World

PM ઓલી પછી નેપાળના રાષ્ટ્રપતિ પૌડેલે પણ રાજીનામું આપ્યું, ભૂતપૂર્વ PMના પત્નીને જીવતા સળગાવ્યા

નેપાળમાં હિંસક ઘટનાઓ વચ્ચે વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ પદ પરથી રાજીનામું આપ્યું છે. એક સૈન્ય હેલિકોપ્ટર તેમને અજાણ્યા સ્થળે લઈ ગયું છે. આ પછી તરત જ રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલે પણ રાજીનામું આપ્યું છે. રાજધાનીમાં પરિસ્થિતિ ખૂબ જ તંગ છે અને સુરક્ષા દળો પરિસ્થિતિને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહ્યા હોય તેવું લાગે છે.

નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે રાજીનામું આપ્યું
યુવાનોના હિંસક આંદોલન બાદ નેપાળમાં પરિસ્થિતિ સતત બગડી રહી છે. વડા પ્રધાન કેપી ઓલીના રાજીનામા પછી હવે નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે પણ રાજીનામું આપી દીધું છે.

દેશમાં હિંસક વિરોધ પ્રદર્શનોએ પરિસ્થિતિ વધુ ખરાબ કરી છે. વિરોધીઓએ ભૂતપૂર્વ પીએમ ઝાલનાથ ખનાલના ઘરને આગ ચાંપી દીધી. તેમના પત્ની રાજ્યલક્ષ્મી ચિત્રકર ઘરમાં હતા. તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક કીર્તિપુર બર્ન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.

રાજધાની કાઠમંડુ અને આસપાસના વિસ્તારોમાં અથડામણ અને આગચંપીમાં અત્યાર સુધીમાં 22 લોકો માર્યા ગયા છે, જ્યારે 400 થી વધુ લોકો ઘાયલ થયા છે. વિરોધીઓએ સંસદ ભવનને આગ ચાંપી દીધી હતી અને વડા પ્રધાન કેપી શર્મા ઓલી, રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલ અને ગૃહમંત્રીના ખાનગી નિવાસસ્થાનો પર પણ હુમલો અને તોડફોડ કરી હતી.

ગુસ્સે ભરાયેલા યુવાનોએ ભૂતપૂર્વ વડા પ્રધાન શેર બહાદુર દેઉબાના ઘરમાં ઘૂસીને તેમને માર માર્યો હતો જ્યારે નાણામંત્રી બિષ્ણુ પૌડેલનો કાઠમંડુમાં તેમના ઘર પાસે પીછો કરીને માર મારવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં એક પ્રદર્શનકારી તેમની છાતીમાં લાત મારતો જોવા મળે છે.

આ દરમિયાન પ્રદર્શનકારીઓએ ભૂતપૂર્વ વડા પ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’, શેર બહાદુર દેઉબા અને સંદેશાવ્યવહાર પ્રધાન પૃથ્વી સુબ્બા ગુરુંગના ઘરોને પણ આગ ચાંપી દીધી હતી.

Most Popular

To Top