ઘૂસણખોરી, માઇગ્રેશન, રાજ્યાશ્રય આ શબ્દો પશ્ચિમી દેશોને ભારે પરેશાન કરી રહ્યા છે. પશ્ચિમી દેશોની સમૃદ્ધિને કારણે અને તેમની ઉદાર નીતિઓને કારણે દુનિયાભરમાંથી લોકો આ દેશો તરફ આકર્ષાય છે અને અશાંતિગ્રસ્ત પ્રદેશોમાંથી નિરાશ્રિતોના ધાડેધાડા આ દેશોમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે. અમેરિકાને ખાસ કરીને હોન્ડુરાસ, ગ્વાટેમાલા, કોલંબિયા જેવા લેટિન અમેરિકન દેશોમાંથી પ્રવેશતા જનસમૂહોની સમસ્યા પરેશાન કરે છે તો યુરોપિયન દેશોને પશ્ચિમ એશિયાના અશાંત દેશો અને કેટલાક ભયંકર ગરીબ અને ગૃહ યુદ્ધ જેવી સમસ્યાઓમાં સપડાયેલા આફ્રિકન દેશોમાંથી આવતા નિરાશ્રિતોની સમસ્યા હેરાન કરે છે. આ ઉપરાંત અન્ય દેશોમાંથી થતી છૂટક ગેરકાયદે ઘૂસણખોરી તો ખરી જ. પરંતુ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે જે રીતે ગેરકાયદે ઇમિગ્રન્ટો અને નિરાશ્રિતો વગેરે માટે કડક નીતિઓ અપનાવી તે જ રીતે હવે કેટલાક યુરોપિયન દેશો પણ આવી નીતિઓ અપનાવવા માંડ્યા છે.
2024માં કેટલાક દેશોમાં જમણેરી પક્ષો સત્તામાં આવ્યા બાદ યુરોપિયન યુનિયન(EU) માઇગ્રેશનની નીતિઓને વધુ કડક બનાવી રહ્યું છે. સેન્ટર-રાઇટ ‘યુરોપિયન પીપલ્સ પાર્ટી’ ગઠબંધન સાથે જોડાયેલા યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને જણાવ્યું હતું કે, નવા પગલાં 2015 જેવી કટોકટીનું પુનરાવર્તન અટકાવશે. ઉલ્લેખનીય છે કે 2015માં સીરિયાના ગૃહયુદ્ધને કારણે આશરે દસ લાખ લોકો આશ્રય મેળવવા માટે યુરોપ પહોંચ્યા હતા. યુરોપના કટ્ટર જમણેરી પક્ષોએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હકાલપટ્ટીની નીતિઓની પ્રશંસા કરી છે અને EU ને આવો જ અભિગમ અપનાવવા હાકલ કરી છે. બીજી તરફ, માનવાધિકાર જૂથોએ ચેતવણી આપી છે કે સત્તાવાળાઓ પહેલેથી જ ગેરકાયદેસર રીતે સ્થળાંતરિતોને EUની સરહદો પરથી પાછા ધકેલી રહ્યા છે અને તેમના કાયદાકીય રક્ષણને નબળું પાડી રહ્યા છે.
જર્મની, ઓસ્ટ્રિયા, નેધરલેન્ડ, ડેનમાર્ક અને ગ્રીસ સહિતના EU (યુરોપિયન યુનિયન) રાષ્ટ્રોનું એક અનૌપચારિક જૂથ ડિપોર્ટેશન સેન્ટર (હકાલપટ્ટી કેન્દ્રો) માટે કરાર કરવાના પ્રયાસો કરી રહ્યું છે, તેમ સ્વીડિશ ઇન્સ્ટિટ્યૂટ ફોર યુરોપિયન પોલિસી સ્ટડીઝના સંશોધક બર્ન્ડ પારુસેલે જણાવ્યું હતું. યુરોપિયન પાર્લામેન્ટના ડચ સભ્ય ટીનેકે સ્ટ્રિકે જણાવ્યું કે, તેઓ જે દેશો સાથે વાત કરી રહ્યા છે તેમાં કેન્યા એક છે.
તેમણે ઉમેર્યું કે, સભાનપણે હોય કે ન હોય, આ યોજના ટ્રમ્પ દ્વારા એલ સાલ્વાડોર જેવા રાષ્ટ્રો સાથે કરવામાં આવેલા કરારો જેવી જ છે, જેમાં દેશનિકાલ કરાયેલા સ્થળાંતરિતોને સ્વીકારવાની વાત હતી. સ્વીડનના માઇગ્રેશન મંત્રીએ જણાવ્યું છે કે રૂઢિચુસ્ત શાસક ગઠબંધન યુરોપની બહાર, ખાસ કરીને અફઘાન અને સીરિયન આશ્રય શોધનારાઓ માટે કેન્દ્રો સ્થાપવાની મંજૂરી આપે છે. EU અને આંતરરાષ્ટ્રીય કાયદામાં ‘નોન-રિફાઉલમેન્ટ’ના સિદ્ધાંત હેઠળ, વ્યક્તિને એવા દેશમાં પાછી મોકલી શકાતી નથી જ્યાં તેને સતાવણીનો સામનો કરવો પડે.
પરંતુ યુરોપિયન ઇમિગ્રેશન અમલીકરણની રણનીતિઓમાં કહેવાતા પુશબેકનો સમાવેશ થાય છે, જેમાં EUમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા લોકોને આશ્રયની પ્રક્રિયાની તક આપ્યા વિના સરહદ પાર પાછા ધકેલી દેવામાં આવે છે.માનવતાવાદી સંસ્થાઓના જૂથ દ્વારા ફેબ્રુઆરીના અહેવાલ મુજબ, યુરોપમાં સત્તાવાળાઓ દરરોજ સરેરાશ 221 પુશબેક કરે છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે 2025 માં 80,000 થી વધુ પુશબેક નોંધાયા હતા, જે મોટે ભાગે ઇટાલી, પોલેન્ડ, બલ્ગેરિયા અને લાટવિયામાં થયા હતા. સ્પષ્ટ છે કે યુરોપિયન દેશો પણ ગેરકાયદે માઇગ્રન્ટો પ્રત્યે સખત બની રહ્યા છે.