National

ગુજરાત બાદ આંધ્ર-તેલંગાણા ડૂબ્યુ, 20ના મોત, 99 ટ્રેનો રદ્દ

નવી દિલ્હી: તેલંગાણા (Telangana) અને આંધ્રપ્રદેશમાં (Andhra Pradesh) સતત બે દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે બંને રાજ્યોમાં 20 લોકોના મોત થયા હતા. તેમજ બંને રાજ્યોના 14 જીલ્લાઓ પૂરગ્રસ્ત (Flood) થયા હતા, જેથી અહીંના લોકોની સ્થિતિ ખૂબ જ વણસી હતી અને જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું હતું.

તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પાછલા બે દિવસથી સતત સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા હતા. તેમજ અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આટલું જ નહીં પણ સતત વરસાદના કારણે રેલવે સેવા પણ પ્રભાવિત થઈ છે. દક્ષિણ મધ્ય રેલવેના જણાવ્યા મુજબ, ભારે વરસાદ અને ઘણી જગ્યાએ ટ્રેક પર પાણી ભરાવાને કારણે 99 ટ્રેનો રદ્દ કરવામાં આવી હતી અને ચાર ટ્રેન આંશિક રીતે રદ્દ કરવામાં આવી હતી, જ્યારે 54 ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી હતી.

પીએમ મોદી અને અમિત શાહે સ્થિતિનો તાગ મેળવ્યો
આંધ્ર-તેલંગાણાની વણસી રહેલી સ્થિતિને પગલે પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આંધ્રપ્રદેશના મુખ્ય મંત્રી એન ચંદ્રબાબુ નાયડુ અને તેલંગાણાના મુખ્ય મંત્રી એ રેવંત રેડ્ડી સાથે વાત કરી હતી. તેમજ તેમણે વરસાદ અને પૂરની સ્થિતિમાં કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી હતી.

સમગ્ર મામલે તેલંગાણાના મહેસૂલ મંત્રી પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડીએ જણાવ્યું હતું કે સમયસર લેવાયેલા સાવચેતીના પગલાંને કારણે જાનમાલનું નુકસાન ઓછું થયું છે. જો કે આગાઉથી સાવચેતી રખાઇ હોવા છતા રાજ્યના જુદા જુદા ભાગોમાં વરસાદને કારણે નવ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેમજ સૂર્યપેટ, ભદ્રાદ્રી કોથાગુડેમ, મહબૂબાબાદ અને ખમ્મામ જેવા અન્ય જિલ્લાઓમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી પૂરથી પ્રભાવિત સ્થાનિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.

સીએમ ચંદ્રબાબુ નાયડુ કહ્યું..
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કહ્યું હતું કે 14 જિલ્લાઓમાં 94 સ્થળોએ સાતથી 12 સેમી વરસાદ પડ્યો હતો. તેમજ પૂરનું પાણી જે કોલેરુ તળાવ તરફ વાળવાનું હતું તેને વિજયવાડા તરફ વાળવામાં આવ્યું અને પરિણામે શહેરમાં પૂર આવ્યું હતું. નાયડુએ કહ્યું, “અમે રેતીની થેલીઓ અને અન્ય માધ્યમોથી પ્રકાશમ બેરેજના ડાઉનસ્ટ્રીમ વિસ્તારોમાં સુરક્ષા વધારી રહ્યા છીએ અને જિલ્લા મેજિસ્ટ્રેટને પણ એલર્ટ કર્યા હતા. વરસાદથી પ્રભાવિત 17,000 લોકોને 107 રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. બીજી બાજુ રાજ્યમાં 1.1 લાખ હેક્ટરથી વધુ કૃષિ વિસ્તાર અને 7,360 હેક્ટર બાગાયત વિસ્તારને નુકસાન થયું છે.

Most Popular

To Top