કોરોના (Corona) મહામારીના લીધે છેલ્લાં દોઢ વર્ષથી રાજ્યમાં (Gujarat) શિક્ષણકાર્ય (Studies) ઠપ્પ હતું. શાળાઓ દ્વારા ઓનલાઈન અભ્યાસ (Online Education) કરાવવામાં આવી રહ્યો હતો, પરંતુ શિક્ષણમંત્રીની (Education Minister) જાહેરાત બાદ આજે સોમવારથી રાજ્યભરમાં શાળાઓમાં (Schools Re open) શિક્ષણકાર્ય શરૂ થઈ ગયું છે. ધો. 1થી 5ના બાળકોને પણ ઓફલાઈન (Offline) ભણાવવાની મંજૂરી આપી દેવાઈ છે. જોકે, આજે પ્રથમ દિવસે સુરતની શાળાઓમાં 1થી 5 ધોરણના વર્ગો ખાલીખમ ભાસ્યા હતા. ટીચર્સ સમયસર પહોંચ્યા હતા પરંતુ વિદ્યાર્થીઓ દેખાયા નહોતા. ગઈકાલે શિક્ષણમંત્રીએ એકાએક સ્કૂલ ખોલવાની જાહેરાત કરી છે, ત્યારે વાલી અને શાળા સંચાલકો તૈયારી કરી શક્યા નથી. હવે શાળાઓ દ્વારા વાલીઓ પાસે વિદ્યાર્થીઓને સ્કૂલમાં મોકલવા સંદર્ભના સંમતિપત્રક લખાવવાની શરૂઆત કરવામાં આવી છે, તે જોતાં આગામી બે ત્રણ દિવસમાં વિદ્યાર્થીઓ શાળામાં આવતા થાય તેવી શક્યતા જોવાઈ રહી છે.
સ્કૂલની શાળાના હોદ્દેદારોએ શિક્ષણમંત્રીની જાહેરાત સામે પણ નારાજગી વ્યક્ત કરી છે. શિક્ષણમંત્રીએ 1થી 5 ધોરણના વર્ગો શરૂ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપવો જોઈતો હતો તેવી લાગણી શાળા સંચાલકો, આચાર્યો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાંક વાલીઓ પણ નાખુશ છે. હજુ બાળકોની રસી આવી નથી ત્યારે એકાએક શાળા શરૂ કરવાના સરકારનો નિર્ણય વાલીઓને પસંદ પડ્યો નથી. શિક્ષકો, વિદ્યાર્થી અને વાલીઓ માનસિક રીતે તૈયાર નથી. શિક્ષકોએ પણ શાળામાં અભ્યાસ શરૂ કરવા માટે થોડો સમયની જરૂરિયાત હોવાની લાગણી વ્યક્ત કરી છે.
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું હોય શાળાઓને પૂર્વવત્ત શરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર નિર્ણય લેવામાં આવી રહ્યાં છે. સપ્ટેમ્બર મહિનામાં ધો. 6થી 12ના વર્ગો શરૂ કરાયા બાદ ગઈકાલે રવિવારે શિક્ષણમંત્રીએ સુરતમાં એવી જાહેરાત કરી હતી કે સોમવારથી ધો. 1થી 5ના વર્ગો પણ રાજ્યની શાળામાં શરૂ કરવામાં આવશે. શિક્ષણમંત્રીની જાહેરાતના પગલે આજે રાજ્યની શાળાઓમાં સ્કૂલો શરૂ થઈ છે. પહેલાં દિવસે બાળકોની સંખ્યા ઓછી જોવા મળી હતી, પરંતુ જેટલાં બાળકો સ્કૂલે આવ્યા હતા તેઓ ખૂબ આનંદિત જોવા મળ્યા હતા. જોકે, પહેલાં દિવસે વાલી અને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં જણાયા હતા. એકાએક શિક્ષણ મંત્રી દ્વારા શાળા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હોય વાલીઓને બાળકોને સ્કૂલે મોકલવા, લાવવા તેમજ યુનિફોર્મની વ્યવસ્થા કરવાનો સમય મળ્યો નહોતો. ફી મામલે પણ વાલીઓ મૂંઝવણમાં જણાયા હતા, જ્યારે 18થી નાની વયના બાળકો માટે રસી હજુ આવી નહીં હોય કોરોનાના સંક્રમણ અંગે પણ ચિંતિત જોવા મળ્યા હતા.
શાળાઓ બે કલાક જ અભ્યાસ કરાવશે
ધો.1થી 5ના વર્ગો શરૂ થયા બાદ બાળકોને સ્કૂલે આવવાની ટેવ પાડવા અને સ્કૂલના વાતાવરણ સાથે સેટ થવા માટે સંચાલકો શરૂઆતમાં બે કલાકનો જ અભ્યાસ કરાવશે. હવે લાંબા સમય બાદ સ્કૂલો શરૂ થઈ છે ત્યારે મોટાભાગના વાલીઓ બાળકોને સ્કૂલે મોકલવા તૈયાર છે. પરંતુ વાલીઓને સૌથી મોટી ચિંતા બાળકોની સુરક્ષાની છે. કારણ કે મોટા બાળકો પોતાની રીતે કોરોના ગાઇડલાઇનનું પાલન કરી શકે છે. પરંતુ નાના બાળકોની સુરક્ષાને લઇને સ્કૂલ સંચાલકો તૈયારી કરશે કે નહીં. ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ ક્લાસ રૂમમાં કોવિડના નિયમોનું પાલન કરે તે માટે શરૂઆતના દિવસોમાં દરેક વર્ગમાં 2 શિક્ષકો રાખવામાં આવશે, જેમાંથી એક બાળકોને ભણાવશે અને બીજા વિદ્યાર્થીઓને માસ્ક પહેરવા તથા સેનેટાઇઝ યુઝ અને ડિસ્ટન્સિંગ રાખવા બાબતે ધ્યાન રાખશે. ઓફલાઇન એજ્યુકેશન શરૂ કરી દેવાશે પરંતુ શરૂઆતના દિવસોમાં હાજરી ઓછી રહેશે અને પછી 100 ટકા હાજરી થાય તો ઓડ-ઇવન સિસ્ટમથી શિક્ષણ અપાશે.
સ્કૂલમાં સેનેટાઇઝર વ્યવસ્થા કરવામાં આવી
ધોરણ-1થી 5ના ઓફલાઇન વર્ગ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. ત્યારે ઓલ ગુજરાત વાલી મંડળ પ્રમુખ નરેશ શાહે કહ્યું કે રાજ્ય સરકારનો નિર્ણય જોખમી પગલું છે. કોઇ બાળક સંક્રમિત થશે તો તેની જવાબદારી શિક્ષણમંત્રીની હશે. સરકાર સ્કૂલો શરૂ કરે તે પહેલા ગુજરાત બોર્ડ કોર્સ નક્કી કરે. સરકારે સ્કૂલોના દબાણથી આ નિર્ણય કર્યો છે.