Gujarat

વાવાઝોડાથી અસર પામેલા દરિયાકાંઠાના ગામોને યુદ્ધના ધોરણે બેઠા કરીશું : રૂપાણી

તાઉતે વાવાઝોડાથી અસર પામેલા દરિયાકાંઠાના જિલ્લાઓની મુલાકાત લેવા આજે સીએમ વિજય રૂપાણી ભાવનગરના મહુવા પહોચ્યાં હતાં. મહુવામાં મુલાકાત બાદ તેમણે કહ્યું હતું તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત થયેલા ગામોને બેઠા કરવા યુદ્ધના ધોરણ કામગીરી ચાલી રહી છે.

રૂપાણી આજે ગાંધીનગરથી હવાઇ માર્ગે મહુવાના પઢિયારકા ગામે પહોંચતા સુધી માર્ગમાં આવતા ગામો-વિસ્તારોમાં તાઉતે વાવાઝોડાએ સર્જેલી વિકટ સ્થિતિ અને નુકસાનીનું હવાઇ નિરીક્ષણ પણ કર્યુ હતું. તેમણે ઢિયારકા ગામે આવેલા વાવાઝોડાને પરિણામે લોકોના મકાનો, ખેતીવાડીને થયેલા નુકસાનનો કયાસ કાઢવા ગ્રામજનો સાથે સંવાદ પણ કર્યો હતો. ગ્રામજનો સાથે સંવાદ કરતાં તેમણે કહ્યું હતું કે, કુદરતી હોનારતના પગલે થયેલા નુકસાન અંગે કોઇ ચિંતા કરવાની જરૂર નથી કોઈ પણ આપદા કે વિપરિત પરિસ્થિતિમાં રાજ્ય સરકાર તમારી સાથે જ છે.

સીનિયર અધિકારીઓ સાથેની બેઠકમાં રૂપાણીએ કહ્યું હતું કે, વાવાઝોડાથી પ્રભાવિત થયેલા મહુવા સહિતના દરિયાઇ પટ્ટીના તાલુકાઓને યુદ્ધના ધોરણે ફરી બેઠા કરી પૂર્વવત કરવા રાજ્ય સરકાર કાર્યરત છે.રૂપાણીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનીના પ્રાથમિક અંદાજો તૈયાર કરવા જિલ્લા તંત્રને માર્ગદર્શન આપ્યું હતું.

ખાસ કરીને વાવાઝોડાના સંદર્ભમાં ખેતી, બાગાયતી પાકોને થયેલા નુકસાન નો સર્વે કરવામાં આવી રહ્યો છે.આ સર્વે ના આધારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવશે. આ સિવાય વાવાઝોડાના કારણે સૌથી વધુ અસરગ્રસ્ત એવા ઉના,જાફરાબાદ,રાજુલા અને મહુવા તાલુકામાં ઝડપથી સર્વે કરી ઘરવખરી, કેશ ડોલ્સ ની ચૂકવમી કરવામાં આવી રહી છે. તેમને વધુમાં ઉમેર્યું કે ભાવનગર,ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં વીજ પુરવઠો ઝડપથી પુનઃ સ્થાપિત કરવા માટે રાજ્યની તમામ વીજ કંપનીઓના અધિકારીઓ અને કર્મચારીઓ યુદ્ધ ના ધોરણે કામગીરી કરી રહ્યા છે.જેથી આગામી બે થી ત્રણ દિવસમાં તમામ ગામોમાં વીજ પુરવઠો શરૂ થઈ જશે.મહુવામાં આજ રાત સુધીમાં જ વીજ પુરવઠો પૂર્વવત થઇ જશે.

Most Popular

To Top