Columns

બે વર્ષના વિરામ બાદ રંગેચંગે ઉજવાશે ‘‘અંબાજી ધામનો મેળો’’

હિન્દુ તહેવારોની શૃંખલામાં અત્યારે ધાર્મિક અને આનંદ ઉલ્લાસનું પર્વ ગણેશોત્સવ ચાલે છે. કોરોના દરમ્યાન બે વર્ષમાં અનેક મર્યાદાઓ વચ્ચે ગણેશ-ઉત્સવની મર્યાદિત ઉજવણી પછી આ વર્ષે ખૂબજ હર્ષોલ્લાસ સાથે રાજ્યમાં ભવ્યતિભવ્ય ઉજવણી થઈ રહી છે. એક અંદાજ મુજબ સુરત શહેરમાં જ 65,000 થી વધુ ગણેશજીની નાની-મોટી મૂર્તિઓ પ્રસ્થાપિત થઈ છે. શુક્રવારે અનંત ચૌદશના દિવસે બાપ્પાની વિદાય થશે. શનિવારે ભાદરવી પૂર્ણિમાનો અવસર છે. ગુજરાતના યાત્રાધામ અંબાજી ખાતે લોકમેળાનું આયોજન થશે. 300 વર્ષથી દર ભાદરવી પૂનમે ભરાતો લોકમેળો છેલ્લા 300 વર્ષ પછી કોરોનાને કારણે સતત બે વર્ષથી યોજાતો નહોતો જે આ વર્ષે ખૂબ ધામધૂમથી ઉજવાશે. યોજાનાર આ લોકમેળા અંગેની વિગતો વિસ્તૃત રૂપે જાણીએ.

પૌરાણિક કથાઓ અનુસાર દક્ષ પ્રજાપતિએ યોજેલા મહાયજ્ઞમાં દેવાધિદેવ શિવજીનું સ્થાન નહોતું રખાયુ એ બાબતે દુરાગ્રહે યજ્ઞમંડપમાં પહોંચેલા શિવજીના પત્નિ સતીએ દુ:ખી થઈ પોતાના દેહની આહુતિ એજ યજ્ઞમાં આપી દેતા ક્રોધે ભરાયેલા શિવજી રૌદ્રરૂપે સતીના દેહને લઈને ક્રોધાવેશમાં બ્રહ્માંડમાં ભ્રમણ કરતા હતા તે જોઈને સર્વ દેવી દેવતાઓ ચિંતિત હતા કે શિવજી બ્રહ્માંડમાં પ્રલય સર્જી દેશે. અંતે સમાધાનના પર્યાય સ્વરૂપે વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના ટુકડા કરી દીધા જેથી શિવજીના ક્રોધનું શમન થાય. પુરાણોક્ત કથાનુસાર સતીના દેહના ભાગ જ્યા જ્યા પડયા તે 51 સ્થળ 51 શકિતપીઠ તરીકે પૂજનીય રહ્યા છે.

પૌરાણિક તંત્ર-ચૂડામણી ગ્રંથ અનુસાર દેવી સતીનુ હૃદય જ્યાં પડયું હતું તે અંબાજી શક્તિપીઠ તરીકે સ્થાપિત છે. ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર બનાસકાંઠાનું વિખ્યાત અંબાજીધામ કરોડો શ્રધ્ધાનું પ્રતિક છે. પ્રાકૃતિક સુંદરતા વચ્ચે આવેલ અંબાજીધામ ખાતે યાત્રાળુઓ સાથે પર્યટકોનું પ્રિય ડેસ્ટીનેશન છે. ધાર્મિક મહત્વ ધરાવતો અને પૌરાણિક કથાઓ સાથે જોડાયેલ ગબ્બર પર્વત બરાબર અંબાજી મંદિરની સામે છે. અહિં પણ અંબાજી માતા પ્રસ્થાપિત છે. અંબાજી માતાનો પ્રાગટયોત્સવ પોષ મહિનાની પૂનમે આવે છે.

એ શાકંભરી પૂનમ કહેવાતી હોવાથી માતાજીને શાકભાજીનો અન્નકુટ ધરાવાય છે. આ દિવસે સોનાના થાળમાં 56 જાતના ભોગ પણ માતાજીને ધરાય છે. ભાદરવા માસની પૂનમ અને પોષ મહિનાની પૂનમનું અલગ-અલગ વિશેષ મહત્વ રહેલું છે. પ્રત્યેક વર્ષે ભાદરવી પૂર્ણિમાએ અહીં ભરાતો લોકમેળો બે વર્ષના વિરામ પછી ઉજવાઈ રહ્યો છે તેથી દર વખત કરતા આ બાબતે 30 લાખથી વધુ શ્રધ્ધાળુઓ અંબાજી આવે તેવી ધારણાઓ મંડાઈ રહી છે. અહીં માતાજીના મંદિર પાસેની પરિસર ચાચરચોક તરીકે ધાર્મિક મહત્વ ધરાવે છે. મંદિરની પાછળ માન સરોવર નામે જાણીતો કુંડ છે. અંબાજી મંદિરમાં સૌમ્ય અંબામાતાની પ્રતિમા દર્શનીય છે. પણ ગર્ભગૃહમાં માતાજીની પ્રતિમાની નહિ પણ શ્રીયંત્રની પૂજા થાય છે. ભાદરવી પૂર્ણિમાએ શ્રીયંત્રની આસપાસ સુગંધી રંગબેરંગી ફૂલોથી સુશોભિત કરાય છે.

સૌરાષ્ટ્રના ધાર્મિક લોકમેળાઓ ખૂબ વિખ્યાત છે. જુનાગઢનો શિવરાત્રીનો મેળો, કૃષ્ણ-રૂક્ષ્મણીના વિવાહને યાદ કરાવતો માધવપુરનો મેળો, સુરેન્દ્રનગર પાસેનો તરણેત્તરનો મેળો જે ગયા સપ્તાહે જ ભરાયો હતો અને અંબાજીનો આવતા શનિવારે ધાર્મિક લાગણીઓ અને શ્રધ્ધાપૂર્વક ઉજવાતો લોકમેળો ગુજરાતના ધાર્મિક લોકમેળા તરીકે ખૂબ વિખ્યાત થયા છે. જો કે શ્રાવણ માસના સાતમ-આઠમના લોકમેળા તો ગુજરાતમાં ગામે-ગામ યોજાતા હોય છે પણ આ બધા મેળાઓ ધાર્મિક ભાવનાઓ અને મહત્ત્વત્તા સાથે યોજાય છે.

આ વર્ષે યોજાનાર અંબાજીધામ ખાતેના આ લોકમેળાના આયોજન માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, જિલ્લા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી તથા વિવિધ વિભાગીય અધિકારીઓની સંયુક્ત રીતે યોજાયેલ બેઠક દરમ્યાન 28 જેટલી સમિતિઓ બનાવી વિવિઘ કામગીરી સોંપવામાં આવી હતી. અને જે યુધ્ધ ધોરણે હવે પૂર્ણ થવામાં છે. સ્વચ્છતા અને સુરક્ષા સાથે રોડ-રસ્તાઓની મરમ્મત, વીજળી, પાણી, દૂધ જેવી આવશ્યક સેવાઓની અવિરતતા, યાત્રીઓ માટે જાહેર આવાસ, ટેન્ટ, ઉપરાંત સ્વાસ્થ્ય વ્યવસ્થા માટે 36 જેટલા હંગામી સ્વાસ્થ્ય કેન્દ્રો, 108 સહિતની અનેક એમ્બ્યુલન્સ સાથે સ્વાસ્થ્ય કર્મીઓની પણ વ્યવસ્થા રખાઈ છે.

કાયદા અને કાનૂની વ્યવસ્થા પર વિશેષ ધ્યાન અપાયું છે. કારણકે બે વર્ષ પછી યોજાતા આ મેળામાં ભારે જનમેદનીને લીધે અવ્યવસ્થા ઉભી ના થાય તે જરૂરી છે. વાહનો લઈને પહોંચનારા શ્રધ્ધાળુઓ માટે અલગ-અલગ સ્થળે 20 જેટલા પાર્કિગની વ્યવસ્થા હશે. સુરક્ષાના કારણોસર 12 જગ્યાએ એલઈડી સ્કીન દ્વારા જરૂરી પ્રસારણ કરાશે તો 14 જેટલા ઉંચા વોચ ટાવર પરથી ગતિવિધિઓ પર નજર રખાશે. અંબાજી ગામમાં, મંદિર પરિસરમા, રોડ-રસ્તાઓ પર, મેળામાં અને પાર્કિગ પર નજર રાખવા 325 થી વધુ CCTV કેમેરા પણ ગોઠવાશે. અંદાજે 7000 થી વધુ પોલીસકર્મીઓ વિવિધ સ્થળે તૈનાત કરાશે. વિશેષતઃ આધુનિક ટેકનોલોજીના આશિર્વાદ સ્વરૂપ અદ્યતન ડ્રોન મેળાની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખશે.

યાત્રિકોની ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા જળવાય રહે તે માટે ગુજરાતની એસ.ટી. વ્યવસ્થા દ્વારા 1100 થી વધુ નવી બસોની સેવા મળી રહેશે. ગુજરાત, રાજસ્થાન ઉપરાંત વિવિધ રાજ્યોમાંથી આવતી-જતી બસો માટે 10 જેટલા નવા હંગામી બસ સ્ટેન્ડો બનાવાયા છે. હંગામી ટોઈલેટ-બાથરૂમ અને હેલ્પ સેન્ટરો યાત્રિકોની સુવિધા જાળવવા માટે પણ બની ચૂક્યા છે. અંબાજી ખાતે પૂનમ ભરવા જતા લોકોની સંખ્યા ખૂબ મોટી છે ત્યારે આ પૂર્ણિમાનું મહત્ત્વ ઘણું વધુ હોવાથી છેક અમદાવાદથી પગે ચાલીને અંબાજી પહોંચનારાઓની સંખ્યા પણ આ વર્ષે વધુ હશે.

અમદાવાદથી અંબાજી સુધીના રસ્તા પર આજુબાજુના ગામવાળાઓ આ પદયાત્રીઓની સુવિધા માટે ચા-પાણી અને ભોજનની વ્યવસ્થા કરતા હોય છે. દર દોઢ બે કિલોમીટર પર સામાજીક અને ધાર્મિક સંસ્થાઓના ટેન્ટ-મંડપ બંધાયેલા હોય છે. જ્યા પદયાત્રીઓને આરામ કરવા ઉપરાંત ફીઝીઓથેરાપીસ્ટો દ્વારા ટુંકી કસરતો અને આરામદાયક યાત્રા માટેની સારવાર પણ મળે છે. પદયાત્રીઓ અંબાજી ખાતે ધજા ચઢાવવા જતા હોય છે અને તે લોકોને અંબાજીધામ ખાતે પણ સમ્માનપૂર્વકની સેવાઓ મળતી હોય છે.

તે લોકોને પણ પરત જવા માટે ગુજરાત સરકારે એસ.ટી. બસોની વિશેષ સગવડો કરી છે. શનિવારે પૂર્ણિમાને દિવસે અંબાજી મંદિરમાં પૂજા, યજ્ઞ-અનુષ્ઠાન ઈત્યાદિ કાર્યક્રમો યોજાશે. માતાજીની 700 છંદની સ્તુતિ પ્રાર્થના થશે તો મેળાના સ્થળે ભવાઈ, નાટક, રાસ-ગરબા, આદિવાસી નૃત્ય તથા સાંસ્કૃતિક કાર્યોક્રમોનું આયોજન કરાયુ છે. સાંજ પછી ગબ્બર પર્વતના પહાડ પર નવદુર્ગા અને 51 શક્તિપીઠોની મહત્તા દર્શાવતો લેસર-શો પણ યોજાશે. આજુબાજુના વિસ્તારોના આદિવાસીઓની બનાવેલી ટ્રેડીશનલ ગૃહપયોગી ચીજ-વસ્તુઓ અને પોષાકો વેચાણ માટે હશે જે મેળાનું એક વિશેષ આકર્ષણ હશે.

Most Popular

To Top