બાંગ્લાદેશમાં ઇસ્કોનના પુજારી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ પછી શનિવારે (30 નવેમ્બર, 2024) બાંગ્લાદેશના ચટગાંવમાં અન્ય એક હિન્દુ પૂજારીની ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોનું માનીએ તો ધરપકડ કરાયેલા પૂજારીની ઓળખ શ્યામ દાસ પ્રભુ તરીકે થઈ છે જે ચિન્મય કૃષ્ણદાસ દાસને જેલમાં મળવા ગયા હતા. સૂત્રોનું માનીએ તો શ્યામ દાસ પ્રભુની કોઈપણ સત્તાવાર વોરંટ વિના ધરપકડ કરવામાં આવી છે.
કોલકાતા સ્થિત ઇસ્કોનના વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રવક્તા રાધારમણ દાસે પણ આ અંગે પોસ્ટ કરી હતી. તેમણે પુજારીની ધરપકડ વિશે X પર પોસ્ટ કર્યું હતું કે અન્ય બ્રહ્મચારી શ્યામ દાસ પ્રભુની આજે ચટગાંવ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયોએ પ્રદર્શન કર્યું
બાંગ્લાદેશની ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ ક્રિષ્ના કોન્શિયસનેસ (ઈસ્કોન) ના ભૂતપૂર્વ સભ્ય હિંદુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની સોમવારે રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને મંગળવારે જામીન નકારી કાઢવામાં આવ્યા હતા. તેમની ધરપકડ બાદ હિંદુ સમુદાયના સભ્યોએ રાજધાની ઢાકા અને ચટગાંવ સહિત બાંગ્લાદેશમાં વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કર્યું હતું.
ઇસ્કોનના પુજારી ચિન્મય કૃષ્ણ દાસના જામીન નકારવામાં આવ્યા બાદ મંગળવારે ચટગાંવમાં કોર્ટની બહાર પોલીસ અને વિરોધીઓ વચ્ચેની અથડામણમાં એક વકીલનું મોત થયું હતું. પોલીસે શનિવારે જણાવ્યું હતું કે સહાયક સરકારી વકીલ સૈફુલ ઈસ્લામની હત્યાના સંબંધમાં ઓછામાં ઓછા નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલામાં 46 લોકો સામે કેસ નોંધાયા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી જેમાંથી મોટાભાગના લઘુમતી હિંદુ સમુદાયના સ્વચ્છતા કાર્યકરો હતા.