વડોદરા: વડોદરા (Vadodara) માં રસ્તામાં પહેલા ખાડા (Pit) ને લઇ એક બાળક (Child) નો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો. ખાડામાં આજે બે વર્ષનું બાળક પડી જતા અફરાતફરી મચી જવા પામી હતી. ઘટના બાદ લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. પહેલા તો લોકોએ બાળકને બહાર કાઢવા માટે જહેમત શરુ કરી હતી. ત્યારબાદ ફાયરનાં જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ બાળકને ખાડામાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. બાળકને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે હાલમાં બાળકી હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
ફાયર વિભાગે JCBની મદદથી રેસ્ક્યુ ઓપરેશન કર્યું
વડોદરાના સરસિયા તળાવ મંદિર નજીક એક મોટી દુર્ઘટના બની હતી. બે વર્ષનું રસ્તા પર રમતા રમતા 10 ફૂટ ઊંડા ખાડામાં પડી ગયું હતું. જેના કારણે બાળકના પરિવાર સહિત સ્થાનિક લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. અને બાળકને બચાવવા માટેના પ્રયાસો શરુ કર્યા હતા. સાથે આસપાસનાં લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. આ બાળકનું નામ અરુણ મહેશભાઈ માવી છે. બાળકના માતા-પિતા મજૂરી કામ કરે છે. તેઓ મૂળ દાહોદ જિલ્લાના લીમખેડાના અંબા ગામના શ્રમજીવી પરિવાર છે જે વડોદરામાં રહે છે. દીકરો ખાડામાં પડી જતા માતાએ આક્રંદ મચાવ્યો હતો. બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
ભારે જહેમત બાદ બાળકને બચાવી લેવાયો
ફાયરનાં જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. પરંતુ ખાડો સાંકડો હોવાથી ખૂબ જ મુશ્કેલી પડી હતી. ફાયરબ્રિગેડે બાજુમાં જ JCBની મદદથી બીજો ખાડો ખોદવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ બાળકને હેમખેમ બહાર કાઢવામાં આવ્યું હતું. બાળકને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલમાં બાળકને હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલમાં બાળકની સારવાર કરી રહેલા ડોકટરોનાં જણાવ્યા મુજબ, બાળકની હાલત સ્થિર છે. બાળકને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યું ત્યારે તેની ભાનમાં જ હતું. પરંતુ બાળક ગભરાયેલું જણાયું હતું. પરંતુ હાલમાં બાળકની હાલત સ્થિર છે.
રસ્તાના ખાડા લોકો માટે જીવનું જોખમ
આ ઘટના બાદ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે બાળકો રમતા હોય છે ત્યારે રસ્તા પર પડેલા ખાડામાં તેઓનું ધ્યાન ન જ જાય. પરંતુ જે પ્રકારે ઘટના બની લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. આ પ્રકારનાં ખાડો કોને ખુલ્લો મુક્યો એવા સવાલો કરી રહ્યા છે.