ભરૂચ: DGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી સામે વિરોધના વંટોળ વચ્ચે અંકલેશ્વરમાંથી મસમોટું વીજ બિલ સામે આવતા રહીશોમાં ભારે હડકંપ મચી ગઈ છે.
- મોબાઈલ પર બિલનો મેસેજ આવ્યો ને ગ્રાહકના હોશ ઊડી ગયા
- બિલમાં ક્ષતી આવી હશે, અમે રીવાઈઝ કરી આપીશું: ભરૂચ DGVCL સર્કલનાં સુપરિન્ટેન્ડન્ટ
અંક્લેશ્વર શહેરના સીમા્પાઉન્ડમાં રહેતા અને સામાન્ય પરિવારના પટેલ ઝુલેખા મોહમ્મદના મકાનમાં દક્ષિણ ગુજરાત વીજ નિગમ દ્વારા સ્માર્ટ મીટર બેસાડવામાં આવ્યું હતું. જોકે, સોમવારે રાત્રિના સમયે DGVCL દ્વારા વીજ ગ્રાહકને મોબાઈલમાં મેસેજ મારફતે જે બિલ મોકલવામાં આવ્યું હતું. તે બિલની રકમ રૂ.6.29 લાખ જોતાં જ મકાન માલિકના હોશ ઊડી ગયા હતા.
મકાન માલિકે જણાવ્યું હતું કે, આટલી મોટી રકમ જોઈને મને એકદમ જ ઝણઝણાટી ઊભી થઇ હતી. હજુ સ્માર્ટ મીટર આવ્યાને થોડા દિવસ થયા અને હજારોની જગ્યાએ લાખોનું બીલ પધરાવી દેતાં ગ્રાહકો હેરાન થઇ જાય છે. જો આવું બીલ આવે અને સિનિયર સિટીઝનને ધારો કે એટેક આવે તો તેના જવાબદાર કોણ…?
સોમવારે સવારે દક્ષિણ ગુજરાત વીજ નિગમ લિમિટેડની નવી કચેરી ખાતે પહોંચી આ મામલે રજૂઆત કરતા જાણવા મળ્યું કે આ બિલ સિસ્ટમ દ્વારા બનાવવામાં આવ્યું છે, અમારી કોઈ ભૂલ નથી. જે બાબતે ભરૂચ DGVCL સર્કલનાં સુપરિન્ટેન્ડેન્ટ એચ.આર. મોદી સાથે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ બિલમાં ક્ષતી આવી હશે, એને અમે રીવાઈઝ કરી આપીશું.
ઉલ્લેખનીય એ છે કે ભૂલના કારણે આટલું મોટું બિલ સામાન્ય માણસને આવતા જ પ્રશ્નો ઊભો થાય છે. વધુ એકવાર આટલું મોટું બિલ આવતા લોકોમાં ગભરાટ ફેલાયો જતો હોય છે.