Entertainment

ભાઈ, પત્ની બાદ સફળતા માટે બોનીને પુત્રી જાન્હવી પર આસ

જાન્હવી કપૂરના હમણાંના ફોટોગ્રાફસ જોયા છે? તેનું શરીર થોડું ભરાયું છે. યૌવનના જુદા તબકકે તે આવી છે તેનું આ પરિણામ છે. આ ઉંમરે દેહાકર્ષણ વધી જાય. તેમાં અપ્રગટ સેકસનું તત્વ ઉમેરાય જાય. આ બધાના પરિણામે ‘લગે પચાશી ફટકે’ જેવું સૌંદર્ય નીખરી ઉઠે. હવે તે ‘ધડકન’ની અભિનેત્રી નહીં રહી. તેની ‘મિલી’ હવે રજૂ થઇ રહી છે તેમાં તમે આ અનુભવશો. આ ફિલ્મ તેના પિતા બોની કપૂરની જ છે અને મલયાલમ ફિલ્મ ‘હેલન’ની રિમેક છે. જો કોઇ વ્યકિત ફીઝરમાં બંધ થઇ જાય તો પોતાને કેવી રીતે બચાવે? બસ, આ વિષય છે. જરા નવો છે અને તેમાંથી થ્રીલ ઊભું થાય છે.

જાન્હવીને આ ફિલ્મ ફળશે? મુંબઇ અને દહેરાદૂનમાં ફિલ્માવાયેલી આ ફિલ્મનું એક આકર્ષણ એ.આર. રહેમાનનું સંગીત અને જાવેદ અખ્તરના ગીતો છે. જોકે હમણાં એ.આર. રહેમાનનું સંગીત લોકપ્રિય થયું હોય એવા ઉદાહરણો નથી. વળી આ ફિલ્મ રોમેન્ટિક પણ નથી એટલે અમુક પ્રકારના સંગીતની જ તક હશે. ‘મિલી’ ફિલ્મને સફળ બનાવવાની જવાબદારી જાન્હવીના માથે છે કારણ કે તેની સાથે સની કૌશલ, મનોજ પાહવા, હસલીન કૌર છે તે કોઇ સ્ટારવેલ્યુ ધરાવતા નથી. જે હોંશિયાર અભિનેત્રી હોય તે સલામત રમત રમે છે. જેમાં ઘણા સ્ટાર્સ હોય તેનીપાછળ છૂપાઇ જાય છે. જાન્હવી પોતાની સફળતાની જવાબદારી પોતે લે છે – અને અલબત્ત, નિષ્ફળતાની પણ. કંગના, તાપસી જેવી જાન્હવીને પણ સાહસી ગણવી જોઇએ.

જાન્હવીની હજુ પાંચ ફિલ્મ રજૂ થઇ છે પણ તે ફિલ્મોમાંય તેણે બીજા સ્ટાર્સનો આધાર લીધો નથી. તેની પાસે અત્યારે ‘બવાલ’ છે ને એ ફિલ્મ નિતીશ તિવારીની છે જેમાં એક નાના શહેરનો છોકરો શહેરની બ્યુટીફૂલ છોકરીના પ્રેમમાં પડે છે અને તે તેની સાથે પરણવા માંગે છે. પરણવા એટલે માંગે છે કે તેનાથી સમાજમાં તેનું માન વધે. આ ફિલ્મમાં જાન્હવી સાથે વરુણ ધવન છે. ‘મિસ્ટર એન્ડ મિસીસ માહી’ માં તે રાજકુમાર રાવ  સાથે આવવાની છે.

‘જન ગણ મન’ માં તેની સાથે પૂજા હેગડે, વિજય દેવરકોન્ડા છે. આ ઉપરાંત ‘તખ્ત’ છે પણ કરણ જોહર તેને ઝડપથી પૂરી કરતો નથી. આ બધી ફિલ્મો ૨૦૨૩ માં રજૂ થવાની છે. એટલે ‘ગુડલક જેરી’ પછી ૨૦૨૨ માં રજૂ થનારી ફિલ્મ તરીકે ‘મિલી’ને ગણવી જોઇએ. હા, કોઇ પૂછી શકે કે ‘મિલી’ સિવાય નામ ન મળ્યું? જયા બચ્ચન અને અમિતાભ બચ્ચનની ફિલ્મ જાન્હવીની ‘મિલી’ જોતા યાદ આવે એવું તો નથી. જાન્હવી કપૂરની આ ફિલ્મ સફળ રહે એ માટે બોનીકપૂર પ્રાર્થના કરતા હશે. શું છે કે તેઓ એક સમયે અનિલ કપૂરના આધારે ફિલ્મો બનાવતા, પછી શ્રીદેવીના આધારે ફિલ્મો બનાવતા અને હવે જાન્હવીમાં આધાર શોધે છે. અર્જુન કપૂર પાસે અપેક્ષિત સફળતા નથી મળી એટલે પણ ‘મિલી’ને સફળતા મલે તેમ ઇચ્છે છે. જાન્હવી તો ખેર, પોતાના નકશા લઇને ચાલે છે.

Most Popular

To Top