નવસારી : ઉગત-ગોપલા રોડ પર આવેલા ફાર્મ હાઉસમાં સાફ સફાઈ કરવા આવેલા પતિએ પત્નીની હત્યા કરી લાશ બાથરૂમમાં મૂકી પોતાના વતન નાસી ગયો હતો. જે બાબતે આણંદના વડોદ ખાતે આરોપી પતિની ધરપકડ કરવા ગયેલી નવસારી પોલીસને જાણ થઈ હતી કે આરોપીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ત્યારે પતિએ પત્નીની હત્યા કરવા પાછળનું રહસ્ય પ્રકાશમાં આવ્યું ન હતું.
મળતી માહિતી મુજબ, ગત 7મીએ ઉગતથી ગોપલા ગામ તરફ જતાં રોડ ઉપર આવેલા શ્રી વરદાન ફાર્મ હાઉસ ખાતે નવસારીના ઘેલખડી પુનેશ્વર કોમ્પલેક્ષમાં જયપાલસિંહ ઉર્ફે મુન્ના વિજયભાનસિંહના ભાઈ સુશિલભાઈએ ફાર્મ હાઉસમાં ઉગેલી ઘાસ સાફ સફાઈ કરવા માટે નવસારી તાલુકાના સૂપા કુરેલ ગામે રહેતા ગણપતભાઈ રાયસિંહ પરમાર અને તેની પત્ની પદ્માબેનને બોલાવ્યા હતા. ત્યારબાદ તેઓને કામ બતાવી જયપાલસિંહ અને સુશિલભાઈ ત્યાંથી નીકળી ગયા હતા. દરમિયાન ગત 9મીએ જયપાલસિંહ ફાર્મ હાઉસ પર ગયા ત્યારે ફાર્મ હાઉસના ગેટ પર લોક માર્યું હતું.
જેથી જયપાલસિંહે કિરણ ફાર્મ હાઉસમાંથી વરદાન ફાર્મ હાઉસની ચાવી લઇ વેસ્મા ગામે રહેતા આનંદ કનુભાઈ પટેલ સાથે વરદાન ફાર્મ હાઉસમાં ગયા હતા. જ્યાં ફાર્મ હાઉસમાં મુખ્ય દરવાજો ખોલી પ્રવેશ કરતા હોલના નીચેના ભાગે લોહીના ડાઘા પડ્યા હતા. જેથી જે દિશામાં લોહીના ડાઘા પડ્યા હતા. ત્યાં જતાં બાથરૂમમાંથી પદમાબેનની લાશ મળી આવી હતી. અને ગણપત ફાર્મ હાઉસમાં દેખાયો ન હતો. જેથી જયપાલસિંહે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ગણપત પરમાર વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચે ગણપતભાઈ પરમારને શોધવા ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ કરી હતી. ત્યારે પોલીસને આરોપી ગણપતભાઈ પરમાર તેમના મૂળ વતન આણંદ વડોદ તરફ ગયેલાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસ વડોદ ખાતે જઈ તપાસ કરતા ગણપતભાઈ પરમારે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી નવસારી પોલીસે વાસદ પોલીસ મથકે જઈ આરોપી બાબતે તપાસ કરતા પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો દાખલ થયો હોવાનું સામે આવ્યું હતું.