વલસાડ : પારડીમાં એક વકીલને ત્યાં લૂંટ વિથ મર્ડરના પ્રયાસની ઘટના બનતા વલસાડ જિલ્લા પોલીસે બનાવને લઇ તપાસ હાથ ધરી હતી. આ કેસમાં પોલીસે સ્થાનિકો અને મહારાષ્ટ્રના રીઢા ૩ ગુનેગારને ગણતરીના દિવસોમાં પકડી પાડી પાંજરે પૂર્યા છે. જેમાં તેમણે ૮ આરોપીને પકડી તેમની પાસેથી લૂંટના પ્રયાસ માટે ઉપયોગમાં લેવાયેલી કાર પણ કબજે લીધી છે.
આ સંદર્ભે વલસાડ પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલાએ માહિતી આપતા જણાવ્યું કે, પારડીના વાઘછીપામાં વકીલના ઘરે ગત ૬ ઓગષ્ટના રોજ કેટલાક ઇસમો લૂંટના ઇરાદે આવ્યા હતા. તેમણે ઘરના રહીશ પર ચપ્પુ વડે હુમલો કરી હત્યાની પણ કોશિષ કરી હતી. જોકે, આ દરમિયાન બૂમરાણ મચતા આજુબાજુના લોકો આવી ગયા અને તેમની લૂંટ સફળ થઇ ન હતી. આ સંદર્ભે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ કેસમાં વલસાડ એલસીબી પીઆઇ ઉત્સવ બારોટ, પારડી પીઆઇ જી. આર. ગઢવી તેમજ અન્ય ટીમ તપાસમાં મંડી પડી હતી. ત્યારે તેમને જાણવા મળ્યું કે, વકીલના ડ્રાઇવરના સાસરા પક્ષના ભરત ઉર્ફે ભરત લંગડો ચંદુ પટેલે તેમના જમાઇ એવા ડ્રાઇવર પાસે વકીલના ઘરની વિગતો મેળવી હતી.
વકીલ પાસે પૈસા આવવાના હોય તેમણે તેના મિત્રો સાથે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. જેમાં તેણે અગાઉ જેલમાં મળેલા ડ્રગ્ઝના કેસના રીઢા ગુનેગારોને પણ સામેલ કર્યા અને લૂંટને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમનો પ્રયાસ સફળ ન થયો હતો. જેની તપાસ બાદ પોલીસે તેના મિત્ર ધર્મેશ ઉર્ફે ધરમુ મગનભાઇ ચૌધરી, ચેતન ભીખુ નાયકા, બિપીનન અશોકભાઇ પટેલ, હેમંત ચીમનભાઇ પટેલ તેમજ મહારાષ્ટ્રના કુખ્યાત આરોપીઓ જયેશ શિવરામ પાટીલ, દિલીપ પાંડુરંગ બારકે, દાનહના સંજય લક્ષી વળવીને પકડી પાડ્યા હતા. તેમની અટકાયત કરી પોલીસે તેમણે લૂંટમાં ઉપયોગમાં લીધેલી ઇકો સ્પોર્ટસ કાર (નં.MH-04-HX-9977) ને પણ કબજે લીધી હતી. તેમજ તેમની પાસેથી ૩ મોબાઇલ પણ કબજે લીધા હતા. આ તમામ વિરૂદ્ધ પોલીસે લૂંટના પ્રયાસનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પકડાયેલા લૂંટારૂ અનેક ગુનામાં સંડોવાયેલા હતા
વલસાડ પોલીસે પકડેલી લૂંટારૂ ગેંગ જુદા જુદા સ્થળે હત્યા, લૂંટ તેમજ દારૂની હેરાફેરીના ગુનામાં સંડોવાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતુ. જેમાં મહારાષ્ટ્રનો જયેશ પાટીલ વિરૂદ્ધ મહારાષ્ટ્રમાં લૂંટના ગુનો દાખલ કરાયો હતો. જ્યારે બિપીન અશોક પટેલ વિરૂદ્ધ હત્યાનો અને દારૂની હેરાફેરીનો ગુનો દાખલ થયો હતો. હેમંત પટેલ વિરૂદ્ધ પણ હત્યાનો ગુનો દાખલ થયો હતો. જ્યારે ચેતન ભીખુ નાયકા વિરૂદ્ધ ડ્રગ્ઝની હેરાફેરીનો ગુનો દાખલ થયો હતો.
લૂંટના પ્રયાસમાં સફેદ કારની માહિતી મળતા આખો ગુનો ઉકેલી કાઢ્યો
વલસાડ જિલ્લા પોલીસને પારડીમાં થયેલી લૂંટમાં સફેદ કાર ઉપયોગમાં લેવાઇ હતી. જેની માહિતી મળતા તેમણે અનેક સીસીટીવી ફૂટેજ ફંગોળી કાઢ્યા હતા. જેના આધારે તેમણે પહેલા કારને શોધી અને ત્યારબાદ બાતમીના આધારે એક પછી એક આરોપીઓને પકડવાના શરૂ કર્યા હતા. જેમાં તેમને સફળતા મળતી ગઇ અને લૂંટના પ્રયાસમાં સામેલ તમામ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા.