સુરત(Surat): બે વર્ષ પહેલાં શહેરના છેડે પાસોદરામાં રહેતી ગ્રીષ્મા વેકરિયા (GrishmaVekaria) નામની યુવતી એકતરફી પ્રેમીના ગુસ્સાનો શિકાર બની હતી. એકતરફી પ્રેમીએ ગ્રીષ્માના ઘરની સામે જ તેનું ગળું ચીરી નાંખ્યું હતું. આ ગુનામાં આરોપી પ્રેમીને ફાંસીની સજા થઈ છે. આ ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં પાસોદરાની વધુ એક યુવતી પ્રેમીના ગુસ્સાનો શિકાર બની છે. ઘરમાં ઘુસી ચપ્પુ પેટમાં મારી દેતાં રિબાઈ રિબાઈને યુવતી મૃત્યુ પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાસોદરાની ઓમ ટાઉન શિપની 17 નંબરની બિલ્ડિંગમાં પરિવાર સાથે રહેતી 19 વર્ષીય પલ્લવીના ઘરમાં ઘુસી ગઈ તા. 19 જાન્યુઆરી રોજ ઓમ ટાઉનશિપની 26 નંબરની બિલ્ડિંગમાં રહેતા અંકિત જયંતિ ભામાણીએ ચપ્પુના ઘા માર્યા હતા. ઉપરાછાપરી અનેક ઘા ઝીંકી દીધા હતા. ત્યાર બાદ અંકિતે પલ્લવીના જ ઘરમાં અગ્નિસ્નાન કરી લીધું હતું.
આ હચમચાવી દેનારી ઘટનામાં અંકિતનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે પલ્લવીને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. એક મહિનો સુધી પલ્લવીને બચાવી લેવા તબીબોએ મહેનત કરી હતી, પરંતુ પલ્લવી બચી શકી નહોતી. આજે તા. 20 ફેબ્રુઆરીએ પલ્લવીનું મૃત્યુ થયું છે. સરથાણા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.
પલ્લવીની સગાઈ થતાં અંકિત વિફર્યો હતો
સરથાણા પોલીસની તપાસમાં એવી હકીકત બહાર આવી હતી કે, પલ્લવી અને અંકિત વચ્ચે છ મહિના પહેલા પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે, ઘટના એટલે કે તા. 19 જાન્યુઆરીના બે દિવસ અગાઉ પલ્લવીની સગાઈ પરિવારજનોએ અન્ય યુવક સાથે કરી હતી. તેથી અંકિત ગુસ્સે ભરાયો હતો અને ઘરમાં ઘુસીને પલ્લવીને ચપ્પુના ઘા માર્યા હતા. ત્યાર બાદ પોતાની સાથે જે કેરોસીન લાવ્યો હતો તે પોતાના શરીર પર છાંટીને અગ્નિસ્નાન કરી લીધું હતું. અંકિત 19 જાન્યુઆરીએ પલ્લવીના ઘરમાં જ મૃત્યુ પામ્યો હતો.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે યુવક અવારનવાર તેના ઘરે અવર-જવરના સંબંધ હતા. યુવતીના માતા અને યુવકના પિતા એક જ ગામના વતની હોવાથી બંનેના ઘર વચ્ચે અને પરિવાર વચ્ચે ખૂબ જ પારિવારિક સંબંધ જોડાયેલા હતા. દરમિયાન છ મહિના પહેલા બંને વચ્ચે પ્રેમ સંબંધ કેળવાયો હતો. પરંતુ આ સંબંધ અંગે પરિવારને જાણ ન હતી અને યુવતીની તેના પરિવાર દ્વારા અન્ય જગ્યાએ સગાઈ કરી દેવતા યુવકે આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ સમગ્ર બનાવવા અંગે સરથાણા પોલીસે મરનાર યુવક સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો જ્યારે પ્રેમી યુવકે અગ્નિ સ્નાન કરી લેતા અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ કરાઈ રહી હતી. દરમિયાન એક મહિનાની સારવાર બાદ પ્રેમિકાનું પણ મોત નીપજતા પરિવારે તેના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.