Gujarat

કોરોના કાળ બાદ મુખ્યમંત્રી રૂપાણી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં નેગેટિવ પ્રચાર શરૂ થયો હતો

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ અચાનક રાજીનામું ધરી દેતાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. જો કે, આ અણધાર્યું કે અચાનક ન કહેવાય. કારણ કે, કોરોના કાળ પછી જ મુખ્યમંત્રી વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં નેગેટિવ પ્રચાર શરૂ થયો હતો, અને પાર્ટીની અંદર જ નેતૃત્વ પરિવર્તનનો ગણગણાટ શરૂ થયો હતો.

આગામી વિધાનસભાની ચૂંટણીઓને જોતાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા ગુજરાતની પરિસ્થિતિ અંગે સમીક્ષાઓ કરવામાં આવી હતી, અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ચૂંટણી જીતી શકાય કે કેમ ? એ અંગેના સરવે રિપોર્ટ મંગાવવામાં આવ્યા હતા. ભાજપનાં આંતરિક વર્તુળો અને સૂત્રો દ્વારા જે સરવે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા, તેમાં એક વાત સ્પષ્ટ ઊભરી આવતી હતી કે, વિજય રૂપાણી વ્યક્તિગત રીતે ખૂબ સારા વ્યક્તિ છે.

પરંતુ લીડર તરીકે તેઓ ન ચાલે, અને જો આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વિજય રૂપાણીના નેતૃત્વમાં ચૂંટણી લડે તો માઠાં પરિણામો પણ આવી શકે તેમ છે. તેવો વ્યક્તિગત રીતે ખૂબ સારા છે, પરંતુ વ્યવસ્થાપન અને વહીવટીકર્તા તરીકે ન ચાલે તેવો એક સૂર પાર્ટીમાં જ ઊભો થયો હતો.

આ ઉપરાંત એવી પણ વાતો અનેક વખત વહેતી થઈ હતી કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકાર અને સંગઠન સાથે સંકલન સાધી શકતા નથી. મુખ્યમંત્રીની અધિકારીઓ ઉપર મજબૂત પકડ નથી. ખાસ કરીને અધિકારીઓ પોતાની મનમાની કરતા હોવાની છાપ ઉપસી આવતી હતી.


છેલ્લા ઘણા સમયથી સરકાર અને મુખ્યમંત્રી વિજય રૂપાણી વિરુદ્ધમાં નેગેટિવ પ્રચાર સોશિયલ મીડિયામાં ચલાવવામાં આવતો હતો. આ તમામ બાબતો ભાજપ સંગઠનને ધ્યાને હોવા છતાં ક્યારેય પણ તેઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક મજબૂત અને લડાયક નેતા હોવાનો બચાવ કરી તેઓના પોઝિટિવ પ્રચાર માટે પ્રયાસ કર્યો નથી. હંમેશાં સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીને નિષ્ફળ સાબિત કરવામાં આવી રહ્યા હતા.

Most Popular

To Top