Comments

રણમાં પહોંચ્યા બાદ વેડફાતું નર્મદાનું પાણી

“ભર ઉનાળે, મે મહિનામાં સુરેન્દ્રનગરના ખારાઘોડા  વિસ્તારમાં વગર વરસાદે પૂર આવ્યાં.” આવું કોઈ સાંભળે તો કહે કે કહેતા ભી દિવાના ઔર સુનતા ભી દિવાના અને વાતને ફગાવી દે. આમ તો આ વાત તર્કહીન જ લાગે, કારણ કે હંમેશા  પાણીની અછતને કારણે ચર્ચામાં રહેતા વિસ્તારમાં વગર વરસાદે પૂર કેવી રીતે આવે? તમને જાણીને આશ્ચર્ય થશે કે આ કોઈ ટાઢા પોરની ગપ નથી – હકીકત છે. પૂરનાં પાણી કુદરતે નથી વરસાવ્યાં, પણ નર્મદાના કચ્છ સુધી પહોંચેલા પાણીના ગેરવહીવટનો પ્રતાપ છે. તે પણ કોઈ એકાદ વખત બનેલી ઘટના નથી, પણ દસ વર્ષ કરતાં  વધારે સમયથી વર્ષે બે થી ત્રણ વાર  બનતી ઘટના છે. મીઠાં પાણીને ખારું બનાવી દેતા આ ગેરવહીવટનો ભોગ મીઠું પક્વતા અગરિયા વારંવાર બને છે.

પાણી કેટલી રીતે વેડફાય છે એ સમજવા જેવું છે. દિવાળી પછીના સમયમાં આ સૂકા ભઠ વિસ્તારમાં પાણીની અછત સર્જાય એટલે ખેડૂતો પાસેથી નર્મદાનાં પાણીની માંગ ઊભી થાય. જે માટે નહેરમાં પાણી છોડવામાં આવે. જરૂર કરતાં વધારે પાણી છોડાય એટલે પાણી ત્યાંની નાની નદીઓ અને વહોળામાં થઈ રણ સુધી પહોંચી જાય. કારણકે, અહીંની બધી નાની નદીઓ રણમાં જ મળે છે. સુરેન્દ્રનગર અને બનાસકાંઠાનાં છેવાડાનાં ગામો સુધી નર્મદાની મુખ્ય નહેર પહોંચી છે પણ નાની નહેરો બનવાની બાકી છે એટલે છોડેલું પાણી ખેતરમાં પહોંચવાને બદલે રણમાં ઘૂસી જાય છે. બીજું, મચ્છુ અને બામણી નદી પરના બંધમાં ભરેલું પાણી અવારનવાર બંધની સલામતીનાં કારણોસર છોડવું પડે છે. સવાલ થાય છે કે એટલું પાણી ભરવું જ શું કામ જોઈએ કે જેના કારણે બંધની સલામતી જોખમાય? જેને માણસના ઉપયોગ વગર વહાવી દેવું પડે?

આ વર્ષે તો ગેરવહીવટની હદ થઈ. મચ્છુ નદીના બંધના દરવાજા પર સમારકામની જરૂર હતી જે અંગેની અરજી સિંચાઇ વિભાગે ડિસેમ્બર મહિનામાં કરી હતી. મંજૂરી આવતાં આવતાં એપ્રિલ થઈ ગયો. આ દરમ્યાન બંધમાં પૂરેપૂરું પાણી ભરી દેવામાં આવ્યું. સમારકામની મંજૂરી મળતાં જ કામ ચોમાસું શરૂ થાય એ પહેલાં પૂરું કરવું પડે, જે માટે બંધમાં ભરેલું પાણી ખાલી કરવું પડ્યું. લાખો ક્યુસેક પાણી નહેરો અને વહોળા થકી છોડી દેવામાં આવ્યું અને પાણીથી તરસતા વિસ્તારને પીવાનું મીઠું પાણી તો ન મળ્યું, પણ રણના ખારા પટ પર ચાલીસેક કિલોમીટર અંદર ઘૂસી નર્મદાનું પાણી વેડફાઇ ગયું!

સાથે સાથે મીઠું પકવતા આશરે 400 જેટલા પાટાને નુકસાન થયું, જેમાં પાટા દીઠ ગરીબ અગરિયાને લાખેક રૂપિયાનું નુકસાન થયું! આ ગેરવહીવટ ના કહેવાય તો બીજું શું કહેવાય? એક અંદાજ પ્રમાણે સમગ્ર ઝાલાવાડ વિસ્તારની ખેતીને આખું વર્ષ જોઈએ એનાથી પણ વધારે નર્મદાનું મીઠું પાણી સરદાર સરોવરથી લગભગ 350 કિ.મી.નું અંતર કાપીને કચ્છના રણમાં ખારું થઈ વેડફાઇ જાય છે! આ જ વિસ્તારમાં સૌથી વધુ મીઠું પાકે છે. અગરિયાઓ દિવાળી પછી મીઠું પકવવાનું કામ શરૂ કરે છે.

જ્યારે આ પાણી રણમાં ફરી વળે ત્યારે તેમને માટે આવતાં  પીવાનાં મીઠાં પાણીનાં  ટેન્કર પણ આવી શકતાં નથી, જેથી પીવાના પાણીનો પ્રશ્ન સર્જાય છે. અગરિયાના પરિવારના આરોગ્ય માટે આવતી હેલ્થ વાન પણ આવી શકતી નથી.  બાળકો શાળા સુધી પહોંચી શકતાં નથી. પરિણામે ઘણા આર્થિક નુકસાન ઉપરાંત પાયાની સુવિધાઓ ખોરવાતી હોવાને કારણે  અગરિયાઓને રણમાંથી હિજરત કરવાની જરૂર પડે છે. નર્મદા યોજના એટલા માટે બનાવી હતી કે જેથી ઉત્તર ગુજરાત અને કચ્છના સૂકા વિસ્તાર સુધી પાણી પહોંચાડી ત્યાંનાં લોકોની તરસ છીપાવી શકીએ.

આ માટે હજારો કરોડોનો ખર્ચ થયો છે અને લાખો આદિવાસી પોતાના ઘરથી વિસ્થાપિત થયાં છે.ઉપરવાસમાંથી સ્થળાંતરિત થયેલાં આદિવાસીઓએ ભોગવેલી અગવડની કિંમત પણ જો નર્મદા યોજના પાછળ થયેલા ખર્ચમાં ઉમેરીએ તો આંકડો ઘણો ઊંચો જાય. દુર્ભાગ્યની વાત જુઓ કે વર્ષોની મહેનત અને બેસુમાર ખર્ચ પછી પાણીના પ્રબંધમાં બેદરકારીને કારણે લાખો ક્યુસેક પાણી લોકોને રાહત નહીં, પણ આફત પહોંચાડે છે. બોલો, આનાથી મોટી કમબખ્તી શું હોઇ શકે?

પાણીની અછતની ગંભીરતાને કારણે  આપણે ઘર-વપરાશમાં પણ એક એક બુંદ બચાવીએ છીએ ત્યારે નર્મદાનું પાણી આયોજનના અભાવે વેડફાઇ જતું હોય તો તંત્ર અને સમાજ ભેગા થઈને આચરેલું ગુનાહિત કૃત્ય લાગે છે. આ સાચા અર્થમાં કરદાતાના પૈસાનો વ્યય છે, જેનો વાંધો દરેક નાગરિકને પડવો જોઈએ. આ પ્રશ્ન તાત્કાલિક ઉપાય માંગી લે છે. અગરિયા હિતરક્ષક સમિતિ નામક બિનસરકારી સંસ્થાના આ વિસ્તારમાં કામ કરે છે.

તેમના કાર્યકર્તાના કહેવા અનુસાર સરદાર સરોવર નિગમ અને ગુજરાત સરકારે તાજેતરમાં  આ માટે એક સમિતિની રચના તૈયાર કરવાની મંજૂરી આપી છે જે રાહતની વાત છે. આ સમિતિમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાત હશે, જેમાં બંધનાં પાણીનાં આયોજન,ખારાપટની જમીનની સંરચના સમજનાર ભૂસ્તરશાસ્ત્રી, સમાજશાસ્ત્રી તેમજ સામાજિક કાર્યકર હશે. સમિતિનાં સૂચનો આધારિત ઝડપથી નિર્ણય લેવાય, જેથી ખેડૂતોને મહત્તમ પાણી મળે, અગરિયાને થતું નુકસાન અટકે અને રણમાં વેડફાઇ જતું પાણી બચે.
નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top