સુરત શહેર – જિલ્લામાં અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે બુધવારે વહેલી સવારથી શહેરનાં મોટા ભાગનો વિસ્તારોમાં ગણતરીનાં સમયમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં જળભંબાકારની સ્થિતિ સર્જાવા પામી હતી.
ખાસ કરીને કતારગામ અને વરાછાના મોટા ભાગના વિસ્તારોમાં બબ્બે ફુટ સુધી પાણી ભરાતાં રાહદારીઓથી માંડીને વાહન ચાલકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જહાંગીરપુરામાં સ્વામિવિવેકાનંદ કોલેજમાં પાણી ભરાઈ જતા રજા આપી દેવાઈ હતી.
બીજી તરફ ઉપરવાસમાં પણ અવિરત વરસાદ વચ્ચે ઉકાઈ ડેમની સપાટી સિઝનમાં પહેલી વખત રૂલ લેવલની લગોલગ પહોંચી ચુકી છે. જેને પગલે હાલમાં ઉકાઈ ડેમમાં ઈનફુલો જેટલું પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે કોઝવે ઓવરફ્લો થતાં તાપી નદી બંને કાંઠે ખળખળ વહેતી જોવા મળી રહી છે.
બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
આગામી બે દિવસ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સ્થિતિમાં આજે સવારથી જ સુરત શહેરમાં વધુ એક વખત મેઘરાજાની ધબડાટી જોવા મળી હતી. વહેલી સવારથી જ ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું હતું.
સૌથી વધુ વરસાદ વરાછામાં પડ્યો
ફ્લડ કંટ્રોલ વિભાગનાં જણાવ્યા અનુસાર આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 32 મીમી, રાંદેર ઝોનમાં 55 મીમી, કતારગામમાં 49 મીમી, વરાછા ઝોન-એ અને બીમાં 2 ઈંચ કરતાં વધારે વરસાદ નોંધાયો હતો. આ સિવાય લિંબાયત ઝોનમાં 11 અને અઠવા તથા ઉધના ઝોનમાં અનુક્રમે બે અને ત્રણ મીમી વરસાદ નોંધાયો છે. શહેરનાં રાંદેર, કતારગામ અને વરાછા વિસ્તારમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબકતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાવા પામી હતી.
સુરત જિલ્લામાં પણ ભારે વરસાદ
સુરત જિલ્લાનાં માંગરોળમાં 45 મીમી, ઉમરપાડામાં 29 મીમી અને ચોર્યાસીમાં 33 મીમી જયારે કામરેજમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય અન્ય તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદી ઝાંપટાને બાદ કરતાં સરેરાશ ત્રણથી પાંચ મીમી વરસાદ નોંધાયો હતો.
ઓલપાડના સાયણ બજારમાં પાણી ભરાયા
સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઓલપાડના સાયણ બજાર તેમજ સાયણ ગામમાં પાણી ભરાયા છે. વરસાદી પાણીનો નિકાલ નહીં થવાંથી ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યા ઉદભવે છે. તેમ છતાં કોઈ સમાધાન થતું નથી. હાલ રોડ નું કામ પૂર્ણ થયું પણ વરસાદી પાણીનો નિકાલ ન થતાં લોકોને હાલાકી વધી ગઈ છે. ત્યારે ઝડપથી સમસ્યાનું નિરાકરણ આવે તેવી લોકો માગ કરી રહ્યાં છે.
ઉકાઈ ડેમ રૂલ લેવલની લગોલગ
ચોમાસાની સિઝનનાં પ્રારંભ સાથે જ સુરતીઓ ઉકાઈ ડેમની સપાટી પર હંમેશા ચાંપતી નજર રાખતાં હોય છે. સુરત શહેર અને જિલ્લાની 70 લાખની વસ્તીને બારે મહિનાં પીવાના પાણી સાથે અસંખ્ય ઔદ્યોગિક એકમો માટે જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટી હવે રૂલ લેવલની લગોલગ પહોંચી ચુકી છે. જેને પગલે ડેમનાં અધિકારીઓ પણ સાબદાં બની ચુક્યા છે.
હાલમાં ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ 345 ફુટની સામે 344.75 ફુટે પહોંચી છે અને ઉકાઈ ડેમનાં ઉપરવાસમાં સતત વરસાદ વચ્ચે ડેમમાં ઈનફ્લો 1.25 લાખ કયુસેકને પાર પહોંચ્યો છે.
અલબત્ત, ડેમનાં સત્તાધીશો દ્વારા હાલમાં પાણીનો સંગ્રહ કરવાને બદલે રૂલ લેવલ જાળવી રાખવાની સાથે – સાથે તાપી નદીમાં ઈનફ્લો જેટલું જ 1.25 લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકથી એક લાખથી વધુ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવાને કારણે તાપી નદીની સપાટીમાં પણ ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે
આ સ્થિતિમાં સુરત મહાનગર પાલિકા માટે માથાનો દુઃખાવો બનતી જળકુંભી પણ તાપીનાં ધસમસતાં પ્રવાહમાં તણાઈ જતાં તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. સિઝનમાં પહેલી વખત કોઝ-વે ઓવર ફ્લો થતાં નયનરમ્ય નજારો સર્જાયો છે.