Business

ડોનાલ્ડ ટ્રમ્પ ‘ટેરિફ પર ટેરિફ…’ પછી અજમાવે છે,જગતની સૌથી ખતરનાક જેલ ‘અલ્કાટ્રઝ’ ફરી ખોલવાનો જોખમી ખેલ!

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એમના તોરીલા મિજાજ અને તરંગી દિમાગ માટે બડા બદનામ છે. જો કે કેટલાક નિષ્ણાત મનોચિકિત્સકોના નિદાન મુજબ એમના આ કહેવાતા ‘ગાંડપણ’માંય અંગ્રેજીમાં કહીએ તો એ ‘Method in Madness’ (એક પૂર્વયોજિત પદ્ધતિ) છે. આવા આ તોફાની ટ્રમ્પે હમણાં લોકો ચોંકી જાય એવો અજબ-ગજબનો નિર્ણય લીધો છે.
વિદેશોમાં કેટલાંક એવાં કાળમીંઢ કારાગૃહ છે કે એને અંદરથી ભેદીને કોઈ બહાર ન આવી શકે કે પછી બહારથી ખાતર પાડીને અંદર ન પ્રવેશી શકે. આવાં પોલાદી પ્રિઝનમાં બહુ જાણીતી છતાં બડી બદનામ છે અમેરિકાની ‘અલ્કાટ્રઝ પ્રિઝન.’ એના ઉલ્લેખ માત્રથી ભલભલા રીઢા અપરાધીઓ ભયથી ધ્રૂજી જાય ને એનાં ગાત્રો ગળી જાય.
સાન ફ્રાન્સિસકોના દરિયાકિનારેથી માંડ બે કિલોમીટરના અંતરે આવેલા એક ટાપુ પર છેક 1934માં શરૂ થયેલાં આ કારાગૃહની શરૂઆત લશ્કરી જેલ તરીકે થઈ હતી. બે વર્ષ બાદ લાંબી સજા પામેલા ડ્રગ્સ માફિયાના ખોફનાક કેદીઓને અહીં રાખવાના શરૂ થયા. છેલ્લે અહીં માંડ 350 કેદીને સમાવવાની જ કોટડીઓ હતી. જો કે કેદી પર એવી સખ્ત નિગરાની રાખવામાં આવતી કે કોઈ કેદી જેલ નિયમનો નાનો અમથો ય ભંગ કરે તો એને અતિ ક્રૂર કહેવાય એવી માનસિક-શારીરિક સજા ફટકારવામાં આવતી. અહીંની સિક્યુરિટી સિસ્ટમ એવી તગડી હતી કે આટલાં વર્ષોમાં જેલમાંથી ભાગી જવાના કુલ 14 પ્રયાસ થયા, જેમાંથી પાંચેક કેદી જેલની હદ માંડ પાર કરી શક્યા. એમાંથી 3 તો દરિયાઈ માર્ગે ભાગવાના પ્રયાસમાં ડૂબી મર્યા તો બાકીના બે જેલ સિક્યોરિટીના હાથે વીંધાઈ ગયા.
આ જાલીમ જેલની ક્રૂરતા-કડકાઈ એવી વગોવાઈ ગઈ હતી કે આ જેલનું જ લોકાલ ને માહોલ લઈને હોલિવૂડમાં કેટલીક સફળ ફિલ્મો બની છે, જેમ કે ‘એસ્કેપ ફ્રોમ અલ્કાટ્રઝ’, ‘ધ રૉક’, ‘પોઈન્ટ બ્લેન્ક’ ઈત્યાદિ. આમાંથી 1979માં રજૂ થયેલી વિખ્યાત સ્ટાર ક્લિન્ટ ઈસ્ટવૂડની ફિલ્મ ‘એસ્કેપ ફ્રોમ અલ્કાટ્રઝ’ ખાસ્સી વખણાઈ હતી. એટલું જ નહીં, એક સાથે 815 સ્ક્રીન પર પ્રદર્શિત થયેલી આ ફિલ્મે અમેરિકા-કેનેડામાં 43 મિલિયન ડૉલરનો તગડો વેપાર કર્યો હતો, એ જમાનામાં!
આ તો એક જેલ પર આધારિત ફિલ્મની જવલંત આર્થિક સફળતાની વાત હતી પરંતુ સમય વીતતા છેલ્લે છેલ્લે કારાવાસના ઈતિહાસમાં સૌથી બદનામ આ કારાગૃહ કાર્યરત રાખવું બહુ ખર્ચાળ બની ગયું હોવાથી સરકારે જ 1968માં બંધ કરીને એને જેલ મ્યુઝિયમમાં ફેરવી નાખ્યું હતું.


હવે 57 વર્ષથી જેલમાંથી મ્યુઝિયમમાં પલટાઈ ગયેલી આવી ખતરનાક જેલને પુન: જીવિત કરવાનો અખતરો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલાં જ 1250 કેદી કસ્ટડીમાં રાખતી અમેરિકાની હાઈ સિક્યોરિટીવાળી ‘ન્યૂ ઓર્લિયન્સ પ્રિઝન’માંથી 10 કુખ્યાત અપરાધી આબાદ છટકી ગયા પછી પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્રમ્પે પોતાની આ ઈચ્છાની જાહેરાત કરતાં કહ્યું છે કે આજે અમેરિકામાં જે ઝડપે જલદ ગુનાખોરી વધી રહી છે એને ડામવા માટે ‘અલ્કાટ્રઝ’ જેવા કાળમીંઢ કારાવાસની આપણને તાત્કાલિક તાતી જરૂર છે અને એ માટે મેં આપણા ન્યાયતંત્રથી લઈને FBI સહિત લાગતી-વળગતી ક્રાઈમ એજન્સીસને નવું ‘અલ્કાટ્રઝ પ્રિઝન’ ઊભું કરવાની તાકીદ આપી દીધી છે.
જો કે 22 એકર જમીન પર પ્રસરેલા આ અલ્કાટ્રઝ કારાવાસની કાયાપલટ માટે જંગી રકમ જોઈશે. કેટલી જરૂર પડશે એ વિશે ટ્રમ્પે સત્તાવાર કશું જાહેર કર્યું નથી પણ અમેરિકાના જેલ-સંચાલનના જાણીતા નિષ્ણાતો કહે છે કે આજના જમાનામાં આ જેલને કાર્યરત કરવા પાછળ શરૂઆતમાં જ ઓછામાં ઓછા 5થી 6 મિલિયન ડૉલરનો ખર્ચ થશે. એની સાથે આજના જમાનાને અનુરૂપ એવાં અતિ આધુનિક ચુસ્ત સંરક્ષણનાં નવાં સાધનો વસાવવાં પડશે. એનો ખર્ચ તો કરોડો ડૉલરમાં આવી શકે. અગાઉની જેમ 2-3 વૉચ ટાવર કે 80-100 હથિયારધારી સંત્રીઓથી આજની જેલની સુરક્ષા ન થઈ શકે.
હાલના તબક્કે અમેરિકામાં અલ્કાટ્રઝ જેલની સમકક્ષ ગણી શકાય એવી અનેક રીઢા અપરાધીઓ જ્યાં આજે છે એ અમેરિકાની સૌથી કાળમીંઢ જેલ છે કોલારાડોની ‘એડીએક્સ ફ્લોરેન્સ પ્રિઝન’. આમ છતાં, ટ્રમ્પ ઈચ્છે છે તેવી ધાક જન્માવતી અલ્કાટ્રઝ કારાવાસની કાયાપલટ કરવી અશક્ય નથી પણ ખૂબ ખર્ચાળ જરૂર છે. આમ છતાં, ‘મેક અમેરિકા ગ્રેટ અગેન’ અને ‘મેક અમેરિકા ફર્સ્ટ’ જેવાં સૂત્ર અવાર-નવાર ઉચ્ચારતાં ટ્રમ્પ હવે અપરાધીઓને ડામવા માટે જેલના મામલે પણ અમેરિકાને ‘ગ્રેટ’ બનાવવા ઈચ્છે છે!
તમને કદાચ નવાઈ લાગશે કે એક યા બીજા કારણોસર વગોવાઈ ગયેલાં જગતભરનાં આવાં ઘણાં બધા ‘જાણીતાં’ જેલખાનાંઓમાં આપણા પણ એક કારાવાસની ગણના થાય છે અને એ છે મુંબઈની ‘આર્થર રોડ જેલ’! આ આમચી મુંબઈની જેલની પણ કાયાપલટ કરવાના તાજા સમાચાર આવ્યા છે. અત્યારે કેવી છે આ આર્થર રોડ જેલ અને હવે ત્યાં શું શું થશે ફેરફાર એ વિશે વાત હવે પછી!

Most Popular

To Top