Business

અમેરિકા બાદ હવે મેક્સિકોનો 50% ટેરિફ હુમલો, ભારત સહિત અનેક દેશોને મોટો ફટકો લાગશે

વૈશ્વિક વેપાર દુનિયામાં ફરીથી ટેરિફ યુદ્ધના સંકેત દેખાઈ રહ્યા છે. અમેરિકા બાદ હવે મેક્સિકોએ પણ કડક નીતિ અપનાવી છે. મેક્સિકન સેનેટે ચીન અને અનેક એશિયન દેશોમાંથી આયાત થતા માલ પર 50% સુધીનો ટેરિફ લાદવાનું મંજૂર કર્યું છે.

આ બદલાયેલા નિયમો 2026થી અમલમાં આવશે. આ નિર્ણય ખાસ કરીને એવા દેશો માટે મોટો આર્થિક ઝટકો સાબિત થવાનો છે. જેઓનું મેક્સિકો સાથે વેપાર કરાર નથી. જેમાં ભારત, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયા પણ સામેલ છે.

કયા માલ પર લાગશે 50% ટેરિફ?
અહેવાલ મુજબ નવા ટેરિફ વધારા હેઠળ ઓટો પાર્ટ્સ, સ્ટીલ, કાપડ, મશીનરી અને ઇલેક્ટ્રોનિક્સ સહિત અનેક વસ્તુઓનો સમાવેશ થાય છે. કુલ 1,400 આયાતી માલ પર ડ્યુટી બદલાશે. કેટલીક વસ્તુઓ પર ટેરિફ 35% સુધી વધારાયો છે.

મેક્સિકન સેનેટે આ પ્રસ્તાવને 76% બહુમતી સાથે પસાર કર્યો, માત્ર 5% મત વિરુદ્ધ હતા. બહુવિધ ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા.

મેક્સિકોએ પગલું કેમ લીધું?
વિશ્લેષકો મુજબ મેક્સિકો બે મુખ્ય કારણોસર આ પગલું લઈ રહ્યો છે:

  • સ્થાનિક ઉદ્યોગોને રક્ષા આપવી, ખાસ કરીને ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને.
  • અમેરિકા સાથે વેપારી સુમેળ જાળવવો કારણ કે અમેરિકાએ વારંવાર ચીન સામે ટેરિફ વધારા કરીને દબાણ બનાવ્યું છે.

સાથે જ મેક્સિકો આ ટેરિફથી લગભગ $3.76 બિલિયન વધારાનું આવક મેળવવાની આશા રાખે છે. જે તેની વધી રહેલી રાજકોષીય ખાધ ઘટાડવામાં મદદરૂપ થશે.

ભારત પર કેટલો પ્રભાવ પડશે?
ભારત અને મેક્સિકો વચ્ચે છેલ્લાં વર્ષોમાં વેપાર સતત વધતો રહ્યો છે.

  • 2022: $11.4 બિલિયન
  • 2023: $10.6 બિલિયન
  • 2024: $11.7 બિલિયન (ઓલ-ટાઇમ હાઇ)

ભારતને મેક્સિકો સાથે મોટા પાયે વેપાર સરપ્લસ છે. 2024માં ભારતે લગભગ $8.9 બિલિયનની નિકાસ કરી હતી જ્યારે આયાત માત્ર $2.8 બિલિયન રહી હતી.

ટેરિફ વધારાથી ભારતીય ઓટો પાર્ટ્સ, સ્ટીલ, ફાર્માસ્યુટિકલ્સ અને ટેક્સટાઇલ ઉદ્યોગ પર અસર થઈ શકે છે. ખાસ કરીને એવી કંપનીઓ મુશ્કેલીમાં પડશે જેઓ મેક્સિકોને લેટિન અમેરિકા માટે નિકાસ હબ તરીકે ગણતી હતી.

Most Popular

To Top