Editorial

દલિતો બાદ હવે રાહુલ ગાંધીનો આદિવાસીઓને કોંગ્રેસ તરફ વાળવા પ્રયાસ

લોકસભાની છેલ્લી ત્રણ ચૂંટણીઓથી સત્તા વગરની કોંગ્રેસ હવે ધીરેધીરે મજબૂત થવા માટે પ્રયાસો કરી રહી છે. રાહુલ ગાંધી દ્વારા દર વખતે કોંગ્રેસને મજબૂત કરવા માટે નવા આયોજનો કરવામાં આવે છે પરંતુ કોંગ્રેસીઓ સુધરતા નથી. ભાજપ અને મોદીની જાળમાં કોંગ્રેસના આગેવાનો ફસાઈ રહ્યા છે અને બાદમાં કોંગ્રેસ તેમનાથી કિનારો કરી લે ત્યારે કોંગ્રેસને ગાળો દેતા-દેતા પાર્ટીમાંથી છુટા પડી જાય છે.

તાજેતરમાં રાહુલ ગાંધીએ આદિવાસી સમાજના પ્રતિનિધિઓ સાથે તેમની સમસ્યા બાબતે ચર્ચા કરી હતી અને તેમાં આદિવાસી નેતૃત્વને મજબૂત બનાવવા પર ભાર મુકવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ દરેક જિલ્લામાં આદિવાસીઓના કલ્યાણ માટે પ્રમુખની પસંદગી કરવાનો પ્લાન નક્કી કર્યો હતો અને એવું કહ્યું હતું કે, કોંગ્રેસને તેઓ ચલાવશે અને પાર્ટીને મજબૂત બનાવવા માટે કામ કરશે. કોંગ્રેસ પક્ષ દ્વારા શુક્રવારે આ વિડીયો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવ્યો હતો. આ વિડીયોમાં રાહુલ ગાંધી દ્વારા પોતે આદિવાસીઓને ન્યાય અપાવવા માટે તેમની સાથે ઊભી છીએ તેવો વાયદો કર્યો હતો.

વિડીયોમાં રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, સામાજિક અન્યાય, ડિજિટાઈઝેશનને કારણે જળ, જંગલ અને જમીનની સાથે બંધારણીય અધિકારીઓ માટે આદિવાસીઓનો સંઘર્ષ ચાલુ જ છે. અમે આદિવાસીઓની લીડરશિપ તૈયાર કરીશું. જેના માટે હું તમારી કોંગ્રેસ પાર્ટીમાં મદદ લઈશ. તેમને આગળ કરવામાં આવશે. જે લોકો આદિવાસીઓ માટે લડવા માંગે છે તેમને પણ આગળ કરવામાં આવશે. ગુજરાતમાં આ માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં જે કોંગ્રેસ પ્રમુખ નક્કી કરવામાં આવ્યા તેમાં આદિવાસી, દલિત, પછાત અને સામાન્ય જાતિ સહિતના તમામની પસંદગી કરવામાં આવી છે. જિલ્લા પ્રમુખને સત્તા આપવામાં આવશે અને જિલ્લા પ્રમુખ જ કોંગ્રેસ માટે નોડલ અધિકારી બનશે. અમે એવું માનીએ છીએ કે જે તે જિલ્લાના નિર્ણય જે તે જિલ્લામાંથી જ લેવામાં આવશે. આ માટે જિલ્લા સમિતીને મજબૂત બનાવવામાં આવશે. તેને નાણાંકીય સહાય પણ આપવામાં આવશે. અમે ઈચ્છીએ છીએ કે દરેક રાજ્યમાં 10થી 15 જેટલા આદિવાસી નેતાઓ જોવા મળે.

રાહુલ ગાંધીએ આદિવાસીઓ સાથે બેઠક કરીને મહત્વનું પગલું લીધું છે. ભૂતકાળમાં આદિવાસીઓ કોંગ્રેસની મજબૂત વોટબેંક હતા. કાળક્રમે આ વોટબેંક ઘટતી ગઈ અને હવે આદિવાસી વિસ્તારોમાં પણ કોંગ્રેસ જીતતી નથી. આદિવાસીઓની સાથે મુસ્લિમો અને ઓબીસીના સહયોગથી ભૂતકાળમાં કોંગ્રેસે ગુજરાત સહિત દેશમાં સત્તાઓ મેળવી હતી. જેને કારણે હવે કોંગ્રેસ ફરી જૂની વોટબેંકને પોતાની તરફ વાળવા માટે મથી રહી છે. રાજકારણમાં વોટબેંક માટે જે તે રાજકીય પક્ષ કંઈપણ કરતો હોય છે. રાહુલ ગાંધી પણ આ કારણે જ આદિવાસીઓને કોંગ્રેસ તરફ વાળવા માટે મથામણ કરી રહ્યા છે. જોકે, ભૂતકાળના આદિવાસીઓ અને હાલના આદિવાસીઓ વચ્ચે મોટો ફરક છે.

હાલમાં આદિવાસીઓમાં જાગૃતિ આવી ચૂકી છે. મોબાઈલને કારણે આદિવાસીઓ હવે ખરેખર આદિવાસી રહ્યા જ નથી. જાણકાર થઈ ગયા છે. આ સંજોગોમાં રાહુલ ગાંધી માટે આદિવાસીઓને કોંગ્રેસ તરફ વાળવા માટેના ચઢાણ કપરા છે. હાલના સમયમાં રાજકીય હરીફો દ્વારા કોંગ્રેસ માટે એવી રીતે માહોલ સર્જવામાં આવ્યો છે કે કોંગ્રેસ આ પ્રચારનો સામનો કરી શકતી નથી. રાહુલ ગાંધી દ્વારા દલિતો, આદિવાસીઓને પોતાની સાથે જોડવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. આગામી દિવસોમાં બની શકે છે કે જાતિગત વસ્તીગણતરી બાદ કોંગ્રેસ દ્વારા ઓબીસીને પણ પોતાની તરફે વાળવા માટે પ્રયાસો કરવામાં આવે. જોકે, રાહુલ ગાંધી દ્વારા કરાયેલા પ્રયાસો કેટલા સફળ રહેશે તે તો આગામી ચૂંટણીઓમાં જ ખબર પડશે તે નક્કી છે.

Most Popular

To Top