ઇઝરાયલે ઇરાન પરના તેના તાજેતરના હુમલામાં ફરીથી ફોર્ડો પરમાણુ સ્થળને નિશાન બનાવ્યું છે. ઇરાનની તસ્નીમ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે આ હુમલો તે જ જગ્યાએ કરવામાં આવ્યો છે જ્યાં રવિવારે સવારે અમેરિકાએ બસ્ટર બોમ્બ ફેંક્યા હતા. પરમાણુ ઠેકાણાઓ પર સતત હુમલાઓ વચ્ચે ઇરાને કહ્યું કે તે તેનો પરમાણુ કાર્યક્રમ બંધ કરશે નહીં. ઇરાનના નાયબ વિદેશ પ્રધાન માજિદ તખ્ત રવાંચીએ ઇરાનના પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલાઓની કડક ટીકા કરી અને તેને ‘ગંભીર ગુનો’ ગણાવ્યો.
યુએસ હવાઈ હુમલા પછી હવે ઇઝરાયલે પણ ઇરાનના ફોર્ડો પરમાણુ સ્થળ પર હુમલો કર્યો છે. ઇરાનની સમાચાર એજન્સી તસ્નીમના અહેવાલ મુજબ કોમ પ્રાંતના કટોકટી વ્યવસ્થાપન મુખ્યાલયે જણાવ્યું હતું કે ઇઝરાયલી સેનાએ ઇરાનના ફોર્ડો પરમાણુ સ્થળ પર હુમલો કર્યો છે જ્યારે એક દિવસ પહેલા યુએસ હુમલામાં તેને નિશાન બનાવવામાં આવ્યું હતું.
ઇઝરાયલે ઇરાનની ઇવિન જેલને પણ નિશાન બનાવી
ઇઝરાયલી આર્મી રેડિયોએ પુષ્ટિ આપી છે કે IDF એ ઇવિન જેલના પ્રવેશદ્વાર પર હુમલો કર્યો છે. આ કુખ્યાત તેહરાન જેલ છે જ્યાં ખામેની શાસનના વિરોધીઓને રાખવામાં આવે છે. ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા આ હુમલાનો ઉદ્દેશ્ય રાજકીય કેદીઓને ભાગવામાં મદદ કરવાનો છે.
એવિન જેલમાં રાજકીય કેદીઓ અને પશ્ચિમી દેશો સાથે સંબંધો ધરાવતા લોકોને રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા સંચાલિત એકમોમાં રાખવામાં આવે છે. એક શક્તિશાળી દળ જે સીધા સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીને રિપોર્ટ કરે છે. આ સુવિધા યુએસ અને ઇયુ પ્રતિબંધોને આધીન છે. ઈરાનના ન્યાયિક મિઝાન ન્યૂઝ આઉટલેટે એવિન જેલ પર ઇઝરાયલી હુમલાની પુષ્ટિ કરતા કહ્યું કે જેલના કેટલાક ભાગોને નુકસાન થયું છે પરંતુ પરિસ્થિતિ નિયંત્રણમાં છે.
ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીએ પુતિન પાસે મદદ માંગી
ઈઝરાયલ સાથેના યુદ્ધ વચ્ચે ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પાસેથી મદદ માંગી છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાધચી મોસ્કોમાં પુતિનને મળવા ગયા છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સ અનુસાર અરાધચીએ પુતિનને ખામેનીનો એક પત્ર આપ્યો જેમાં પુતિનને સમર્થન માંગવામાં આવ્યું છે. ઈરાન હજુ સુધી રશિયાના સમર્થનથી ખુશ નથી. જોકે હજુ સુધી તે સ્પષ્ટ નથી કે ઈરાન રશિયા પાસેથી કેવા પ્રકારની મદદ ઇચ્છે છે.
બીજી તરફ ઈરાનના નાયબ વિદેશ પ્રધાન માજિદ તખ્ત રવાંચીએ ઈરાનના પરમાણુ મથકો પર અમેરિકાના હુમલાઓની આકરી ટીકા કરી છે. તેમણે તેને ‘ગંભીર ગુનો’ ગણાવ્યો છે અને સ્પષ્ટપણે કહ્યું છે કે આનાથી ઈરાનનો શાંતિપૂર્ણ પરમાણુ કાર્યક્રમ બંધ થશે નહીં. મેહર ન્યૂઝ એજન્સી અનુસાર રવાંચીએ કહ્યું કે ઈરાન માત્ર શાંતિપૂર્ણ હેતુઓ માટે પરમાણુ ઊર્જાનો ઉપયોગ કરી રહ્યું છે અને તે પરમાણુ અપ્રસાર સંધિ (NPT)નો સભ્ય છે. જ્યાં સુધી અમે આંતરરાષ્ટ્રીય કાયદાઓમાં કામ કરી રહ્યા છીએ ત્યાં સુધી કોઈ અમને કહી શકતું નથી કે શું કરવું અને શું ન કરવું.
ઈઝરાયલી વાયુસેનાએ ઈરાની હુમલાના જવાબમાં તેહરાન પર હુમલો કર્યો
ઈઝરાયલી અનેક શહેરો પર તાજેતરના હુમલાઓ પછી ઈઝરાયલી વાયુસેનાએ ઈરાનની રાજધાની તેહરાન પર બદલો લીધો છે. IDF એ કહ્યું કે ઈઝરાયલી વાયુસેનાએ તેહરાનમાં ઈરાની લશ્કરી મથકો પર હુમલા શરૂ કર્યા છે. અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. સમાચાર અહેવાલો અનુસાર ઈરાનના રેડ ક્રેસન્ટ મુખ્યાલયને નિશાન બનાવવામાં આવ્યું છે.