યુદ્ધવિરામ પછી પણ ઇરાન અને ઇઝરાયલ વચ્ચે હુમલા ચાલુ છે. તેહરાનમાં 3 વિસ્ફોટોના અવાજ સંભળાયા. ઇરાની મીડિયા અનુસાર ઇઝરાયલે તેમની રડાર સિસ્ટમ પર હુમલો કર્યો છે. ઇઝરાયલ અને ઇરાન બંને દેશોએ યુદ્ધવિરામ અમલમાં આવ્યાના થોડા કલાકો પછી જ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું. ઇઝરાયલે તાજેતરમાં જ ઇરાનની રાજધાની તેહરાનમાં એક રડાર સાઇટ પર હવાઈ હુમલો કર્યો હતો. ઇઝરાયલી આર્મી રેડિયોએ હુમલાની પુષ્ટિ કરી છે.
ઇઝરાયલી આર્મી રેડિયોએ તેહરાન નજીક એક ઇરાની રડાર સાઇટ પર હુમલાની પુષ્ટિ કરી છે. ઇરાનના ન્યાયિક સમાચાર આઉટલેટ્સ મિઝાન અને શાર્ગ અખબારએ તેહરાનમાં બે વિસ્ફોટોના અવાજનો અહેવાલ આપ્યો છે. સમાચાર આઉટલેટે એમ પણ કહ્યું છે કે ઇરાનના ઉત્તરીય શહેર બાબોલસર પર હુમલો કરવામાં આવી રહ્યો છે.
અગાઉ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂને ફોન કરીને ઇરાન પર હુમલો રોકવા કહ્યું હતું. સમાચાર એજન્સી અલ જઝીરાના અહેવાલ મુજબ નેતન્યાહૂએ ટ્રમ્પને કહ્યું હતું કે હું હુમલો રોકી શકતો નથી, કારણ કે ઇરાને પહેલા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે અને તેનો જવાબ આપવો જરૂરી છે.
બંને દેશો વચ્ચેના યુદ્ધના 12મા દિવસે આજે સવારે 3:32 વાગ્યે ટ્રમ્પે યુદ્ધવિરામ કરારની જાહેરાત કરી. સવારે 10:38 વાગ્યે તેમણે બીજી પોસ્ટ પોસ્ટ કરી અને લખ્યું – “યુદ્ધવિરામ હવેથી અમલમાં આવે છે, કૃપા કરીને તેને તોડો નહીં.” યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાન અને ઇઝરાયલ ઘણા સમયથી લડી રહ્યા છે. તેમણે કહ્યું કે બંને દેશોને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલને ચેતવણી આપી હતી કે ઈરાન પર બોમ્બ ન ફેંકો. આમ કરવું યુદ્ધવિરામનું મોટું ઉલ્લંઘન હશે. તમારા પાઇલટ્સને તાત્કાલિક પાછા બોલાવો. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઇઝરાયલ અને ઈરાન બંનેએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. રોઇટર્સના અહેવાલો અનુસાર તેમણે કહ્યું કે તેઓ ઇઝરાયલ અને ઈરાનથી નાખુશ છે. તેમણે કહ્યું, “ઈરાનની પરમાણુ ક્ષમતાઓ સમાપ્ત થઈ ગઈ છે. તેહરાન ક્યારેય તેના પરમાણુ કાર્યક્રમનું પુનર્નિર્માણ કરશે નહીં.”