પીળી ચળકતી ધાતુ સોનુ એ દુનિયાભરના લોકો માટે એક આકર્ષણની વસ્તુ સદીઓથી રહી છે. પ્લેટિનમ જેવી ધાતુ આના કરતા પણ કિંમતી છે પરંતુ જનસાધારણના માનસમાં તો સોના પ્રત્યે જ અદમ્ય આકર્ષણ રહ્યું છે અને તેમાં પણ ખાસ કરીને એશિયન દેશોમાં અને તેમાં પણ ખાસ કરીને ભારતમાં સોનાનું આકર્ષણ બહુ જ વધારે પ્રમાણમાં રહ્યું છે. દુનિયામાં બીજી કોઇ પણ ધાતુ સાથે માણસને એટલો લગાવ નથી જેટલો સોના સાથે છે. ભારત વિશે તો એ વાત જાણીતી છે કે ભારતીય કુટુંબો પાસે જેટલું સોનું સંગ્રહાયેલું છે તે વિશ્વભરમાં કુટુંબો પાસે સંગ્રહાયેલા સોનાના જથ્થામાં સૌથી વધારે છે. ભારતમાં ખૂબ જ કંગાળ લોકોને બાદ કરતા નીચલા મધ્યમ વર્ગના અને ગરીબ કુટુંબોમાં પણ થોડુ સોનું તો મળી જ આવે.
ભારતીય કુટુંબો પાસે કુલ જેટલું સોનું, જે ખાસ કરીને ઘરેણાઓના સ્વરૂપે સંગ્રહાયેલું છે તે વિવિધ દેશોની સરકારો પાસેના સોનાના અનામત જથ્થા કરતા પણ ક્યાંય વધારે છે. આ બાબત ભારતીયોનું સોના પ્રત્યેનું આકર્ષણ અને તેના મૂલ્ય પ્રત્યે વિશ્વાસની ભાવના દર્શાવે છે. હાલમાં વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ તરફથી જે કેટલાક આંકડાઓ આવ્યા છે તે ભારતીયોનો સોના પ્રત્યેનો મોહ અને સાથો સાથ તેના પ્રત્યેનો વિશ્વાસ પણ પ્રગટ કરે છે. ભારતનો સોનાનો વપરાશ ૨૦૨૧માં વધીને ૭૯૭.૩ ટન પર પહોંચ્યો હતો, જે ગ્રાહકોની લાગણીઓમાં થયેલા સુધારા અને કોવિડ-૧૯ના રોચાગાળાને કારણે અર્થતંત્ર ખોરવાયા બાદ આવેલી રિકવરીમાં વધેલી માગને ટેકે થયું છે અને આ તેજીનો પ્રવાહ આ વર્ષે પણ ચાલુ રહ્યો છે એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે કહ્યું છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ(ડબલ્યુજીસી)એ તેના ગોલ્ડ ડીમાન્ડ ટ્રેન્ડ્સ ૨૦૨૧ રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારતની કુલ સોનાની માગ ૨૦૨૧માં કૂદીને ૭૯૭.૩ ટન થઇ છે જે ૨૦૨૦માં ૪૪૬.૪ ટન હતી, જેમાં ૭૮.૬ ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૨૧માં સોના બાબતે પરંપરાગત ડહાપણની તાકાતને ફરી ટેકો મળ્યો છે અને તેમાં એવા ઘણા પાઠો છે જે આવનારા વર્ષોમાં પણ નીતિ ઘડવામાં મદદરૂપ થઇ શકે તેમ છે એ મુજબ ડબલ્યુજીસીના ભારતના રીજીયોનલ સીઇઓ સોમસુંદરમે કહ્યું હતું. તેમની વાત બરાબર જ છે. ભારતીયો સોનામાં જે રીતે રોકાણ કરે છે તે બાબત પણ ભવિષ્યની આર્થિક નીતિઓ ઘડતી વખતે ધ્યાનમાં રાખવી જોઇએ જ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતની સોનાની માગ ગત વર્ષમાં ૭૯ ટકા જેટલી વધી તેમાં તેના ચોથા ત્રિમાસિક ગાળામાં તો અપવાદરૂપ ૩૪૩ ટનની માગ રહી તેનો ઘણો મોટો ફાળો રહ્યો છે અને આ માગ અમારી સૌથી વધુ આશાવાદી અપેક્ષાઓ કરતા પણ વધારે છે અને અમારા નોંધાયેલા આંકડાઓમાં આ સૌથી શ્રેષ્ઠ વર્ષ રહ્યું છે એમ તેમણે કહ્યું હતું. કિંમતની રીતે જોતા ઝવેરાતની માગ ૯૬ ટકા જેટલી ઉછળીને રૂ. ૨૬૧૧૪૦ કરોડ પર પહોંચી હતી જે ૨૦૨૦માં ૧૩૩૨૬૦ કરોડ રૂ.ની રહી હતી. આ આંકડાઓ સોના ખૂબ આશ્ચર્યચકિત કરી દેનારા છે. કોરોનાવાયરસના રોગચાળા અને તેના કારણે ૨૦૨૦ના અનેક મહિનાઓ લોકડાઉનમાં ગયા તેના પછી જે રિકવરી આવી તેના પછી સોનાની કિંમતોમાં જે ઉછાળો આવ્યો તે અદભૂત છે અને તેણે રોગચાળા પહેલાનું લેવલ પણ વટાવી દીધું છે.
ભારતીય કુટુંબો, ખાસ કરીને હિન્દુ, જૈન, મુસ્લિમ અને શીખ કુટુંબોમાં ઘરમાં સોનું હોવું એ એક મહત્વની વાત બની રહે છે. શુભપ્રસંગોએ ભેટ આપવા કે પહેરવા માટે જ નહીં એક વિશ્વાસપાત્ર રોકાણના સાધન તરીકે પણ ભારતીય કુટુંબોમાં સોનુ પ્રચલિત છે. અને સોનામાં રોકાણ કરવાની ભારતીયોને સદીઓ જૂની ભાવના સાચી પણ પુરવાર થઇ છે. મુશ્કેલીના સમયે અનેક ભારતીય કુટુંબોને સોનું જ ઉપયોગી સાબિત થયું છે. ઘણા જરૂરિયાતમંદ લોકો મુશ્કેલીના સમયે સોનાના ધરેણાઓ ગિરવે મૂકીને નાણા ઉછીના લે છે તો કેટલાક લોકો મુશ્કેલીના સમયે સોનુ વેચી પણ નાખે છે અને આ રીતે તેમને મુશ્કેલીના સમયે સોનુ ઉપયોગી થઇ પડે છે. રોગચાળાના લૉકડાઉન પછીની રિકવરી પછી ભારતમાં સોનાના વપરાશમાં જે જંગી ઉછાળો આવ્યો તેના પાછળ વૈભવ વિલાસ કરતા તો સોનાને એક વિશ્વાસપાત્ર રોકાણના સાધન તરીકે ગણવાની ભારતીયોની ભાવના જ વધુ જવાબદાર જણાય છે. દુનિયાભરની સરકારોએ પણ સોનામાં રોકાણની આ ભાવનાને સ્વીકારી છે. રોકાણના બીજા ગમે તેટલા સાધનો આવે, પરંતુ સોનામાંનો ભારતીયોનો વિશ્વાસ ક્યારેય ઓછો થશે નહીં તેમ માનવામાં આવે છે.