સુરત (Surat): એક તરફ હવે આખા દેશમાં કોરોના રસીકરણ (Vaccination Drive in India) શરૂ થઇ જવાથી કોરોનાનો (Covid-19) ભય લોકોના મનમાંથી નીકળી ગયો છે. જો કે જેમ વડાપ્રધાન મોદીએ પોતાના એક ભાષણમાં કહ્યુ હતુ તેમ હજી આપણે કોરોના સામે ઢાલ મળી છે, ઢીલ નહીં. લોકો બિંદાસ્ત થવાની સાથે સાથે બેફામ પણ થઇ ગયા છે. કોરોનાની રસી આવી ચૂકી છે, તે અસરકારક અને સુરક્ષિત છે એ તો સારા સમાચાર છે જ. પણ એનો અર્થ એ નથી કે કોરોના જતો રહ્યો છે આપણે હજી તકેદારી અને સાવચેતી રાખવાની જરૂર તો છે જ. એનું સૌથી મોટું કારણ એ કે હજી દેશના દરેક લોકોને કોરોનાની રસીના પૂરતા પ્રમાણમાં ડોઝ મળી રહે, એટલા મોટા પાયે કોરોના રસીના જથ્થાનું ઉત્પાદન થયુ નથી.
હકીકતમાં આમ આદમી પાર્ટી દ્વારા વરાછા વિસ્તારમાં કોરોનાના ટેસ્ટ વિના જ નેગેટિવ રિપોર્ટ આપવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેના પગલે તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા જે કર્મચારીઓ આ રીતે ખોટા રિપોર્ટ (False Corona Report) બનાવીને આપતા હતા. તેઓ સામે પગલાં લેવામાં આવ્યાં છે. પરંતુ શહેરમાં અન્ય ઝોનમાં આ રીતે બોગસ રિપોર્ટ બનાવીને આપવામાં આવે છે કે કેમ તે અંગે ક્રોસ વેરિફિકેશન કરવા માટે મનપા (SMC) દ્વારા 9 ડોક્ટરોની ટીમ બનાવવામાં આવી છે. જેઓ દરેક ઝોનમાં ચાલતા ધન્વંતરી રથમાં ચેકિંગ કરશે. આજથી જ આ ડોક્ટોરની ટીમ દ્વારા ચેકિંગની કામગીરી શરૂ કરી દેવાઈ છે.
શહેરમાં કોરોના સંક્રમણને નાથવા માટે મનપા દ્વારા ધન્વંતરી રથ (Dhanvantari Rath) શરૂ કરવામાં આવ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં ધન્વંતરી રથ ફરાવી વધુમાં વધુ ટેસ્ટ કરવામાં આવતા હતા. જેમાં હવે આંશિક ઘટાડો કરાયો છે. પરંતુ ધન્વંતરી રથમાં ટેસ્ટ કર્યા વિના જ નેગેટિવ રિપોર્ટ આપવાની ઘટના પ્રકાશમાં આવતાં મનપા તંત્ર એક્શનમાં આવી ગયું છે. અને તમામ ઝોનમાં તપાસ કરાવવા માટે 9 ડોક્ટરની ટીમ બનાવાઈ છે, જેઓ દ્વારા તમામ ઝોનમાં ચાલતા ધન્વંતરી રથમાં ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે.
બીજી બાજુ શહેરમાં ધીરે ધીરે કોરોનાનું સંક્રમણ પણ ઘટી રહ્યું છે. જેથી મનપા દ્વારા પ્રતિદિન કરાતા ટેસ્ટિંગની સંખ્યા પણ ઘટાડવામાં આવી રહી છે. હાલ શહેરમાં તમામ ઝોનમાં મળી કુલ 92 ધન્વંતરી રથ ચાલે છે. પરંતુ હાલમાં કેસ ઘટી ગયા હોય, તમામ ઝોનમાંથી ચાર-ચાર ધન્વંતરી રથ ઓછા કરવા માટેનો નિર્ણય કરાયો છે. જેથી પહેલી ફેબ્રુઆરીથી શહેરમાં 32 ધન્વંતરી રથ ઓછા થશે. અને માત્ર 60 ધન્વંતરી રથમાં જ કામગીરી થશે.