સુરત: શહેરમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતા તત્ત્વો સામે સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે સંયુક્ત રીતે લાલ આંખ કરી છે. જે અંતર્ગત એક જ દિવસમાં ઉધના અને પુણા મગોબમાં દરોડા પાડીને તંત્રએ હજારો રૂપિયાની કિંમતનું શંકાસ્પદ નકલી પનીર અને ભેળસેળયુક્ત માવો બજારમાં વેચાય તે પહેલાં જ ઝડપી પાડ્યો છે.
- સુરતમાંથી ફરી 80 શંકાસ્પદ પનીર માવો ઝડપાયો
- ઉધનાની શ્રીજી પ્રોવિઝન સ્ટોર અને મગોબના એક ફ્લેટમાં SOG અને પાલિકાના દરોડા
આ બંને દરોડામાં કુલ મળીને 62 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શંકાસ્પદ મલાઈ પનીર, એનાલોગ પનીર અને શંકાસ્પદ માવાના જથ્થાને સીલ કરવામાં આવ્યો છે. આ ખાદ્યપદાર્થો ખરેખર કેટલા હાનિકારક છે અને તેમાં કઈ વસ્તુઓની ભેળસેળ છે, તે જાણવા માટે તમામ નમૂનાઓ પૃથ્થકકરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ જો આ પદાર્થો અખાદ્ય કે ભેળસેળયુક્ત સાબિત થશે, તો દુકાનદારો અને વિક્રેતાઓ સામે કાયદાકીય રાહે કડકમાં કડક પગલાં લેવામાં આવશે.
ઉધના શ્રીજી પ્રોવીઝન સ્ટોરમાંથી નકલી પનીર ઝડપાયું
S.O.G. ને મળેલી ચોક્કસ બાતમીના આધારે સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારી જે.એમ. દેસાઈ અને ટી.એસ. પટેલને સાથે રાખીને ઉધના વિસ્તારમાં વોચ ગોઠવી હતી. ઉધના ગામ, પટેલ કોલોનીમાં આવેલી જ્યોતિનગર સોસાયટીમાં શ્રીજી પ્રોવીઝન સ્ટોર (દુકાન નં. 01)માં તપાસ હાથ ધરવામાં આવી હતી.
અહીં દુકાનના સંચાલક નવલકિશોર મોતીરામ ગર્ગની હાજરીમાં તપાસ કરતાં અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. દુકાનમાંથી 70 કિલો શંકાસ્પદ મલાઈ પનીર (કિંમત રૂ.24,500) અને 10 કિલો શંકાસ્પદ એનાલોગ પનીર (કિંમત રૂ.2400) મળી આવ્યું હતું. એનાલોગ પનીર એ દૂધની ચરબીને બદલે વનસ્પતિ તેલ જેવા સસ્તા વિકલ્પોમાંથી બનાવવામાં આવતું નકલી પનીર છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આમ, કુલ 80 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો, જેની કુલ કિંમત રૂ. 26,900 થાય છે, તે જપ્ત કરવામાં આવ્યો હતો.
મગોબના ફ્લેટમાંથી શંકાસ્પદ માવો ઝડપાયો
S.O.G.ની ટીમને મળેલી અન્ય બાતમીના આધારે, પાલિકાના ફૂડ ઓફિસર ડી.ડી. ઠાકોર સાથે પુણા વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. મગોબ ખાતે આવેલી પ્રિયંકા સિટીના બિલ્ડિંગ નં-જી-1, ફ્લેટ નં. 23માં રહેણાંક વિસ્તારમાં ધમધમતા આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ફ્લેટ માલિક હનુમાન લાધુરામ બિશ્નોઈના ઘરે તપાસ કરતા ત્યાંથી મીઠાઈ બનાવવા માટે વપરાતો 168 કિલોગ્રામ જેટલો જંગી શંકાસ્પદ માવો મળી આવ્યો હતો. આ માવાની કુલ કિંમત રૂ. 34,953 આંકવામાં આવી છે.
નકલી પનીરમાં હાનિકારક પદાર્થ હોય છે
નકલી પનીર બનાવવા માટે બગડેલું દૂધ, લોટ, ડિટરજન્ટ પાઉડર, પામ ઓઈલ, ગ્લિસરોલ મોનોસ્ટેરેટ પાઉડર જેવી વસ્તુઓ મિક્સ કરવામાં આવે છે. આ સિવાય નકલી પનીરમાં સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી એને અસલી પનીર જેવો આકાર મળે. આ બધી વસ્તુઓ શરીર માટે હાનિકારક છે.
નકલી પનીર ઓળખવાની રીત
સામાન્ય લોકો પાસે અસલી પનીર કે નકલી પનીર ઓળખવા એને તમારા હાથથી કચડી નાખો. આમ કરવાથી નકલી અને ભેળસેળવાળું પનીર પાઉડર બનશે, કારણ કે એ પાઉડર દૂધમાંથી બનાવવામાં આવે છે, જ્યારે વાસ્તવિક પનીર વધુ નરમ હોય છે. વાસ્તવિક પનીર માત્ર દૂધમાંથી જ બનાવવામાં આવે છે, જેમાં દૂધ સિવાય અન્ય કોઈ ગંધ કે સ્વાદ નથી. જો પનીર ખાધા પછી તમને દૂધ સિવાય અન્ય કોઈ સ્વાદ લાગે તો પનીરમાં ભેળસેળ થઈ હોઈ શકે છે.