ્પનો અનરાધાર પ્રેમ નરેન્દ્ર મોદી પર વરસતો હતો અને નરેન્દ્ર મોદી પણ પ્રોટોકોલની ઐસી કી તૈસી કરી અને અમેરિકામાં બિનનિવાસી ભારતીયો તેમાંય ખાસ કરીને ગુજરાતીઓને સંબોધતાં કહી નાખ્યું, ‘અબકી બાર ટ્રમ્પ સરકાર’.
આટલે નહીં અટકતાં ખાસ દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં હૈયેહૈયું દળાય એવી જનમેદની ભેગી કરીને ડોનાલ્ડ ટ્રમ્પના અભિવાદનનો કાર્યક્રમ ‘નમસ્તે ટ્રમ્પ’ કરી નાખ્યો. કમનસીબે ત્યારે ટ્રમ્પ હારી ગયા. ત્યાર બાદ ટ્રમ્પ આ વખતે ચૂંટણી લડી રહ્યા હતા અને એનો પ્રચાર પૂરજોશમાં ચાલતો હતો ત્યારે ટ્રમ્પની અપેક્ષા હશે કે નરેન્દ્ર મોદી યુનાઇટેડ નેશન્સની બેઠકમાં આવ્યા છે તે એમને મળે. કમસે કમ ફોન કરીને તો શુભેચ્છા પાઠવે. કારણ જે હોય તે પણ ન તો ભારતીય વડા પ્રધાન ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા કે ન એમના પ્રતિસ્પર્ધી કમલા હેરિસને. બસ ત્યારથી જ ટ્રમ્પ વંકાયા છે. આના પહેલા પરચારૂપે તેમની શપથવિધિમાં ભારતના ભરપૂર પ્રયત્નો છતાં વડા પ્રધાન મોદીને નિમંત્રણ ન મળ્યું.
ત્યાર પછીના બનાવોએ પુરવાર કરી આપ્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને અને ભારતના વડા પ્રધાનને એક પણ તક ચૂક્યા વગર ચાબૂક ફટકારતા રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે હમણાં ફરી પાછો ખોંખારો ખાધો છે. ટ્રમ્પે પોતાના સાથી યુરોપિયન દેશોને અપીલ કરી છે કે, દુનિયાનો જે કોઈ પણ દેશ રશિયા પાસેથી ક્રુડ ઑઇલ ખરીદે તેને અમેરિકાની માફક તેમણે પણ સબક શીખવાડવા માટે આગળ આવવું જોઈએ. રશિયા પાસેથી તેલ ખરીદતા હોય તેવા ભારત જેવા દેશો ઉપર આકરા ટેરિફ નાખી તેમને દંડિત કરવા જોઈએ. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ દ્વારા યુરોપિયન યુનિયનને અમેરિકા સાથે જોડાવા અને આ પ્રકારના ટેરિફ થકી રશિયા પર દબાણ ઊભું કરવા માટે અપીલ કરી છે.
બેસન્ટના કહેવા મુજબ ‘અમે રશિયા પર દબાણ વધારવા તૈયાર છીએ પણ એ માટે અમારે અમારા યુરોપિયન ભાગીદારો પણ અમને અનુસરે એ જરૂરી જણાય છે.’આમ અમેરિકાનું હવે પછીનું પગલું યુરોપિયન યુનિયનના દેશોને પોતાની સાથે લઈ રશિયા સામે એક સંયુક્ત ધરી ઊભી કરવાનું હશે એવું દેખાઈ રહ્યું છે. અમેરિકા એવું પણ માને છે કે, જે રીતે હમણાં રશિયાએ યુક્રેન પર એક ભીષણ હુમલો કર્યો એ જોતાં રશિયા હવે મરણિયું બન્યું છે અને એની સામે યુક્રેન યુરોપિયન દેશોનો સાથ હોવા છતાં પણ કેટલો લાંબો સમય ઝીંક ઝીલી શકશે, તે કળી શકાય તેમ નથી.
રશિયાની અર્થવ્યવસ્થાને તોડી પાડવા માટે આવનાર સમયમાં અમેરિકા અને યુરોપિયન યુનિયન જે દેશો રશિયન ઑઇલ ખરીદે છે, તેમના પર વધારાના પ્રતિબંધો તેમજ ‘સેકન્ડરી ટેરિફ’ નાખીને રશિયન અર્થવ્યવસ્થાને એ હદ સુધી પાંગળી બનાવી દેવા માંગે છે જેને કારણે પ્રેસિડેન્ટ પુતિન મંત્રણાના ટેબલ પર આવવા મજબૂર બને. આમ ભારત માટે એક બીજી દિશામાંથી પણ બવન્ડર ઊભું થાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોવાનું જણાય છે.
ટ્રમ્પ અને પુતિન અલાસ્કા ખાતે મળ્યા ત્યાર બાદ ટ્રમ્પ દ્વારા યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને તેમજ યુરોપિયન યુનિયનના અધિકારીઓને વ્હાઇટ હાઉસ ખાતે બોલાવી પરિસ્થિતિનો ઉકેલ શું હોઈ શકે તેની ચર્ચા કરી હતી. જો કે યુદ્ધવિરામની બાબતને ત્યાર બાદ અભરાઈ પર મૂકવામાં આવી. દરમિયાનમાં અમેરિકન પ્રમુખે પોતાની સત્તા બહાર જઈને આ ટેરિફ યુદ્ધ શરૂ કર્યું છે તેવો સર્કિટ કોર્ટનો ચુકાદો પ્રેસિડેન્ટ ટ્રમ્પ દ્વારા અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે અને બેસન્ટના મત અનુસાર સુપ્રીમ કોર્ટમાં સરકાર જીતી જાય તેવી શક્યતાઓ ઉજળી છે.
આમ, અમેરિકા રશિયન અર્થવ્યવસ્થાને ગબડાવી પાડવા માટે સક્રિય છે અને રહેશે. આ સંદર્ભે ટ્રમ્પે તાજેતરમાં જ કહ્યું છે કે, જો રશિયા યુક્રેન પરના એના હુમલાઓને નહીં રોકે તો પોતે ટેરિફ વૉરને વધુ આગળ વધારવા તેમજ ‘સેકન્ડરી સેંકસન્સ’ને મુદ્દે યુરોપિયન દેશોને સાથે રાખીને ચાલવા માટેના કોઈ પણ પ્રયત્નોમાં કચાશ રાખશે નહીં. આમ, રશિયા-યુક્રેન મોરચે હજુ પણ કોઈ સમાધાનકારી ચુકાદો આવે એવી શક્યતાઓ નહિવત્ છે. દરમિયાનમાં અમેરિકાએ પોતાના ઘરઆંગણાનાં ઉત્પાદનો, જેઓ પોતાનું કામ વિદેશોમાં સબ-કોન્ટ્રાક્ટરૂપે કરાવે છે તેમને આ પદ્ધતિમાંથી પાછા વાળવા અને આ પ્રકારનું કામ અમેરિકામાં જ થાય, જેથી ઘરઆંગણે રોજગારીની તકો વધે તેવું કરવાની દિશામાં એક નવો કાયદો ‘The HIRE Act’ અમલમાં મૂકવાનું સક્રિય વિચારણામાં લીધું છે.
આ કાયદો જો અમલમાં આવશે તો એવી કંપનીઓ જે આઉટસોર્સીંગ થકી પોતાનું કામ વિદેશમાં કરાવે છે અથવા વિદેશી માનવબળને પોતાને ત્યાં નોકરીએ રાખે છે, તેમના ઉપર ૨૫ ટકા ટેક્ષ નાખવાની જાહેરાત કરવામાં આવશે. આમ કરવા પાછળનું કારણ અમેરિકામાં ઘરઆંગણાની નોકરીઓ વધારી બેરોજગારી ઘટે અને તે રીતે અમેરિકામાં વધતો જતો બેરોજગારીનો દર કાબૂમાં આવે તે જોવાનું હોય તેવું લાગે છે. યુરોપિયન દેશોનાં વ્યાપારી હિતો ખાસ કરીને ફ્રાન્સ, જર્મની તેમજ બ્રિટનનાં વિશેષતઃ ભારત સાથે જોડાયેલાં છે તે સંજોગોમાં યુરોપિયન યુનિયનના દેશો દ્વારા ભારતને નુકસાનકારક હોય તેવા કોઈ પ્રતિબંધો અથવા ટેરિફ નાખવામાં આવે તેવી શક્યતા હાલના તબક્કે દેખાતી નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.