ગુજરાત ભાજપનો ગઢ રહ્યો છે. છેલ્લા ત્રણ દાયકાથી અહીં ભાજપનું શાસન છે. ગુજરાત ભાજપ માટે પ્રયોગશાળા પણ રહી છે. કટોકટી મુદે્ લોકસભાના બીજી વાર સ્પીકર બનેલા ઓમ બિરલા હોય કે રાષ્ટ્રપતિ મુર્મુ, બંનેએ જે નિવેદન કર્યું એનો વિવાદ થયો પણ ગુજરાત કટોકટી વેળા વિરોધની ભૂમિ બની હતી. પણ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ત્રીજી વાર ભાજપ ૨૬ બેઠક ના જીતી શક્યો, એક બેઠક ગુમાવી પણ એક માત્ર રાજ્ય એવું બન્યું કે, જ્યાં ભાજપે બધી બેઠકો જીતી એ છે મધ્યપ્રદેશ.
મધ્યપ્રદેશમાં ભાજપે ૨૯ બેઠકમાંથી ૨૯ બેઠકો મેળવી. હિન્દી બેલ્ટમાં માત્ર આ જ રાજ્ય એવું રહ્યું જેણે ભાજપને ધાર્યું પરિણામ આપ્યું. હિન્દી બેલ્ટમાં તો ૪૯ બેઠકો ભાજપે ગુમાવી. ૨૦૦૪થી આ રાજ્યે ભાજપને સારો ટેકો કર્યો છે અને ૨૦૦૮થી ભાજપે વિધાનસભામાં પણ ઉજળો દેખાવ કયો છે. ગયા વર્ષે ફરી ભાજપ અહીં જીત્યો. ભાજપ માટે આ રાજ્ય ગઢ કેમ બન્યું એ જાણવું રસપ્રદ છે.
આજે દેશભરમાં ઓબીસી રાજનીતિની બોલબાલા છે પણ એની શરૂઆત મધ્યપ્રદેશમાં ભાજપે કરી હતી. એક સમયે અહીં દિગ્વિજયસિંહે સવર્ણ અને પછાતનાં સમીકરણોથી કોંગ્રેસની સત્તા અપાવી હતી પણ ૨૦૦૩માં ભાજપે અહીં ઓબીસીને મહત્ત્વ આપ્યું. અહીં ૫૦ ટકા ઓબીસીના મતો છે પણ એની જ્ઞાતિઓ વેરવિખેર. ભાજપે આ વાત ધ્યાને લીધી અને એને મહત્ત્વ આપ્યું અને એનું સારું પરિણામ મળ્યું. ૨૦૦૩માં અહીં ભાજપને ઓબીસીના ૭૩ ટકા મત મળ્યા હતા અને અહીં ભાજપે જે મુખ્ય મન્ત્રીઓ આપ્યા એ પણ જોઈ લો. ઉમા ભારતી , બાબુલાલ ગોર, શિવરાજસિંહ અને હવે મોહન યાદવ. આ બધા સીએમ ઓબીસી સમાજમાંથી આવે છે. શિવરાજ સિંહ ચાર વાર મુખ્યમંત્રી બન્યા અને હવે કેન્દ્રમાં કૃષિ મંત્રી બન્યા છે.
શિવરાજ સિંહે એમના શાસનમાં ખેતીને જે મહત્ત્વ આપ્યું એ ગેમ ચેન્જર બન્યું. કૃષિ માટે સિંચાઈથી માંડી ગ્રામ સડક સુધીનાં પગલાં લીધાં અને આ રાજ્યમાં ઓબીસી સમાજ ખેતી સાથે જોડાયેલો છે અને પરિણામ એ આવ્યું કે, ૨૦૦૭થી ૨૦૧૫ દરમિયાન આ રાજ્યમાં કૃષિ વિકાસ દર ૧૧.૯ ટકા રહ્યો ત્યારે દેશમાં વિકાસ દર ઘણો ઓછો હતો. આજે ઘઉં, ડુંગળી,મકાઈ ઉત્પાદનમાં મધ્યપ્રદેશ બીજા ક્રમે છે. મધ્યપ્રદેશમાં ભાજપની સફળતાનું એક મહત્ત્વનું કારણ સંઘ પણ છે. આર. આર. એસ. અહીં વર્ષોથી સક્રિય છે અને એનો ઈતિહાસ રોચક છે.
૧૯૪૩માં સંઘના માધવરાવ ગોલવલકર એમપીમાં સભા કરવા માગતા હતા પણ ત્યારે અંગ્રેજ શાસનમાં બહારનાં લોકોને મનાઈ હતી. ત્યારે એક અખાડા માલિકે એમના નામે જમીન કરી અને ત્યાં વર્ષો સુધી આયોજનો થતાં રહ્યાં. આ વેળા ય ચૂંટણીમાં બીજાં બધાં રાજ્યોમાં ભલે સંઘની નિષ્ક્રિયતા મોટા પ્રમાણમાં જોવા મળી પણ એમપીમાં સંઘની સક્રિયતા રહી અને એક વિચાર એવો ય છે કે, નાગપુરથી સંઘનું કાર્યાલય એમપીમાં ખસેડવું જોઇએ. મજાની વાત એ છે કે, ૨૦૦૪માં અહીં ભાજપને ૨૯માંથી ૨૫ બેઠકો મળી હતી અને ૨૦૦૯માં ભાજપની સત્તા ગઈ ત્યારે પણ કોંગ્રેસ કરતાં વધુ અને ૧૬ બેઠક મળી હતી. ૨૦૧૪ અને ૨૦૧૯માં ભાજપને અહીં ૫૦ ટકા મત મળેલા પણ ૨૦૨૪માં એ વધી ૬૦ ટકા થયા છે, જેમ ગુજરાતમાં આ કક્ષાએ ભાજપ પહોંચ્યો હતો. આ છે મધ્યપ્રદેશમાં ભાજપની સફળતાની કહાની.
નીતીશકુમાર ભાજપ માટે ગળાનું હાડકું
નીતીશકુમાર ભારતના રાજકારણમાં જરા જૂદું કેરેક્ટર છે. એ હારે છે અને લોકો સમજે છે કે, હવે પત્યું પણ નીતીશ ફરી બેઠા થઇ જાય છે. અલબત્ત આજે એમને પલટુ રામનું બિરુદ મળ્યું છે. એક વેળા એમને વિકાસ પુરુષ તરીકે ઓળખવામાં આવતા હતા. આ વેળા ય લોકસભામાં એમના ચાર બેઠક ઓછી મળી છે. ૧૨ જ બેઠક મળી. પણ નીતીશ આજે મોદી ૩.૦ની રચનામાં મુખ્ય સ્તભમાંનાં એક છે. નીતીશનાં ૧૨ સભ્યો ભાજપ માટે અતિ જરૂરી છે.
નીતીશનો ઈતિહાસ જુઓ તો એમાં ઉતાર-ચઢાવ આવતા રહ્યા છે. ૧૯૮૫માં એ પહેલી વાર ધારાસભામાં ચૂંટાયા પણ ૧૯૯૧માં લોકસભાની ચૂંટણી હાર્યા હતા. પછી સમતા પાર્ટી બનાવી બેઠા થયા. ૨૦૦૪માં કેન્દ્રમાં મંત્રી હતા પણ લોક્સભાની ચૂંટણી ફરી હાર્યા. પણ પછી વિધાનસભામાં સારી લીડથી જીત્યા. ભાજપ સાથે અને લાલુ યાદવ સાથે રહી એમણે મુખ્યમંત્રીની સીટ બચાવી રાખી છે અને આજે કેન્દ્રમાં ભાજપની જે સ્થિતિ છે એમાં નીતીશથી છેડાછૂટકો કરવો ભાજપ માટે મુશ્કેલ છે અને ત્યાં સુધી નીતીશકુમારના રાજકીય અસ્તિત્વને કોઈ ખતરો નથી. નવી સરકાર કઈ રીતે ચાલે છે અને એમાં નીતીશને કોઈ વાંધો પડે છે તો એ સરકારનો સાથ છોડે છે કે નહિ એ રસપ્રદ બનવાનું છે.
ગુજરાતમાં કોંગ્રેસ બેઠી થાય છે?
ગુજરાતમાં લોકસભાની એક બેઠક જીત્યા બાદ કોંગ્રેસમાં સંચાર થયો છે. ગેનીબેન ઠાકોરે ભાજપની હેટ્રિક કરવાની આશા પર પાણી ફેરવ્યું. શું આ જીત કોંગ્રેસને ગુજરાતમાં બેઠી કરી શકે એમ છે? ગુજરાતમાં કોંગ્રેસ પ્રમુખપદે શક્તિસિંહ ગોહિલ આવ્યા બાદ શું ફર્ક પડ્યો છે? ઉમેદવારની પસંદગી અને કોંગ્રેસ દ્વારા અપાયેલી લડતથી એમ સમજાય છે કે ફર્ક તો પડ્યો છે અને એમાં ય રાજકોટ ગેમઝોન કરુણાંતિકા સંદર્ભે કોંગ્રેસે જે બોલકો વિરોધ કર્યો છે એની નોંધ ભાજપે પણ લેવી પડે એમ છે.
રાજકોટમાં આ ઘટનામાં ભાજપના ભ્રષ્ટાચાર મુદે્ કોંગ્રેસે બરાબર લડત આપી છે. આક્રમક દેખાવો કર્યા અને એમાં કોન્ગ્રેસના બધા નેતાઓ સામેલ થયા. ગેનીબેન ઠાકોર પણ. ધરણાં થયાં ને આ ઘટનાના એક માસ નિમિતે શ્રધ્ધાંજલિ બંધનું એલાન એની સફળતા દર્શાવે છે કે, કોંગ્રેસમાં ઉત્સાહનો સંચાર થયો છે. જીગ્નેશ મેવાણી શક્તિસિંહ અને અન્યોએ રાજકોટમાં રહી દેખાવો કર્યા. રાજીવ ગાંધીએ વર્ચ્યુઅલી આ મુદે્ વાત આ કરી અને સંસદમાં પણ આ પ્રશ્ન ઉઠાવવાની વાત કરી અને ભાજપ બેકફૂટ પર જોવા મળ્યો અને હવે આવી બધી દુર્ઘટના મુદે્ અમદાવાદમાં દેખાવો કરવાનું નક્કી થયું છે. કોંગ્રેસ એક વિપક્ષ તરીકે જવાબદાર બને એ એમના માટે જ નહિ પણ ગુજરાત માટે પણ જરૂરી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.