વડોદરા: પાલિકા દ્વારા હાલ વડોદરા શહેરમાં ઠેર ઠેર દબાણ દુર કરવાની ઝુંબેશ ચાલી રહી છે. તેવામ આજ રોજ વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા રણમુક્તેશ્વર મહાદેવ પાસેની રૂક્ષ્મણી સોસાયટીના કોમન પ્લોટમાં પાલિકાના મંજૂર નકશા વિરુદ્ધ વર્ષો અગાઉ બનાવેલા પાકા બાંધકામ બાબતે સ્થાનિક રહીશ હાઇકોર્ટમાં કેસ હારી જતા પાલિકા દ્વારા આ ગેરકાયદે પાકા બાંધકામ પર વાડી પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં બુલડોઝર ફેરવી દેવાયું હતું.
પાલિકાના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા રણમુક્તેશ્વર મહાદેવ રોડ પર આવેલ રૂક્ષ્મણી સોસાયટીના કોમન પ્લોટમાં કેટલુંક પાકું બાંધકામ કરી દેવાયું હતું. પાલિકાના મંજૂર થયેલા નકશા વિરુદ્ધના આ ગેરકાયદે દબાણનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. વર્ષોથી ચાલતા આ ડેસ બાબતે ગેરકાયદે દબાણ કરનારના કેસનો ચુકાદો હાઇકોર્ટમાં તેની વિરુદ્ધમાં આવ્યો હતો.
બીજી બાજુ પાલિકા દ્વારા આ ગેરકાયદે દબાણ તોડી નાખવા બાબતે વાડી પોલીસ સ્ટેશનના સ્ટાફના બંદોબસ્ત અંગે માંગણી કરવામાં આવી હતી. પાલિકાની દબાણ શાખાએ રૂક્ષ્મણી સોસાયટીના કોમન પ્લોટમાં મંજુર થયેલા નકશા વિરુદ્ધનું ગેરકાયદે દબાણ ટીડીઓ ઇન્સ્પેક્ટરની આગેવાની હેઠળ તાત્કાલિક ધોરણે હટાવવાની કામગીરી દબાણ શાખાએ બુલડોઝરથી તાત્કાલિક ધોરણે તોડી પાડ્યું હતું. વર્ષોથી થયેલા ગેરકાયદે બાંધકામને દૂર કરાતો જોવા સ્થાનિક રહીશોના ટોળાં ઘટના સ્થળે એકત્ર થયા હતા. પરંતુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ અંગે તૈનાત પોલીસે ફરજ બજાવી હતી.