દાહોદ: લાંબા વિરામ બાદ દાહોદ શહેર સહિત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે સર્વત્ર વરસાદી પાણી છવાઈ ગયા છે. માત્ર એક કલાકના ધોધમાર વરસાદને પગલે અંદાજે અઢી ઇંચ જેટલો વરસાદ દાહોદ શહેરમાં ખાબકી પડયો છે ત્યારે બીજી તરફ ઠેરઠેર વરસાદી પાણીના સામ્રાજ્ય સાથે જાહેર રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઇ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ઘરોમાં પાણી ઘુસી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.જિલ્લાના ખેડૂત મિત્રોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.
લગભગ 15 દિવસ પહેલા વસેલ વરસાદ બાદ સતત પંદર દિવસ સુધી મેઘરાજાએ દર્શન ન દેતાં જિલ્લાના ખેડૂતો મિત્રોમાં ચિંતાના વાદળો છવાયા હતા પરંતુ અચાનક વાતાવરણમાં પલટો આવતા અને સાંજના 5:00 વાગ્યા બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે દાહોદ શહેર સહિત જિલ્લામાં વરસાદી પાણી છવાઈ ગયા હતા. દાહોદ શહેરની વાત કરીએ તો દાહોદ શહેરમાં વીજળીના કડાકા ધડાકા સાથે અને પવનના ભારે સુસવાટા સાથે વરસાદી પાણી ભરાયા હતા.