SURAT

સુરત: પતિને છોડ્યા બાદ પ્રેમી સાથે લિવઈનમાં રહેતી પ્રેમિકા તેના રૂપિયા લઈ બીજા પ્રેમી સાથે ભાગી ગઈ

સુરત: વેડરોડ વિરામનગર સોસાયટીમાં રહેતા યુવકને ભાડુઆત મહિલાએ પ્રેમજાળમાં ફસાવી હતી અને તે પોતાના બે બાળકો સાથે યુવક સાથે રહેવા લાગી હતી. દરમિયાન યુવકના એક મકાન વેચાણના રોકડા 96.44 લાખ ઘરમાં મુક્યા હતા, ત્યારે મહિલા નાટક રચીને તેના પ્રેમી સાથે મળીને આ રોકડ ચોરી કરી નાસી ગઈ હતી. ચોકબજાર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • લુંટેરી દુલ્હન પછી હવે લૂંટેરી પ્રેમિકા! પ્રેમી સાથે મળી યુવાનના 96.44 લાખ ચોરી ફરાર
  • ભાડુઆત મહિલાએ વેડરોડના યુવાનને પ્રેમજાળમાં ફસાવ્યો અને પતિને છુટાછેડા આપી દઈશ તેવું કહીં પોતાના બે બાળકો સાથે તેના ઘરે રહેવા આવી ગઈ
  • શરૂઆતમાં પ્રેમી મળવા આવતો હતો, બાદમાં પ્રેમી સાથે બ્રેકઅપ થયાની વાત કરીને વિશ્વાસ સંપાદન કર્યો
  • પહેલા બાળકોને મુકવા યુવકને મોકલ્યો ને બાદમાં પ્રેમિકા ઘરમાંથી મકાન વેચાણની રોકડ ચોરી પ્રેમી સાથે ભાગી છૂટી

ચોકબજાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેડરોડ વિરામનગર સોસાયટી સિધ્ધિ વિનાયક ઍપાર્ટમેન્ટમાં રહેતા 37 વર્ષીય દીલીપભાઈ ધનજીભાઈ ઉકાણી, છુટક મજુરી કામ કરે છે અને છેલ્લા એક વર્ષથી તેમની પત્ની તેનાથી અલગ પિયરમાં રહે છે. દરમિયાન દીલીપભાઈએ ગઈકાલે જયશ્રી દિનેશ ભગત (ઉ.વ.29) અને તેના પ્રેમી શુભમ સમાધાન મિસલ (ઉ.વ.30)ની સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓ કતારગામ કુષ્ણકુંજ સોસાયટીના મકાનમાં ભાડે રહેતા હતા, ત્યારે તેમને જયશ્રી સાથે પ્રેમ સંબંધ થતા બંને જણા સાથે રહેવા લાગ્યા હતા. જયશ્રીના બંને દીકરાઓ પણ સાથે રહેતા હતા. જયશ્રીએ દીલીપભાઈને તેના પતિ દિનેશ સાતે છુટાછેડા લઈ તેની સાથે લગ્ન કરવાનું કહ્યું હતું. જેથી દીલીપ, જયશ્રી અને તેના દીકરાઓને લઈને સિધ્ધિ વિનાયક ઍપાર્ટમેન્ટના ફ્લેટમાં ભાડેથી રહેવા આવ્યો હતો. સાથે રહેવા આવ્યા બાદ પણ તેનો પ્રેમી શુભમ અવાર નવાર મળવા માટે આવતો હતો. આ અંગે પુછતા શુભમ સાથે બ્રેકઅપ થયુ હોવાનું કહ્યા બાદ શુભમે ઘરે આવવાનું બંધ કરી દીધું હતું.

23 જાન્યુઆરીએ દીલીપે તેનું કૃષ્ણુકંજ સોસાયટીનું મકાન વેચતા તેના 96.44 લાખ રૂપિયા આવ્યા હતા. આ પૈસા તેણે ઘરમાં જ મુક્યા હતા. બાદમાં નાટક રચીને 31 જાન્યુઆરીએ જયશ્રીએ તેના બાળકોને ડભોલી ગામમાં તેના પિતાના ઘરે મુકી આવવાનું કહ્યું હતું.

દીલીપ સાથે બાળકોને લઈને રીક્ષામાં નીકળી ત્યારે પતિ ઘરે ન હોવાથી જયશ્રી પોતે ત્યાં ઉભી રહી હતી અને દીલીપને બાળકોને તેમના પિતા શાકભાજી માર્કેટમાં શાકભાજી વેચતા હશે ત્યાં મુકી આવવા મોકલ્યા હતા. પછી ત્યાંથી જયશ્રી નાસી ગઈ હતી. દીલીપભાઈએ ઘરે આવી ફોન કરતા મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો. જેથી તેને શંકા જતા ઘરે આવીને રોકડા મુકેલી કાળી અને લાલ બેગ ચેક કરતા ગાયબ હતી. જયશ્રી અને તેનો પ્રેમી શુભમ બંનેના મોબાઈલ બંધ હતા. જયશ્રી તેના પ્રેમી સાથે મકાન વેચાણના 96.44 લાખ રોકડા ચોરી કરી નાસી ગઈ હોવાની ફરિયાદ ચોકબજાર પોલીસે નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top