Madhya Gujarat

ચકલાસીના જમીન કાૈભાંડમાં પૂર્વ પ્રમુખ બાદ અધિકારીઆે પણ સંડાેવાયાની શંકા

નડિયાદ: નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંજયભાઈ દેસાઈએ ખોટા ડોક્યુમેન્ટના આધારે ચકલાસી ગામની સીમમાં આવેલ કરોડો રૂપિયાની ખેતીલાયક જમીન પોતાના નામે કરી દીધી હોવાનો મામલો હવે પોલીસમથકે પહોંચ્યો છે. આ મામલે અરજદારની ફરીયાદને આધારે પોલીસે જમીન કૌભાંડના મુખ્ય સુત્રધાર સહિત કુલ નવ વ્યક્તિઓ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામમાં આવેલ નયા દરવાજા વિસ્તારમાં રહેતાં શ્વેતલભાઈ નિતીનભાઈ પટેલ ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓનાં ખેતરને અડીને ચકલાસી સીમ સર્વે નં 542 વાળી જમીન આવેલી છે. 7/12 ની નકલ મુજબ આ જમીન પા.હરમાનભાઈ ત્રિકમભાઈ, પા.ડાહ્યાભાઈ ત્રિકમભાઈ અને પા.છોટાભાઈ ત્રિકમભાઈની માલીકીની હતી. જોકે, આ ત્રણેય ખેતરમાલિકો વર્ષોથી વિદેશમાં સ્થાયી થયાં હોવાથી, તેમની જમીન ઉદાભાઈ આશાભાઈ જાદવ, રાવજીભાઈ આશાભાઈ જાદવ અને દેસાઈભાઈ આશાભાઈ જાદવ (તમામ રહે.જાદવપુરા, ચકલાસી) ખેડતાં હતાં. જે પૈકી રાવજીભાઈ અને દેસાઈભાઈનું અવસાન થયું હતું.

જેથી અત્યારે, ફક્ત ઉદાભાઈ જ આ જમીન ખેડતા હતાં. જોકે, દોઢેક મહિના અગાઉ મેમાભાઈ લાલજીભાઈ રબારી (રહે.ઉત્તરસંડા) નામનો શખ્સ ચકલાસી સીમ સર્વે નં 542 વાળી જમીનમાં આવી ચડ્યો હતો અને ઉદાભાઈને જમીનનો કબ્જો છોડવા દબાણ કરવા લાગ્યો હતો. ઉદાભાઈએ કબ્જો છોડવા આનાકાની કરતાં, ઉશ્કેરાયેલાં મેમાભાઈએ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. તેમજ તમે હજુ સંજય ભાસ્કરને ઓળખતાં નથી, જેલમાં જવાનો વારો આવશે તેમ કહીને મેમાભાઈ રબારી ત્યાંથી જતો રહ્યો હતો.

ખેતપાડોશી શ્વેતલભાઈએ આ તમાશો નજરે નિહાળ્યો હતો. જેથી તેઓએ તુરંત જ ઉદાભાઈ પાસે જઈને સમગ્ર બાબતે પુછપરછ કરી હતી. જેમાં આ જમીનના માલિક અહીંયા હાજર ન હોવાછતાં આ જમીન નડિયાદના કોઈ સંજય ભાસ્કર નામના વ્યક્તિએ વેચાણ લીધી હોવાનું ઉદાભાઈએ જણાવ્યું હતું. જેથી શ્વેતલભાઈ આ વાતની ખરાઈ કરવા માટે મેમાભાઈ રબારીને મળ્યાં હતાં. દરમિયાન જમીનના મુળ માલિકોએ બે દિવસ પહેલાં જ આ જમીન સંજયભાઈ ભાસ્કરભાઈ દેસાઈને વેચાણ કરી હોવાનું મેમાભાઈએ જણાવ્યું હતું અને તેના દસ્તાવેજની નકલ પણ શ્વેતલભાઈને આપી હતી.

શ્વેતલભાઈએ આ દસ્તાવેજની નકલની જીણવટભરી તપાસ કરતાં, આ જમીનના મુખ્ય માલિકના ભળતા નામવાળા ત્રણ વ્યક્તિઓના બોગસ આધારકાર્ડ બનાવી, તેની મદદથી સંજયભાઈ દેસાઈએ પોતાના નામે પાવર ઓફ એટર્ની કરી હતી અને આ પાવર ઓફ એટર્ની થકી સંજયભાઈએ આ જમીન પોતાના નામે કરી દીધી હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી, શ્વેતલભાઈએ આ જમીનમાં થયેલ કૌભાંડ બાબતે જિલ્લા જમીન તકેદારી સમિતીમાં રજુઆત કરી હતી અને તેના પુરાવા પણ રજુ કર્યાં હતાં.

જેની તપાસમાં આ દસ્તાવેજમાં બોગસ ડોક્યુમેન્ટનો ઉપયોગ થયો હોવાનું જણાતાં, જિલ્લા તકેદારી સમિતીએ અરજદારને આ મામલે પોલીસમાં ફરીયાદ આપવા જણાવ્યું છે. જેના આધારે અરજદાર શ્વેતલભાઈ પટેલે જમીન કૌભાંડનો મુખ્ય સુત્રધાર સંજય ભાસ્કર દેસાઈ, પાવર ઓફ એટર્ની માટે ત્રણ માણસો ઉભા કરનાર સલુણ તળપદના ડે.સરપંચ હેતુલ અશ્વિન પટેલ, મુળ માલિકના નામ ધારણ કરી પાવર ઓફ એટર્નીમાં ખોટી સહી કરનાર શેહબાજ નાસીર મલેક, પ્રવિણ છોટાલાલ પટેલ, વિહારી, ખોટી પાવર ઓફ એટર્ની કરનાર વકીલ પારૂલબેન ડી.દવે, જમીન ખાલી કરાવવા માટે ધમકીઓ આપનાર મેમા લાલજી રબારી ઉપરાંત ખોટા આધારકાર્ડ સહિત અન્ય ડોક્યુમેન્ટ બનાવનાર અને સરકારી નિતી-નિયમનો ભંગ કરી દસ્તાવેજ નોંધણીમાં મદદગારી કરનાર વિરૂધ્ધ ચકલાસી પોલીસમથકમાં ફરીયાદ આપી છે. જેના આધારે પોલીસે તમામ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સલુણ તળપદના ડેપ્યુટી સરપંચના કહેવાથી પાવર આેફ અટર્ની બની
ફરીયાદી શ્વેતલભાઈએ તપાસ કરતાં, પાવર ઓફ એટર્નીમાં અનું નં 3 તરીકે છોટાભાઈ ત્રિકમભાઈ પટેલનો આધારકાર્ડ નંબર 20047 5482 3845 છે. હકીકતમાં આ આધારકાર્ડ નંબર ધરાવનાર વ્યક્તિ પ્રવિણભાઈ છોટાભાઈ પટેલ (રહે.સ્વામિનારાયણ ખડકી, સલુણ તળપદ, તા.નડિયાદ) છે. આ પ્રવિણભાઈની પુછપરછ કરતાં, તેઓએ પાવર ઓફ એટર્નીમાં નં 1 તરીકે રહેનાર વ્યક્તિને ફોટો જોઈને, તે મરણ ગયેલ હોવાનું જણાવ્યું હતું. જ્યારે, અનું નં 2 વાળો ફોટો વિહારીભાઈ (રહે.અમદાવાદ) નો હોવાનું ઓળખી બતાવ્યું હતું. તેમજ આ પાવર ઓફ એટર્ની સલુણ તળપદના ડેપ્યુટી સરપંચ હેતુલ અશ્વિનભાઈ પટેલના કહેવાથી ત્રણેય જણાંએ કરી હોવાનુ કબુલ્યું હતું.

જમીનના દસ્તાવેજ અને પુરાવાઓમાં જણાઈ આવેલ ગેરરીતી
આ દસ્તાવેજ રજીસ્ટર્ડ નં 6613/23 તા.15-6-23 ના રોજ થયેલ છે. જેમાં વેચાણ લેનાર તરીકે સંજય ભાસ્કર દેસાઈ તથા વેચાણ કરનાર પા.હરમાનભાઈ, પા.ડાહ્યાભાઈ અને પા.છોટાભાઈના પાવર ઓફ એટર્ની હોલ્ડર તરીકે સંજય ભાસ્કર દેસાઈ જ હતાં. આમ, જમીન લેનાર તથા વેચનાર બંને વ્યક્તિ એક જ હતાં.
આ કામના પાવર આપનાર તરીકે પા.હરમાનભાઈ, પા.ડાહ્યાભાઈ અને પા.છોટાભાઈ દર્શાવેલ હતાં. જોકે, આ ત્રણેય વ્યક્તિઓ વર્ષોથી ઉત્તરસંડા કે સલુણ તળપદ ગામમાં રહેતાં જ નથી.
આ જમીનના 7/12 ની નકલમાં માલિક તરીકે પા.હરમાનભાઈ ત્રિકમભાઈ, પા.ડાહ્યાભાઈ ત્રિકમભાઈ અને પા.છોટાભાઈ ત્રિકમભાઈના નામ વર્ષોથી ચાલી આવે છે. પરંતુ, દસ્તાવેજમાં આ ત્રણેયના પાવર ઓફ એટર્નીને બદલે પટેલ હરમાનભાઈ ત્રિકમભાઈ, ડાહ્યાભાઈ ત્રિકમભાઈ પટેલ અને છોટાભાઈ ત્રિકમભાઈ પટેલના નામ સાથે પાવર સંજય ભાસ્કર દેસાઈને આપેલ હોવાનું જણાવ્યું છે.
પટેલ હરમાનભાઈ ત્રિકમભાઈ, ડાહ્યાભાઈ ત્રિકમભાઈ પટેલ અને છોટાભાઈ ત્રિકમભાઈ પટેલના પાવર ઓફ એટર્ની તરીકે જે ફોટા, આધારકાર્ડ અને સહીઓ દસ્તાવેજમાં થયેલ છે, તે ત્રણેય પાવર ઓફ એટર્ની હોલ્ડર વ્યક્તિઓ ગામમાં રહેતાં જ નથી. તેમજ તેમના ઓળખના પુરાવા તરીકે રજુ કરવામાં આવેલ આધારકાર્ડના નંબર પણ અમાન્ય હોવાનું ધ્યાને આવ્યું છે.
દસ્તાવેજ સમયે રજુ કરેલ જનરલ પાવર ઓફ એટર્ની જોતાં તેમાં નોટરી પારૂલ.ડી.દવે સમક્ષ આ કામના પાવર આપનાર ત્રણેય જમીન માલિકોએ ફોટા-સહીઓ કરેલાની હકીકત જણાવેલ હતી. પરંતુ, આવા કોઈ વ્યક્તિના ઓળખના પુરાવા જોયા વિના જ નોટરી પાવર ઓફ એટર્ની કરી આપેલ હોય તેમ જણાઈ આવે છે.
જમીનના મુળ માલિક પા.હરમાનભાઈ ની ઉંમર 74, પા.ડાહ્યાભાઈની ઉંમર 71 અને પા.છોટાભાઈની ઉંમર 76 દર્શાવેલ છે. પરંતુ, પાવર ઓફ એટર્ની કરી આપનાર તરીકે દર્શાવેલ પટેલ હરમાનભાઈ ત્રિકમભાઈ, ડાહ્યા ત્રિકમભાઈ પટેલ અને છોટાભાઈ ત્રિકમભાઈ પટેલના ફોટોગ્રાફ જોતાં તેમની ઉંમર મેચ થતી નથી.
દસ્તાવેજ વખતે પાવર ઓફ એટર્ની હોલ્ડર તરીકે સંજયભાઈ ભાસ્કરભાઈ દેસાઈ દ્વારા 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર જે ડીક્લેરેશનનું સોગંદનામુ રજુ કરાવેલ તે સ્ટેમ્પ પેપરનો સીરીયલ નંબર 0004201948, તા.12-6-23 નો છે. જ્યારે, જનરલ પાવર ઓફ એટર્નીમાં સ્ટેમ્પ લેનાર તરીકે હરમાનભાઈ ત્રિકમભાઈ પટેલ તથા સેકન્ડ પાર્ટી તરીકે સંજયભાઈ દેસાઈનું નામ છે. આ 300 રૂપિયાના સ્ટેમ્પ પેપરનો સીરીયલ નંબર 0004201943, તા.12-6-20 છે. આમ, તા.12-6-20 થી તા.12-6-23 વચ્ચે માત્ર 5 જ સ્ટેમ્પનું ફેક્રીંગ થયેલ હોવાનું જાણવા મળેલ છે. તે જોતાં ખોટાં દસ્તાવેજ બનાવેલ હોવાનું જણાઈ આવે છે.
દસ્તાવેજ સમયે ઉંમર વધુ હોય તેવા કિસ્સામાં હયાતીના દાખલા મેળવવાના હોય છે. પરંતુ, આ કિસ્સામાં હયાતીનો દાખલો કે વેરીફીકેશન કરાયેલ ન હોવાનું જણાઈ આવે છે.
દસ્તાવેજમાં અવેજ પેટે રૂ.47,50,000 આર.ટી.જી.એસથી ચુકવેલ હોવાનું જણાવ્યું છે. પરંતુ, આ આર.ટી.જી.એસની રકમ કોના ખાતામાંથી કોને ચુકવેલ છે તે જણાવેલ નથી. તેમજ વેચાણ આપનાર તરીકે પાવર ઓફ એટર્ની હોલ્ડર સંજયભાઈ દેસાઈ હતાં અને ખરીદનાર તરીકે પણ સંજયભાઈ દેસાઈ હતાં. ત્યારે, નાણાંકીય વ્યવહાર કોની વચ્ચે થયેલ છે તેની વિગતો દસ્તાવેજમાં નહીં દર્શાવીને શંકાસ્પદ વ્યવહાર કર્યો હોવાનું તેમજ રજીસ્ટ્રેશન વખતે અવેજ બાબતની ખાત્રી કરવામાં આવી ન હોવાનું જણાઈ આવે છે.
આઈ.ટી રૂલ્સ 1962 મુજબ ફોર્મ નં 60 ખેતીલાયક આવક ધરાવનાર દ્વારા ભરવામાં આવતું હોય છે. પરંતુ, આ કિસ્સામાં ફોર્મ નં 60 માં લખવામાં આવેલ આધારકાર્ડ ખોટા હોવાને કારણે ફોર્મ નં 60 નું વેરીફિકેશન પણ થયેલ ન હોવાની શક્યતા છે.

Most Popular

To Top