૭૫ વર્ષના સ્ટ્રીક,સ્વભાવે કંજૂસ કહી શકાય તેવા બિઝનેસમેન દિવ્યકાંત મહાજન વકીલને મળીને ઘરે આવ્યા અને ઘરે આવીને પત્નીને કહ્યું, ‘તારું ફેવરીટ ફોરેન વેકેશન ડેસ્ટીનેશન કયું છે? આપણે આવતા અઠવાડિયે ત્યાં ફરવા જઈએ છીએ.’ પત્ની નીનાબહેનને નવાઈ લાગી કે ક્યારેય કોઈ નાના વેકેશન માટે કે યાત્રા માટે તૈયાર ન થનારા આ મારા પતિદેવ ફોરેન વેકેશનની વાત કરે છે.
નીનાબહેન બોલ્યાં, ‘તમે મજાક કરો છો?’ દિવ્યકાંતભાઈ બોલ્યા, ‘ના ,બિલકુલ મજાક કરતો નથી.તું બોલ, કયાં જવું છે પેરીસ કે સિંગાપુર? જલ્દી ફાઈનલ કર એટલે ટ્રાવેલ એજન્ટને કહી દઉં. કાલે સાંજે આપણે શોપિંગ પર જઈશું.’ નીનાબહેનને પતિના આ વર્તન ને વ્યવહારમાં આવેલો બદલાવ કંઈ સમજાયો નહિ.તેઓ ચા અને નાસ્તો લઈને આવ્યાં અને ચા પીતાં પીતાં પતિને પૂછ્યું, ‘સાંભળો ,ખરાબ ન લગાડતાં પણ તમને તો ફરવા જવું તે ખોટો ખર્ચો લાગતો હતો. આમ તો ક્યાંય આપણા દેશમાં ફરવા ગયા નથી અને અત્યારે સીધા ફોરેન ડેસ્ટીનેશનની વાત કરો છો?’
જિંદગી આખી બહુ મહેનત કરી પૈસા ક્માનાર અને ન વાપરનાર દિવ્યકાંત મહાજન બોલ્યા, ‘નીના, આજે એક અલગ જ અનુભવ લઈને આવ્યો છું.વકીલને ત્યાં ગયો હતો. મારું વિલ બનાવવા માટે.વકીલે વસિયત લખી.બધી સંપત્તિ લખી અને બધા હક ધરાવતા વારસદારોનાં નામ લખ્યાં.તારું ..સંતાનોનું ..તેમનાં સંતાનોનું નામ હતું. બસ, એક જ નામ હકદારોમાં ન હતું તે હતું મારું નામ! એટલે, જયારે મેં વસિયત લખી ત્યારે સમજાયું કે અત્યાર સુધી મહેનત કરીને પૈસા કમાયો અને સખત મહેનત બાદ મળેલા પૈસા વાપરતાં જીવ ન ચાલતો એટલે ભેગા જ કરતો રહ્યો અને આ ભેગી કરેલી સંપત્તિ પર મારો કોઈ હક નહિ રહે.એટલે મેં એક વાત નક્કી કરી છે.’
નીનાબહેને પૂછ્યું, ‘શું નક્કી કર્યું છે તમે ?’ દિવ્યકાંતભાઈ બોલ્યા, ‘નીના, મને સમજાઈ ગયું કે જેટલું ભેગું કરીશ એની પર તો મારી પાછળ વારસદારોનો હક કહેવાશે પણ જેટલું જીવતાંજીવત વાપરીશ, જે આનંદ મેળવીશ અને તને આપીશ તેની પર મારો હક રહેશે. નીના, હું સમજી ગયો છું કે ભેગી કરેલી સંપત્તિ તો પાછળ રહી જશે અને જીવન હવે થોડું રહ્યું છે તે ગમે ત્યારે પૂરું થઈ જશે એટલે આજથી જ નક્કી કર્યું છે કે આપણા બાદ ભલે સંપત્તિ બાળકોને મળે પણ જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી આ સંપત્તિનો યોગ્ય ઉપયોગ કરીશ.જીવનને માણવા માટે..ખુશી મેળવવા અને તને ખુશી આપવા માટે…સમાજનું ઋણ ચુકવવા માટે…જરૂરિયાતમંદને કંઇક આપીને મનની ખુશી મેળવવા માટે.’ નીનાબહેન પતિના વિચારોમાં બદલાવ જોઇને રાજી થયાં.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.