Sports

રિષભ પંત પછી વોશિંગ્ટન સુંદર પણ ODI શ્રેણીમાંથી બહાર

ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે વડોદરા વનડેમાં 4 વિકેટથી જીત મેળવી હતી. જોકે, આ મેચમાં ભારતને પણ મોટો ઝટકો લાગ્યો હતો. સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર સાઈડ સ્ટ્રેનને કારણે ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી વનડે શ્રેણીની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે. રવિવાર, 11 જાન્યુઆરીના રોજ પહેલી વનડે દરમિયાન તેને આ ઈજા થઈ હતી. ઋષભ પંત ઈજાને કારણે ટીમમાંથી બહાર થયાના એક દિવસ પછી જ આ ઝટકો લાગ્યો છે.

જોકે, વોશિંગ્ટન સુંદરનો આંચકો વધુ મોટો છે કારણ કે તે 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમનો પણ ભાગ છે. ICC ટૂર્નામેન્ટ પહેલા આ ઈજા ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનું કારણ બની ગઈ છે.

સુંદર બોલિંગ કરતી વખતે ઘાયલ થયો
સુંદરે પહેલી ઇનિંગમાં પાંચ ઓવર ફેંકી અને પછી મેદાન છોડી દીધું, તેના સ્થાને ધ્રુવ જુરેલને અવેજી ફિલ્ડર તરીકે લેવામાં આવ્યો. સુંદરની બેટિંગ કરવાની ક્ષમતા અંગે અનિશ્ચિતતા હતી, પરંતુ જ્યારે ભારતે અંતિમ ઓવરોમાં ઝડપથી વિકેટ ગુમાવી દીધી અને મેચ વધુને વધુ તણાવપૂર્ણ બની ગઈ, ત્યારે તેને મેદાનમાં ઉતરવાની ફરજ પડી.

બેટિંગ કરતી વખતે અસ્વસ્થતા દેખાઈ
વોશિંગ્ટન સુંદરે 7 બોલમાં 7 રન બનાવ્યા, પરંતુ રન લેતી વખતે તે અસ્વસ્થ દેખાતો હતો. અંતે કેએલ રાહુલે મેચ ભારતને જીતાડી. ટીમ શ્રેણીમાં 1-0થી આગળ થઈ ગઈ. મેચ પછી કેએલ રાહુલે કહ્યું કે તે સુંદરની ઈજાની ગંભીરતાથી વાકેફ નહોતો. મને ખબર નહોતી કે તે દોડી શકતો નથી. મને ફક્ત એ ખબર હતી કે તેને પહેલી ઇનિંગમાં થોડી તકલીફ પડી હતી, પરંતુ મને ખ્યાલ નહોતો કે તે કેટલી ગંભીર છે. તે બોલને ખરેખર સારી રીતે ફટકારી રહ્યો હતો,. જ્યારે તે બેટિંગ કરવા આવ્યો, ત્યારે અમે પ્રતિ બોલ લગભગ એક રન બનાવી રહ્યા હતા, તેથી જોખમ લેવાની કોઈ જરૂર નહોતી. તે વધારે દબાણમાં નહોતો. તેણે સ્ટ્રાઈક ફેરવી અને પોતાનું કામ કર્યું.

કેપ્ટન ગિલે શું કહ્યું?
મેચ પછી કેપ્ટન શુભમન ગિલે પુષ્ટિ આપી કે સુંદરનું સ્કેન કરાવવામાં આવશે. ગિલે મેચ પછીની પ્રેઝન્ટેશનમાં કહ્યું, વોશિંગ્ટન સુંદરને સાઇડ સ્ટ્રેન છે અને મેચ પછી તેનું સ્કેન કરાવવામાં આવશે.

પંત પહેલેથી જ બહાર છે
આ મેચ પહેલા ઋષભ પંતને પણ સાઈડ સ્ટ્રેનનો સામનો કરવો પડ્યો હતો અને તેના સ્થાને ધ્રુવ જુરેલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે, બીસીસીઆઈએ સુંદરને શ્રેણીમાંથી બાકાત રાખવાની સત્તાવાર પુષ્ટિ કરી નથી કે તેના સ્થાને ખેલાડીની જાહેરાત કરી નથી.

Most Popular

To Top