અમદાવાદ: ભારતીય ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહને અંગત કારણોસર ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાંથી રિલીઝ કરી દેવાયા પછી તે લગ્ન કરવા માટે રજા પર ઉતર્યો હોવાના અહેવાલો આવ્યા હતા, ત્યારે હવે તેનું નામ જે દક્ષિણ ભારતીય અભિનેત્રી સાથે જોડાયુ છે અને જેની સાથે તે ડેટિંગ કરતો હોવાના અહેવાલો અગાઉ ચગ્યા હતા તે અનપમા રામેશ્વરમે પણ ફિલ્મોમાંથી થોડો સમય બ્રેક લીધો હોવાની જાહેરાત કરતાં આ બંને લગ્ન કરી રહ્યા હોવાની અફવાઓનું ઘોડાપુર જામ્યું હતું.
બુમરાહે અંગત કારણોનો હવાલો આપ્યા પછી પહેલા એવા તર્કવિતર્ક ચાલ્યા હતા કે તે ઘાયલ હોઇ શકે છે, પણ પછીથી બીસીસીઆઇના જ એક અધિકારીએ કહ્યું હતું કે બુમરાહે લગ્ન માટે રજા લીધી છે અને આ અઠવાડિયામાં જ તેના લગ્ન થઇ શકે છે. જો કે સામેનું પાત્ર કોણ છે તે હજુ જાહેર થયું નથી. આવા સમયે તેલુગુ અને મલયાલમ ફિલ્મોની અભિનેત્રી અનુપમાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને લખ્યું હતું કે ‘હેપ્પી હોલી ડે ટુ મી.’ તેની સાથે જ બંનેના લગ્નની વાતો ચાલી હતી.
તમને જાણવી દઈએ કે ગુરૂવારથી અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થઇ રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટમાં ફરી એકવાર સ્પિનરોને મદદરૂપ પીચ પર જ્યારે ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે મેદાને પડશે ત્યારે તેમની નજર લોર્ડસ ખાતે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ક્વોલિફાય કરવા પર સ્થિર હશે. સીરીઝમાં 2-1થી આગળ ચાલી રહેલી ભારતીય ટીમ આ ટેસ્ટ ડ્રો કરશે તો પણ તેઓ ફાઇનલમાં પ્રવેશી જશે, પણ જો ઇંગ્લેન્ડની ટીમ આ ટેસ્ટ જીતશે તો તેના કારણે ભારતીય ટીમ પણ ફાઇનલની રેસમાંથી આઉટ થઇ જશે અને તેના કારણે ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે ક્વોલિફાઇ કરી લેશે.
મેચ સવારે 9.30 વાગ્યાથી શરૂ થઇ જશે.
આ પ્રકારની મેચમાં ડ્રો હંમેશા સુરક્ષિત વિકલ્પ રહે છે, પણ આક્રમક વલણ અપનાવવા માટે જાણીતા વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી આ ટેસ્ટમાં સંરક્ષણાત્મક વલણ અપનાવવા નહીં જ માગે. કારણકે એમ કરવું ક્યારેક ભારે પણ પડી શકે છે. મોટેરાની પીચ પર રમાયેલી પિન્ક બોલ ત્રીજી ટેસ્ટમાં પ્રવાસી ટીમે ઘણી સમસ્યા વેઠી હતી અને તેના કારણે બે દિવસમાં જ તેઓ હારી ગયા હતા. ભારતીય વાઇસ કેપ્ટન અજિંકેય રહાણે અને ઇંગ્લેન્ડના બેટ્સમેન જેક ક્રાઉલી બંનેનું માનવું છે કે ચોથી ટેસ્ટ માટેની પીચ પણ છેલ્લી બે ટેસ્ટ જેવી જ લાગે છે, જો કતે ગુલાબી બોલની તુલનાએ લાલ બોલ પીચ પડ્યા પછી એટલો ઝડપથી નહીં આવે.