ડીસા: બનાસકાંઠાના (Banaskantha) ડીસા (Disa) ખાતે માલગઢમાં (Malgadh) બનેલી લવજેહાદ બાદ ધર્મ પરિવર્તનની (conversion) ઘટનાને લીધે ભડકો થયો છે. આજે બનાસકાંઠાનાં ડીસા શહેરના હિન્દુઓએ (Hindu) સ્વંયભૂ બંધ પાળ્યો છે. આખુંય શહેર સજ્જડ બંધ રહ્યું છે. આ સાથે હિન્દુ સંગઠનો દ્વારા બગીચા સર્કલથી એક રેલી (Rally) કાઢવામાં આવી હતી. હિન્દુ સમાજના હજારો લોકો આ રેલીમાં જોડાયા હતા. રેલી પૂરી થયા બાદ પણ સમગ્ર વિસ્તારમાં લાંબા સમય સુધી ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ભીડ જમાવી હતી. વારંવાર સૂચના આપવા છતાં લોકો નહીં જતા આખરે ડીસા પોલીસે લાઠીચાર્જ (LathiCahrge) કર્યો હતો. પોલીસના લાઠીચાર્જના લીધે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. હાલમાં સમગ્ર શહેરમાં ધર્મ પરિવર્તનની ઘટનાને પગલે હિન્દુ સમાજના લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે. સમગ્ર શહેરનો માહોલ ખૂબ તંગ બન્યો છે.
- માલગઢ ધર્મપરિવર્તનની ઘટના બાદ ડીસામાં ભડકો
- વેપારી અને હિન્દુ સંગઠનોએ સ્વયંભૂ બંધ પાળ્યો
- ભીડને ખસેડવા પોલીસે લાઠીચાર્જ કર્યો
- લાઠીચાર્જમાં એક યુવક ઈજાગ્રસ્ત થયો
- પોલીસે સૂત્રોચ્ચાર કરતા લોકોને અટકાયતમાં લીધા
ડીસાના માલગઢ ગામમાં રહેતા માળી પરિવારની એક યુવતીને લઘુમતી સમાજના યુવક દ્વારા ફસાવવામાં આવી હતી ત્યાર બાદ યુવતીની માતા અને ભાઈને ધર્માંતરણ કરાવી રૂપિયા 25 લાખની માંગણી કરાઈ હતી. આ ઘટનાને પગલે સમગ્ર બનાસકાંઠામાં હિન્દુ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. જેના કારણે આજે માળી સમાજ તેમજ હિંદુ સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં તમામ સમાજો, વિવિધ વેપારી એસોસિયેશન અને વિવિધ સામાજિક તેમજ સ્વૈચ્છિક સંગઠનોએ પોતાનું સમર્થન આપતા ડીસા શહેર અભૂતપૂર્વ સજ્જડ બંધ રહ્યું હતું. સવારે 10:00 વાગ્યેથી ડીસાના સરદાર બાગ આગળથી વિશાળ રેલી નીકળી હતી. રેલીમાં 15 હજારથી વધુ લોકો જોડાયા હતા. રેલી સરદારબાગથી ફુવારા સર્કલ, સુભાષ ચોક, હીરા બજાર થઈને એસ.સી.ડબ્લ્યુ સ્કૂલ થઈ સરદાર બાગ પરત આવી હતી.
વિવિધ હિન્દુ સંગઠનોના લોકો સહિત ટ્રેક્ટરો પણ રેલીમાં જોડાયા હતા. ડીસાના હીરાબજાર પાસે હિન્દુ સંગઠનોએ સૂત્રોચ્ચાર કર્યો હતો. હીરા બજારથી લોકો લઘુમતી સમાજ રહે તે વિસ્તારમાં જવા માંગતો હોય પોલીસે લાઠીચાર્જ કરી લોકોને ભગાડ્યા હતા. આ સંઘર્ષમાં બે યુવાનને ઈજા થઈ હતી. પોલીસે સૂત્રોચ્ચાર કરી રહેલા લોકોની અટકાયત કરી હતી. જેના લીધે માહોલ વધુ તંગ બન્યો હતો. લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.
શું છે સમગ્ર મામલો?
ધર્મપરિવર્તનની ઘટનાના લીધે ડીસા શહેરમાં ભડકો થયો છે. અહીંના માલગઢમાં માળી પરિવારની યુવતી તેના ભાઈ અને માતાનું ધર્મ પરિવર્તન કરાવ્યા બાદ 25 લાખની માંગણી કરાઈ હતી. દીકરીના પિતાએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ દીકરીના પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સમગ્ર ઘટનાના ખૂબ મોટા પ્રત્યાઘાત ડીસા શહેરમાં પડ્યા છે. આ ઘટનામાં 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પાલનપુર પોલીસે 2 લોકોની અટકાયત કરી છે અને આ કેસમાં 3 લોકો હજી ફરાર છે.